એક તરફ નાસાએ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ‘આર્ટેમિસ-૧’ રોકેટ લોન્ચ કર્યું. બીજી તરફ વસતિ રથ ૮૦૦ના વિક્રમી આંક પર પહોંચ્યો. હવે નેટિઝન્સ એવી મજાક કરી રહ્યા છે, વધી રહેલી વસતિને ચંદ્ર પર મોકલી દો. આવું થાય તો કેવું થાય?
કેન્વાસ -અભિમન્યુ મોદી
બ્રિટનમાં રાણીબા હયાત હતાં, યુવાનીના ઉંબરે ઊભા હતા ત્યારે કોલિન મેકેવડી નામના ડેમોગ્રાફી એસ્કપર્ટ એટલે કે જનસંખ્યા સંબંધિત આંકડાઓનો અભ્યાસ કરતા નિષ્ણાત ફલોચાર્ટના રંગીન ચિત્રોનાં થોથા લઈને બકિંગહામ પેલેસ પહોંચ્યાં. ભારતમાં વધી રહેલી વસ્તીને નિયંત્રિત કરવાનો તેમની પાસે સચોટ ઉપાય હતો. ભારતની ભૂમિ પર બ્રિટનનું આધિપત્ય લાબું ટકે એમ ન હતું. જો રચનાત્મક કાર્યો કરવામાં આવે તો કદાચ ગાંધી બાપુ આઝાદીના ગીત ગાવાનું બંધ કરે એ આશા સાથે યુવા મહારાણી એલિઝાબેથ દરરોજ નવા નવા કીમિયા શોધી કાઢતાં હતાં.
મેકેવડી ઈતિહાસ અને ડેમોગ્રાફી બંનેમાં નિષ્ણાત હતા. ભારતમાં ક્યારે જનસંખ્યા કેટલી વધી તે વિશે મેકેવડીએ પાકો અંદાજ બાંધ્યો હતો. તેના માતાનુસાર ૧૨ હજાર વર્ષ પૂર્વે ભારતની વસ્તી એક લાખ હતી.
છ હજાર વર્ષમાં તે એક લાખથી વધીને ૧૦ લાખ થઈ. જો વસ્તીને ઘટાડવી હોય તો દરેક વ્યક્તિને ચોક્કસ જગ્યા જ ફાળવવી. તેનાથી વધુ જગ્યા ફાળવવામાં આવે તો ભારતમાં કોઈ રહી નહીં શકે. રાણીબા તો રોષે ભરાયાં. આ શું વાહિયાત વિચાર રજૂ કરે છે. કોઈને થોડું એમ કહેવાય કે તમારો બંગલાનો એક રૂમ રસોડું લઈ લો, બાકીનો ભાગ ખાલી કરી દો તો અહીંયા અડધું ગામ સમાઈ જાય એટલી જગ્યા છે. એટલે બધા અહીંયા જ રહેશે.
ખરેખર તો મેકેવડીનો વિચાર ચિંતન તુલ્ય હતો. વસ્તીવધારો થશે તો લોકો રહશે ક્યાં? જો ચોક્કસ સ્થળ નક્કી કરી લેવામાં આવે તો મહારાષ્ટ્રમાં જ ૩ રાજ્યના નાગરિકો સમાઈ શકે. પણ તેના ક્રિએટિવ વિચારનું બાળમરણ બકિંગહામ પેલેસમાં થઈ ગયું. તેણે કરેલા વસ્તીવધારાના રિસર્ચનો અભ્યાસ કરીએ તો ભારતને ૧૦ લાખથી એક કરોડ પર પહોંચવામાં અઢી હજાર વર્ષ લાગ્યાં. એક કરોડથી ૧૦ કરોડ પહોંચવામાં ત્રણ હજાર વર્ષ લાગ્યાં. માત્ર ૫૦૦ વર્ષમાં ભારતની વસ્તી ૧૦ કરોડથી ૧૦૦ કરોડ પર પહોંચી ગઈ.
એટલે કે અંગ્રેજો ભારત આવ્યા બાદ વસ્તીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. અસલમાં આ જ મુદ્દે દિવંગત એલિઝાબેથ ઢીલાં પડ્યાં હતાં. અંગ્રેજોના દમનકારી શાસનમાં આખી એન્ગ્લો ઇન્ડિયનની વસ્તી ઉભી થઈ, તેના પર તો કોઈએ ધ્યાન આપ્યું જ નહીં! અનેક યુવતીઓના શિયળ લૂંટાયાં હતાં. તેની ચર્ચા સુજ્ઞ સમાજ કરતો જ નથી અને કરશે પણ નહિ.
અંગ્રેજોએ ભારતની ચિકિત્સા પદ્ધતિનો બારીકાઈથી અભ્યાસ કરીને તેને પોતાની આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથે વણી લીધી. તેનું નામ આપ્યું ‘એલોપેથી અને એન્ટિબાયોટિક્સ’, અચાનક બીમારીથી થતા મૃત્યુમાં ઘટાડો નોંધાયો. પરંતુ જન્મદર ઘટ્યો નહિ. જનસંખ્યા તો વધતી જ રહી. આઝાદી બાદ તો જાણે લોકો વધુ રિલેક્સ ફિલ કરવા લાગ્યા તેની અસર વસ્તીવધારા પર વર્તાઇ, ૧૯૫૨માં પહેલી વખત ભારતની વસ્તી ૩૬ કરોડે પહોંચી ગઈ. દેવતાઓની વસ્તી ૩૩ કરોડ અને નાગરિકો ૩૬ કરોડ. દાનવોને પરાસ્ત કરનારા દેવો માનવોથી પાછળ રહી ગયા! આગળનાં વર્ષોના આંકડા પર નજર કરીશું તો ચક્ષુ ફાટી જશે.
આ સંક્રાંતિકાળમાં માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં વસ્તીવધારો શરૂ થવા લાગ્યો હતો. પ્રથમ તો બ્રિટને ભારતની સાથે ૬૫ રાષ્ટ્રોને આઝાદ કર્યા અને તેના ૬ દાયકા બાદ રશિયાએ ૧૫ લઘુ રાષ્ટ્રોને સ્વતંત્રતા આપી. વસ્તીનો વિજયરથ વણથંભ્યો આગળ વધતો રહ્યો અને તેના ૩ દાયકા બાદ આજે વિશ્ર્વની વસ્તી ૮ અબજને આંબી ગઈ છે. આ વિશ્ર્વ વિક્રમી સંખ્યા સાથે અન્ય એક ઘટના પણ ઘટી જેણે વસ્તી કરતા પૃથ્વીની બહાર નવી વસાહત સ્થાપવા લોકોને મજબૂર કર્યા.
એ ઘટના હતી ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં રહેલાં પાણી અને બરફને શોધવાની એક તરફ નાસાએ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ’આર્ટેમિસ-૧’ રોકેટ લોન્ચ કર્યું. બીજી તરફ વસ્તી રથ ૮૦૦ના વિક્રમી આંક પર પહોંચ્યો. હવે નેટિઝન્સ એવી મજાક કરી રહ્યા છે. વધી રહેલી વસ્તીને ચંદ્ર પર મોકલી દો. આવું થાય તો કેવું થાય? વિચારો કે ચંદ્ર પર સ્પેસ સ્ટેશન વિકસાવવામાં નાસાને સફળતા મળી અને એક બાદ એક અમેરિક્ધસ ચંદ્ર પર રહેવા જવા લાગે તો કેવું થાય? વધી રહેલી વસ્તીને નિયંત્રિત કરવાના અનેક ઉપાય થાય અને થતા જ રહેશે પણ આ સમસ્યાના નિવારણ સ્વરૂપે એક ચોક્કસ આબાદીને ચંદ્ર પર મોકલી દેવામાં આવે તો પૃથ્વી પહેલા જેવી જ બની જાય. પણ ચંદ્ર પર રહેવું કોને ગમે? જેમ્સ બોન્ડની ’મુનરેકર’ નામની ફિલ્મમાં આ જ વિષય પર કાલ્પનિક કથાનક તૈયાર કરવામાં આવ્યું હતું.
વીલન રોકેટ લોન્ચર છોડીને પૃથ્વીનો વિનાશ કરવા ઈચ્છતો હતો અને ચુનંદા જાતિનાં યુવક-યુવતીઓને સાથે રાખીને ચંદ્ર પર પોતાની અલગ જ દુનિયા બનાવવા માગતો હતો. જો કે બોન્ડે તેના વિનાશકારી વિચારો પર રોકેટ લોન્ચ કરી વિશ્ર્વને બચાવી લીધું. છતાં વિનાશકરી વિચાર જગતમાં વિહરતો જ રહ્યો. જો ચંદ્ર પર જીવન શક્ય બને તો શું થાય?
આવા જ અળબંગ વિચારો ધરાવતા ઈલોન મસ્ક તો અડધો ચંદ્ર ખરીદી લે અને મનફાવે તેમ વહીવટ કરવા માંડે. મસ્ક જેવી જ વિચારસરણી ધરાવતા શ્રીમંતો પણ ગરીબ વર્ગને પરાણે ચંદ્ર પર મોકલી દે અને પૃથ્વીની લીલીછમ હરિયાળીને માણતા રહે. એવું પણ બને કે પૃથ્વી પણ કોણ રહેશે અને ચંદ્ર પર ક્યું રાષ્ટ્ર સત્તા સ્થાને બિરાજશે તેનો નિર્ણય કરવા યુદ્ધ ફાટી નીકળશે.
ભૂમિ પૃથ્વીની હોય કે ચંદ્રની, સત્તા અને શાસન માટે ફરી હોડ જામશે. કોઈ રાષ્ટ્ર જીતી પણ જશે અને વિજયી થયેલા રાષ્ટ્ર દ્વારા નક્કી કરેલા લોકોને પૃથ્વી પર અને બાકીની વસ્તીને ચંદ્ર પર મોકલી દેવામાં આવશે. તો શું ફરી વસ્તી વધારો નહીં થાય? શું ચંદ્ર પર પ્રજનન દર ઘટી જશે અને પૃથ્વી પર લોકોમાં વસ્તીવધારાની સમજ કેળવાઈ જશે?
ખગોળશાસ્ત્રીઓના મતે ૯ ગ્રહ અવકાશમાં મહાલે છે. હવે જો ચંદ્ર અને પૃથ્વી બન્નેમાં માનવીઓ આધિપત્ય સ્થાપીને બેસી જાય અને વસ્તીનો મહાવિસ્ફોટ થાય એટલે બુધ અને ગુરુ ગ્રહ પર પણ માનવી દોટ લગાવશે. અલબત્ત ગુરુત્વાકર્ષણ અને રેડિયેશન સાથે લડવાની ટૅક્નોલૉજી પણ એ સમયે માનવીએ શોધી લીધી હશે. આમ તો એક દિવસ આકાશગંગાનો અંત આવી જશે. પ્રવર્તમાન સ્થિતિ અનુસાર વસ્તી તો એટલી હદે વધી છે કે ચાલવા માટે રસ્તા ટૂંકા પડે છે. પણ તેના માટે કાંઈ ગ્રહ થોડો ભાડે લેવાય?
મજાક મજાકમાં તો અનેક આશિકો એવું બોલી જાય કે તારા માટે ચંદ્ર અને તારા તોડીને લાવું પણ ચંદ્ર અને આકાશગંગાને સમજવા હજુ માનવજાતને દાયકાઓનો સમય લાગશે. પરંતુ વસ્તીની સાર્વત્રિક સમસ્યાને નાથવા નક્કર પગલાં તો લેવા જ પડશે.
ભારતમાં તો આઝાદી બાદ સંતાનના નામે ક્રિકેટ ટીમ બનાવાનો રિવાજ પડી ગયો હતો. રાજ કપૂરની જેમ દક્ષિણ ભારતમાં રામારાવ પરિવાર પણ ફિલ્મી વારસો ધરાવે, પરિવારના મોભી, પૃથ્વીરાજ કપૂરના સમોવડિયા અભિનેતા તથા જુનિયર એનટીઆરના દાદા નંદામુરી તારકા રામારાવ અનેક વિશેષતાઓ સાથે પૃથ્વી પર અવતર્યા હતા. અભિનય ક્ષેત્રે કાઠું કાઢ્યા બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ૩ ટર્મ સુધી પ્રજાના હૃદયમાં રાજ કર્યું.
એંશીના દાયકામાં તેમણે મુંબઈ ખાતે યોજાયેલા વસ્તી નિયંત્રણના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પત્રકાર પરિષદ સંબોધી ત્યારે ‘નમો’ની જેમ વધી રહેલી આબાદી કેટલી મોટી સમસ્યા છે તેના પર ચોંટદાર ભાષણ આપ્યું. પત્રકારો અકળાયા, મુંબઈના નામાંકિત અખબારના વરિષ્ઠ પત્રકારે તેમના ભાષણને અધવચ્ચેથી અટકાવીને એવું કહ્યું કે,‘તમે વસ્તી નિયંત્રણની વાત કરો છો ! તમે ખુદ આઠ પુત્રો અને ચાર પુત્રીઓના પિતા છો, તમને આ વિચાર કેમ ન આવ્યો.’ લાલચોળ થઈને એનટીઆર ત્યાંથી જતા રહ્યા. પત્રકારને તેમના સમર્થકો મેથીપાકએ ચખાડ્યો, પરંતુ શું પત્રકારની વાત ખોટી હતી? આજે રામરાવ પરિવાર ૧૬૦ લોકોનું વટવૃક્ષ બન્યો છે. ખાલી ભારતમાં એક રાજ્યના એક શહેરમાં આટલી હદે બાળકો જન્મે તો વસ્તીવધારામાં ભારતને કોઈ રોકી શકે?
અચાનક દંપતીઓમાં એવી સભાનતા આવી કે ‘અમે બે અમારા બે’ જ બરોબર છે. આટલાં બાળકોને ક્યાં સાચવવા? હવે તો એક જ સંતાન જન્મે છે. છતાં વસ્તી તો વધે જ છે. ભારતમાં ફેમિલી પ્લાનિંગને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતું નથી. કોન્ટ્રાસેપ્ટીવ્ઝની તમામ જવાબદારી સ્ત્રીના ખભા પર નાખવામાં આવે છે, જે પુરુષોની તુલનાએ અલ્પ અસરકારક હોય છે. કોમનું સંખ્યાબળ વધારવા માટે વસ્તી વધારવાની મૂર્ખામી તો ભારતમાં બંધ જ થવી જોઈએ. માણસ આ દુનિયામાં સારું, સુખદ અને સન્માનપૂર્વકનું જીવન જીવવા માટે આવે છે. સંખ્યા બળ વધારીને ઝુપડપટ્ટીમાં સડવા માટે નહીં. જ્યાં સુધી આ વાસ્તવિકતા જનમાનસમાં પ્રસ્થાપિત નહીં થાય ત્યાં સુધી વસ્તી વિસ્ફોટ થયા જ કરશે. પછી ચંદ્ર તો શું યુનિવર્સનું કોઈ તારામંડળ માનવીને સહન નહીં કરી શકે.