નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ, વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની અટકાયત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા કરાઈ રહેલી નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ આજે લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી. મળતી મહિતી મુજબ તેમને કોઈ નવું સમન્સ આપવામાં આવ્યું નથી. EDના અધિકારીઓએ સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં કુલ 11 કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમને 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

એક તરફ સોનિયા ગાંધીની EDની પૂછપરછ થઇ રહી હતી ત્યારે સંસદ ભવન પાસે કોંગ્રેસના નેતાઓએ પ્રદર્શન કર્યું હતું છે. સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા મનીષ તિવારી, સચિન પાયલટ, પવન બંસલ, અનિલ ચૌધરી, હરીશ રાવતને સહિત કોંગ્રેસના અનેક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ સાથે કેટલીક મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.

મુંબઈમાં  સોનિયા ગાંધીની પુછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ આક્રમક બન્યા હતા. મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર કાર્યકર્તાઓએ ટ્રેન રોકવાની કોશિશ કરી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યાનુસાર કેટલાક લોકો ટ્રેન રોકવા આવ્યા હતાં, પરંતુ તેઓ અસફળ રહ્યા હતાં. તેમની ધરપકડ કરવામાં આવી છે.

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિષે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસનો વિરોધ ‘સત્યાગ્રહ’ નથી પરંતુ સત્ય છુપાવવાનો પ્રયાસ છે. આ બધા એક પરિવારને બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. તેઓએ તપાસ એજન્સીઓને જવાબ આપવો જોઈએ પરંતુ તેઓ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે જો તેમણે(ગાંધી પરિવારે) કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી તો પછી આટલો ડર કેમ છે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાંથી બળાત્કાર, હત્યાની ઘટનાઓ બની રહી છે પરંતુ તેમના મુખ્યપ્રધાનો પોતપોતાના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે દિલ્હીમાં ધામા નાખે છે.
આ તપાસ અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ અને ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે. અધિકારીઓએ કહ્યું કે કોવિડ ફ્રેન્ડલી પ્રોટોકોલને અનુસરીને પૂછપરછ અલગ અલગ સત્રોમાં હાથ ધરવામાં આવી રહી છે અને તેનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.