નાશિકના સિન્નર તાલુકાના નાંદુર શિંગોટે ખાતે ગોપીનાથ મુંડેના સ્મારક અને પૂતળાના અનાવરણ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રિય પ્રધાનો સહિત ડઝનબંધ નેતાઓની હાજરી વચ્ચે પણ એક ખાસ નેતાની ગેરહાજરી ચર્ચાનું કારણ બની છે. હવે તમને થશે કે આખરે એ કયા નેતા છે જેની ગેરહાજરી આંખે ઊડીને વળગી છે. આ નેતાની ગેરહાજરી બાબતે એવી ચર્ચા ચાલી રહી છે કે આ નેતાને આમંત્રણ જ મોકલાવવામાં નહોતું આવ્યું કે પછી તેમણે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો એવી જાત જાતની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે એકરની જમીન પર લોકનેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડેનું મહારાષ્ટ્રમાં સૌથી ઊંચું પૂર્ણાકૃતિ પૂતળું ઊભું કરવામાં આવ્યું છે અને એનો આજે લોકાર્પણ સમારોહ યોજાઈ રહ્યો છે.
નાંદુર શિંગોટે ખાતે ગોપીનાથ મુંડેનું સ્મારક અને પૂર્ણાકૃતિ પૂતળાનું અનાવરણ આજે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રીય પ્રધાન ભારતી પવાર, પંકજા મુંડે, છગન ભૂજબળ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, બાળાસાહેબ થોરાત, દાદા ભૂસે સહિત રાજ્યના અનેક વિવિધ નેતાઓ હાજર રહ્યા હતા. પણ આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ગેરહાજરી લોકોના આંખે ઊડીને વળગી હતી.
ફડણવીસની ગેરહાજરીને પગલે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ કાર્યક્રમમાં જાણી જોઈને ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું? ફડણવીસને કેમ આ કાર્યક્રમમાં આમંત્રણ નહોતું મોકલવામાં આવ્યું કે પછી બીજા કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી દેવેન્દ્ર ફડણવીસે આ કાર્યક્રમમાં હાજરી આપવાનો નનૈયો ભણ્યો હતો એવી જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે.
દરમિયાન એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પંકજા મુંડેની સતત પક્ષમાં અવગણના થઈ રહી હોવાને કારણે આયોજકોએ ફડણવીસને આમંત્રણ આપવાનું ટાળ્યું હશે, એવી ચર્ચા પણ ચાલી રહી છે. ફડણવીસ દ્વારા વારંવાર પંકજાની અવગણના કરવામાં આવતી હોવાને કારણે તેમની નારાજગીની ચર્ચા અવારનવાર થતી હોય છે. કેટલાક સમય પહેલાં વિધાસભામાં તેમને વિધાનસભ્યપદ આપવામાં આવશે, એવી શક્યતા હોવા છતાં પણ પંકજાને આ તક ન આપવામાં આવતા પંકજા નારાજ હોવાની વાત પણ સામે આવી હતી.
આ પહેલાં મરાઠવાડામાં દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતના એક કાર્યક્રમના પોસ્ટરમાંથી પંકજાના ફોટો ન હોવાને કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી એવી ચર્ચા પણ છત્રપતિ સંભાજીનગરમાં દબાયેલા અવાજમાં ચાલી રહી હતી પણ હવે આ કાર્યક્રમમાં પંકજા મુંડેએ જ ફડણવીસને આમંત્રણ ન આપીને એક રીતે આંચકો આપ્યો હોવાની ચર્ચા કરાઈ રહી છે.