મુંબઈમાં 26/11નો આતંકવાદી હુમલો એ મુંબઈ પોલીસના કપાળ પર કલંકનું કાળું નિશાન છે, જે ક્યારેય નહીં ભૂંસાય. 26 નવેમ્બર, 2008ની એ ગોઝારી રાતે 10 આતંકવાદીએ જુદા જુદા સ્થળો પર ગોળીબાર ચાલુ કરી દીધો હતો. લશ્કરે તોયબાના આ આતંકવાદીઓને પાકિસ્તાને સમુદ્ર માર્ગે ભારતને બરબાદ કરવા મોકલ્યા હતા. આ લોહિયાળ જંગનો અંત 29 નવેમ્બરના રોજ આવ્યો હતો. ભારતીય સુરક્ષા દળોએ 10માંથી 9 આતંકીઓને ઠાર માર્યા હતા અને એક આતંકી અજમલ કસાબને જીવિત પકડ્યો હતો. ભારતે પાકિસ્તાનના કાળા કરતૂતોને પર્દાફૈાશ કર્યા હતા અને બાદમાં કસાબને ફાંસી આપવામાં આવી હતી.
14 વર્ષ બાદ આજે પણ આંખઓમાં એ ચાર દુઃખમય દિવસની લોહિયાલ સ્મૃતિઓ હાજર છે. ચાર દિવસ સુધી ચાલેલા લોહિયાળ ખેલમાં પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં 12 અલગ-અલગ જગ્યાએ ગોળીબાર અને બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં સેંકડો લોકોના મૃત્યુ થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ આતંકવાદીઓનું કામ તમામ કરવા માટે ‘ઓપરેશન બ્લેક ટોર્નેડો’નું આયોજન કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લોહિયાળ ઘટનામાં સામેલ એકમાત્ર આતંકવાદી કસાબને મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેએ જીવતો પકડ્યો હતો. જ્યારે તે હુમલામાં મુંબઈ પોલીસના બહાદુર અધિકારીઓ શહીદ થયા હતા, જેમાં મહારાષ્ટ્ર પોલીસના જોઈન્ટ કમિશનર હેમંત કરકરે (જે તે સમયે આતંકવાદ વિરોધી ટુકડીના વડા પણ હતા), અધિક પોલીસ કમિશનર અશોક કામટે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર, સિનિયર ઈન્સ્પેક્ટર શશાંક શિંદે, એનએસજી કમાન્ડો સામેલ હતા. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, NSG કમાન્ડો હવાલદાર ગજેન્દ્ર સિંહ બિષ્ટ સહિત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ત્રણ રેલવે અધિકારીઓ પણ શહીદ થયા હતા.
26/11ના આતંકવાદી હુમલાની 15મી વરસી પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશ પ્રધાન ડૉ.એસ.જયશંકરે હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કર્યા હતા અને આતંકવાદને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ખતરો ગણાવ્યો હતો.