મુખ્ય પ્રધાને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં ક ભાદરવો ભરપૂર વરસ્યો ક મોટા ભાગના જિલ્લા તરબોળ

નમામિ દેવી નર્મદે:
નર્મદા ડેમની જળસપાટી મહત્તમ સ્તરને પાર કરતા ડેમ પર પૂજા કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને છલકાયેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજય ડેમ (સૌથી ઉપર ડાબે), સરદાર સરોવર નર્મદા ડેમ (સૌથી ઉપર જમણે) અને કચ્છના ભુજનું હમીરસર તળાવ.

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજ્ય ડેમ અને કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાતા રાજ્યભરમાં ખુશાલીની લહેર ફેલાઈ હતી. ગુજરાતના મોટા ભાગના જિલ્લા તરબોળ થયા છે. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નર્મદા જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવા નીર સતત આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સીઝનમાં પ્રથમવાર ૧૩૮ મીટરને પાર કરીને ગુરુવારે સવાર સુધીમાં ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી હતી. મુખ્ય પ્રધાને ગુરુવારે કેવડિયા ખાતે પહોંચી માઁ નર્મદાનાં વધામણાં કર્યાં હતાં અને નર્મદા નદીની વિધિવત્ પૂજા કરી આરતી ઉતારી હતી. જિલ્લા મહેસુલ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ મધ્ય પ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.૨,૧૧,૦૬૭ ક્યુસેક થઈ રહી છે. ત્યારે ગુરુવારે સવારે ૨૩ દરવાજા ૧.૩૦ મીટર ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી હોવાથી ડેમની સપાટી ધીરે ધીરે વધતી રહી છે અને નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરની મહત્તમ પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની લોકોની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે નર્મદા ડેમ પર પહોંચી બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ ચૂંદડી, પુષ્પ ચઢાવી મા નર્મદાનાં નીરનાં વધામણાં કર્યા હતા.

Google search engine