ગુજરાતમાં રાષ્ટ્રિય રમતોત્સવ યોજાશે

દેશ વિદેશ

અમદાવાદ સહિત છ શહેરમાં આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: આગામી તા. ર૭મી સપ્ટેમ્બરથી તા. ૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રિય રમતોત્સવ યોજાશે. રાજ્યનાં ૬ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવની વિવિધ ૩૪ જેટલી રમતોનું આયોજન થશે. ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની જાહેરાત કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રિય રમતોત્સવમાં હિસ્સેદારીએ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કીર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિહ્ના કીર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે ર૦૧પમાં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી.
આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના ૭ હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે. હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની ર૦૧૦થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે.
ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે. એટલું જ નહિ, પેરા ઓલિમ્પિકસમાં પણ ગુજરાતની દીકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યું છે.
ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે વિકસાવી છે એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્પૉર્ટ્સ પૉલિસી જાહેર કરીને સ્પૉર્ટ્સ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.