અગ્નિશમન દળના આ બે જાંબાઝોએ યુરોપના સૌથી ઊંચા શિખર પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્નિશમન દળના જાંબાઝોએ ભારતીય સ્વતંત્રતા દિવસ પર કઠોર હવામાનનો સામનો કરીને યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો અને મુંબઈ ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું.
બીએમસીના ફાયર બ્રિગેડના યોગેશ પ્રકાશ બડગુજર અને પ્રણિત મચ્છીન્દ્ર શેલ્કે બંને ભારતીય સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 2022ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે યુરોપના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એલ્બ્રસના શિખર પર સફળતાપૂર્વક પહોંચ્યા હતા અને ગર્વથી ભારતીય તિરંગો અને બોમ્બે ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો.
યોગેશ અને પ્રણિત અગ્નિશમન દળના હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમમાં કામ કરે છે, તેઓ પર્વતારોહણના શોખીન છે. 2017માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર સર્વિસમાં જોડાયા પછી પણ તેઓએ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓ કેળવવા માટે પર્વતારોહણની પ્રેક્ટિસ ચાલુ રાખી છે. તેમનું લક્ષ્ય વિશ્વના સાતેય ખંડોના સાત સૌથી ઊંચા પર્વત શિખરો પર ચઢવાનું છે. આ પહેલા તેમણે આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમંજારો પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. હવે તેમણે રશિયાના દક્ષિણપશ્ચિમમાં આવેલા માઉન્ટ એલ્બ્રસ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે.

નોંધનીય છે કે માઉન્ટ એલ્બ્રસ એ યુરોપમાં કાકેશસ પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર (18,505 ફૂટ) છે જે રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે અને તે કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રની વચ્ચે સ્થિત છે. માઉન્ટ એલ્બ્રસનું ચઢાણ મધ્યમ પડકારરૂપ માનવામાં આવે છે. જોકે, અહીંનું હવામાન ખૂબ જ અકળ છે. આખા વર્ષ દરમિયાન વારંવાર બરફના તોફાન, તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી ગગડી જઇ ગાત્રો થીજાવી દેતી ઠંડી અને ઝીરો વિઝિબિલિટીએ અહીં ઘણા ક્લાઇમ્બર્સનો જીવ લીધો છે.
આ બંને જાંબાઝોએ 2024માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8848.86 m/29,031 ft) પર ચઢવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આપણે તેમને આ સાહસ માટે શુભેચ્છા આપીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.