ભારત દેશના લોકોની એક સાવર્જિક ખાસિયત છે કે જ્યાં થૂંકશો નહીં, તેમ લખ્યું હોય ત્યાં થૂંકશે. મોટા ભાગની સરકારી કે ખાનગી ઈમારતોની દિવાલો લાલ રંગની કલાકારીથી રંગાયેલી હોય છે. કોઈપણ સ્વચ્છતાપ્રેમીને શરમ અને ક્રોધ આવે તેવું વર્તન લોકો કરે છે. ખાસ કરીને ગુટકા-પાન મસાલા ખાઈ લોકો પોતાનું સ્વાસ્થ્ય તો બગાડે જ છે, પરંતુ અહીં ત્યાં થૂંકી અન્યોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરે છે અને સાથે સાથે શહેર-ગામની શકલ સુરત બગાડી નાખે છે. ત્યારે સવાલ એ છે કે સરકારે આ બધા પર પ્રતિબંધ તો લગાવ્યો છે, પણ લોકો ન સમજે તો શુંથાય. વાત સાચી કે લોકોએ પણ શિસ્ત રાખવું જોઈએ, પરંતુ સરકારે લગાવેલા પ્રતિબંધોનો સખતપણે અમલ થાય તે જોવાની જવાબદારી પણ જે તે વ્યવસ્થાતંત્રની હોય છે. જ્યારે વ્યવસ્થાતંત્ર આ મામલે સજાગ બને ત્યારે કેવા સારા પરિણામો આવી શકે છે તેનું ઉદાહરણ નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ છે.
નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટનું નવ નિર્મિત બિલ્ડીંગ લોકાર્પણ બાદ કાર્યરત બન્યું છે. ત્યારે આ નવા બિલ્ડીંગમાં સ્વછતા જળવાઈ રહે તે હેતુથી નામદાર કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રો ના કોર્ટના મુખ્ય દ્વાર માં સઘન ચેકિંગ કરી પ્રવેશ આપવાનો નવો નિયમ બનાવાયો મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજે બનાવ્યો. વ્યસન પ્રતિબંધ મામલે આ ન્યાય મંદિર આજે રાજ્યના અન્ય સરકારી બિલ્ડીંગો માટે દિશા સૂચક બન્યું છે.
જૂની કોર્ટ બિલ્ડીંગ ખાતે જ્યાં જુવો ત્યાં પણ પડીકી અને પિચકારી ના ડાઘા ગંદકી જોઈ શકાય છે. નવી ઈમારતના લોકાર્પણ બાદ સ્વચ્છતા ને પ્રાધાન્ય આપી ખાસ કરીને પાન પડીકી,માવા, ગુઠાખા ખાઈ ને ગમે ત્યાં પિચકારી ના પાડે અને ચુકવાથી, કોર્ટમાં ગંદકીના થાય એ માટે કડક કાર્યવાહીની જોગવાઈ પણ રાખવામાં આવી. જો કોઈ છુપી રીતે પણ કોર્ટમાં આવી કોઈ વસ્તુ લાવે અને પાનની પીચકારી મારે તો તેને રૂ. 500ના દંડનો આદેશ પણ આપવામાં આવ્યો.
આ નિયમના સખત પાલન બાદ માત્ર એક જ મહિના જેવા ટૂંકા ગાળામાં ૧૦ કિલો થી વધુ પાન પડીકી, બીડી સિગારેટ, ગુટખા પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. જેનો સૂચના મુજબ નિકાલ કરવામાં આવશે. આ પગલાં ને લઈને નર્મદા જિલ્લા બાર એસોસિયેશન સરકારી વકીલો સહિત તમામ ખુશ થયા.