પાકિસ્તાનના સરમુખત્યાર ભૂતપૂર્વ આર્મી ચીફ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે દુબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. પરવેઝ મુશર્રફને એમાયલોઇડિસ નામની બીમારી હતી અને તેમના મોટાભાગના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મુશર્રફ ગયા પણ તેમના કાળા કારનામા કાયમ ઇતિહાસમાં નોંધાઇ ગયા છે.
ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ હતા ત્યારે તેમણે ભારત વિરુદ્ધ ઘણાં ષડયંત્ર રચ્યા હતા. મુશર્રફને ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા અને લાલ મસ્જિદના મૌલવીની હત્યાના સંબંધમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. મુશર્રફને 2007માં પોતાના દેશમાં ઈમરજન્સી લાદવામાં તેમની ભૂમિકા બદલ પાકિસ્તાનની અદાલતે 2019માં મૃત્યુદંડની સજા ફટકારી હતી.
મુશર્રફે જ કારગીલ યુદ્ધ શરૂ કર્યું હતું. તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફે લાહોરમાં તેમના ભારતીય સમકક્ષ અટલ બિહારી વાજપેયી સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યુદ્ધ શરૂ થયું હતું. જોકે, મુશર્રફ આ યુદ્ધ હારી ગયા હતા. કારગીલમાં નિષ્ફળતા પછી, મુશર્રફે 1999માં તત્કાલીન વડા પ્રધાન શરીફને સત્તાપલટો કરીને 1999થી 2008 સુધી વિવિધ હોદ્દાઓ પર શાસન કર્યું હતું.
પરવેઝ મુશર્રફ અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી જુલાઈ 2001માં આગ્રા સમિટ માટે સાથે આવ્યા હતા. અહીં બંને નેતાઓએ સરહદ પારના આતંકવાદ અને પરમાણુ મુદ્દા અને કાશ્મીર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જો કે, મુશર્રફ સરહદ પારથી ઘૂસણખોરીનો અંત લાવવાની ખાતરી આપી શક્યા ન હોવાથી વાટાઘાટો તૂટી ગઈ હતી અને અન્ય કોઈપણ મોરચે કોઈ સફળતા મેળવવામાં વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી.
માર્ચ 2014માં, મુશર્રફને 3 નવેમ્બર 2007ના રોજ બંધારણને સસ્પેન્ડ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019 માં, એક વિશેષ અદાલતે મુશર્રફને રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.