નાસિર હુસેન ‘બહારોં કે સપને’ની વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું સપનું લઈને મુંબઈ આવ્યા હતા

મેટિની

નિધિ ભટ્ટ

બોલીવૂડના ટ્રેન્ડ સેટર નાસિર હુસેને લેખક-દિગ્દર્શક અને નિર્માતા તરીકે ‘તુમસા નહીં દેખા’, ‘ફિર વહી દિલ લાયા હૂં’, ‘તિસરી મંઝિલ’, ‘યાદોં કી બારાત’, ‘કારવાં’, ‘હમ કિસીસે કમ નહીં’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મો આપી છે. દેવ આનંદ અને શમ્મી કપૂર માટે તેમણે શાનદાર ફિલ્મો લખીને તેમને એક અલગ ઓળખ આપી હતી. જ્યારે રાજેશ ખન્ના સુપર સ્ટાર નહોતા, ત્યારે પણ તેની સાથે નાસીરજીએ ૧૯૬૭માં ‘બહારોં કે સપને’ નામની ફિલ્મ બનાવી હતી. આજે તેની વાત કરવી છે.
‘બહારોં કે સપને’ ફિલ્મની વાર્તા નાસિર હુસેન જ્યારે લખનઉ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે તેમણે લખી હતી, તેથી સંગીતસભર અને રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા નાસિર હુસેન માટે ‘બહારોં કે સપને’ બહુ જ ખાસ અને દિલની નજીક હતી. આ વાર્તા પર ફિલ્મ બનાવવાનું સપનું લઇને નાસિરજી મુંબઈ આવ્યા હતા. આ ફિલ્મ તેમના ટ્રેન્ડમાર્કથી અલગ યથાર્થવાદી, પ્રયોગધર્મી અને રંગીન જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ફક્ત એક ડ્રીમ સિક્વન્સ સોંગ ‘ક્યા જાનુ સજન’ ગીતને જ રંગીન ફિલ્માવવામાં આવ્યું હતું. દિગ્દર્શક તરીકે આ તેમની પાંચમી ફિલ્મ હતી અને આ ફિલ્મને મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવી હતી.
ફિલ્મમાં રાજેશ ખન્નાની સામે નંદાને હિરોઇન તરીકે લેવા માગતા હતા, પરંતુ તે તૈયાર ન થતાં તેની જગ્યાએ આશા પારેખને લેવામાં આવી હતી.
રોમેન્સની સાથે સાથે કર્ણપ્રિય સંગીત અને સાથે હેપ્પી એન્ડિંગ એ નાસિરજીની ફિલ્મોની ઓળખ બની ગઇ હતી. પ્રેક્ષકો આ આશા સાથે જ ‘બહારોં કે સપને’ ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા, પણ ફિલ્મ જોઇને દર્શકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. આ ફિલ્મ નાસિર હુસેનની તમામ ફિલ્મો કરતાં અલગ હતી એટલું જ નહીં, પણ એનો ક્લાઇમેક્સ પણ દુ:ખદ હતો. હીરો-હિરોઇન બન્ને મરી જાય છે એવો ફિલ્મનો એન્ડ હતો. દર્શકોએ નાસિરજીની ખૂબ જ આલોચના કરી હતી. એના કારણે બે દિવસ બાદ જ તેમણે નવો હેપ્પી એન્ડિંગવાળો ક્લાઇમેક્સ શૂટ કર્યો અને બીજા અઠવાડિયે આ હેપ્પી એન્ડિંગ સાથે ફિલ્મને રજૂ કરવામાં આવી, પરંતુ એનાથી ફિલ્મની બૉક્સ ઑફિસ પર ખાસ કોઈ ફરક પડ્યો નહોતો. નારાજ દર્શકોએ ફિલ્મને નકારી કાઢી હતી, કારણ કે એમાં નાસિર હુસેનનો ટ્રેડમાર્ક સમો ટચ જોવા મળ્યો નહોતો. એમાં પાછા રાજેશ ખન્ના એ સમયે નવા નવા હતા. આશા પારેખ હંમેશાંની જેમ ગ્લેમરસ નહોતી લાગતી. આ બધાં કારણોને લીધે ફિલ્મ પિટાઇ ગઇ.
એક આડવાત એ હતી કે આ ફિલ્મને પહેલાં વિજય આનંદ ડિરેક્ટ કરવાના હતા અને એની સમાંતર નાસિર હુસેન ‘તિસરી મંઝિલ’ ડિરેક્ટ કરવાના હતા, જેમાં એ વખતે દેવ આનંદને સાઇન કરવામાં આવ્યા હતા, પણ બાદમાં એવું થયું કે વિજય આનંદને નાસિર હુસેનની ‘તિસરી મંઝિલ’નું દિગ્દર્શક તરીકે સુકાન સોંપવામાં આવ્યું અને દેવ આનંદને બહાર કરીને શમ્મી કપૂરને કાસ્ટ કરવામાં આવ્યો અને પોતે ‘બહારોં કે સપને’ ડિરેક્ટ કરી. આ ફિલ્મથી નાસિર હુસેનને જીવનની સૌથી મોટી શીખ મળી કે દુ:ખાંતવાળી ફિલ્મો દર્શકોને પસંદ નથી આવતી. ત્યાર બાદ તેમણે નિર્માતા-દિગ્દર્શક તરીકે એકપણ એવી ફિલ્મ ન બનાવી જેમાં હીરો-હિરોઇન અંતમાં મરી જતાં હોય.
‘બહારોં કે સપને’ ફિલ્મને ભલે આજે લોકો ભૂલી ગયા હોય, પણ આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીઝને આર. ડી. બર્મન એટલે કે પંચમદા જેવા સંગીતકાર મળ્યા. ફિલ્મના ‘આજા પિયા તોહે પ્યાર દૂં’, ‘ક્યા જાનુ સજન’ અને ‘ચુનરી સંભાલ ગોરી’ જેવાં ગીતો સંગીતરસિકો આજે પણ સાંભળીને ધન્યતા અનુભવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.