મુનશીએ મતદાન-કેન્દ્રો ઉપરપોસ્ટરો લગાડીને તેમાં ‘વોટ ફોર કૉંગ્રેસ’ને બદલે ‘વોટ ફોર મુનશી’ લખ્યું

ઉત્સવ

નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા

કૉંગ્રેસ પક્ષની શતાબ્દીનો ભવ્ય સમારોહ મુંબઈમાં વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીના અધ્યક્ષપદે ૧૯૮૫ના ડિસેમ્બરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે મંચ ઉપર શ્રી નરીમનના સમકાલીન નેતાઓ બેઠા હતા. છતાં કોઈએ તેમને યાદ પણ કર્યા ન હતા. શ્રી નરીમાનનાં પત્ની શ્રીમતી માણેકને આ બાબતમાં પૂછતાં તેમણે પણ ફરિયાદના સૂર કાઢ્યા હતા. તેમને તો નિમંત્રણ પણ મોકલવામાં આવ્યું ન હતું.
ઈ.સ. ૧૯૩૪માં એક તરફ મુંબઈમાં કૉંગ્રેસના ૪૮મા અધિવેશનની તડામાર તૈયારીઓ થઈ રહી હતી અને બીજી તરફ સેન્ટ્રલ એસેમ્બલીની ચૂંટણી આવી હતી. શ્રી નરીમાન ત્યારે મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. સરદાર પટેલે ૧૯૩૪ના ઑક્ટોબરમાં શ્રી નરીમાનને જણાવ્યું કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી માટે મુંબઈ શહેર બે બેઠકો ધરાવે છે, માટે એ બંને બેઠકો ઉપર કૉંગ્રેસ તરફથી તમારે અને ડૉ. જી. વી. દેશમુખે ઊભા રહેવું. શ્રી નરીમાને તે વખતે જ સરદાર પટેલને જણાવ્યું કે પોતે કૉંગ્રેસના અધિવેશનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આર્થિક મુશ્કેલી હોવાથી પોતાને ઉમેદવારીમાંથી બાકાત રાખવા. સરદારે આગ્રહ ધરાવ્યો કે શ્રી નરીમાને ઊભા રહેવું જ અને આર્થિક મુશ્કેલી અંગે ચિંતા કરવી નહિ. સરદારના આગ્રહ આગળ શ્રી નરીમાને નમતું આપ્યું. તેઓ કામમાં બહુ વ્યસ્ત રહેતા હોવાથી ડૉ. દેશમુખ જ ઉમેદવારીપત્રક ઉપર શ્રી નરીમાનની સહી લઈને ધારાશાસ્ત્રી સાથે જઈને ઉમેદવારી નોંધાવી આવ્યા. તેમણે પોતાની સહી ‘ખુરશીદ ફરામજી નરીમાન’ એમ કરી હતી, છતાં આ ઉમેદવારીપત્રકમાં શ્રી નરીમાનનું નામ શ્રી. કે. એફ. નરીમાન અને સરનામું ‘રેડીમની ટેરેસ, વરલી’ને બદલે ૪૫-એસ્પ્લેનેડ રોડ, મુંબઈ હતું. આ સરનામું શ્રી નરીમાનના ભાઈ શ્રી કેકોબાદ નરીમાનની ઓફિસનું હતું. હવે શ્રી નરીમાન સમક્ષ સાપે છંછુદર ગળ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ, જો એ ઉમેદવારીપત્રક પ્રમાણે ઊભા રહે તો પોતે પોતાના ભાઈને બદલે ઊભા રહ્યા છે એવું થાય અને ફરીથી ઉમેદવારી નોંધાવવામાં સારો એવો સમય નીકળી જાય અને ટેક્નિકલ મુશ્કેલીઓ પણ ઉપસ્થિત થવા પામે. આથી શ્રી નરીમાને સરદાર પટેલને મળી જણાવ્યું કે પોતે ઉમેદવારી પાછી ખેંચી લે છે. આથી સરદાર પટેલે શ્રી કનૈયાલાલ મુનશીનું નામ ઉમેદવાર તરીકે સૂચવ્યું અને શ્રી કે. એમ. મુનશીએ ઉમેદવારીપત્રક ભર્યું.
શ્રી કે. એફ. નરીમાને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. શ્રી કે. એમ. મુનશી સામે સર કાવસજી જહાંગીર રેડીમની ઊભા રહ્યા હતા. શ્રી કે. એમ. મુનશી અને શ્રી એસ. કે. પાટીલે સરદાર પટેલની છાવણીમાં આ સમય દરમિયાન અવરજવર વધારી દીધી હતી અને શ્રી નરીમાનની લોકપ્રિયતાના કારણે પોતે આગળ આવી શકશે નહિ એવી બીકથી શ્રી નરીમાનના વિરોધમાં સરદારના કાન ફૂંકવાનું શરૂ કરી દીધું હતું. શ્રી કે. એમ. મુનશીની અભિલાષા ઘણી મોટી હતી એટલે પક્ષની શિસ્તને કોરે મૂકી દઈને તેમણે મતદારોને પત્ર અને પોસ્ટકાર્ડ લખી બંને મતો પોતાને જ આપવા જણાવ્યું હતું. કૉંગ્રેસના સમર્થક મતદારોએ આ સામે વિરોધ ઉઠાવ્યો હતો, એટલું જ નહિ; શ્રી મુનશીએ મતદાન-કેન્દ્રો ઉપર પોતાના તરફથી પોસ્ટરો લગાડીને તેમાં ‘વોટ ફોર કૉંગ્રેસ’ને બદલે ‘વોટ ફોર મુનશી’ એમ લખ્યું હતું. ડૉ. દેશમુખે પણ શ્રી મુનશીની નકલ કરી. આ વાત શ્રી કે. એફ. નરીમાનના ધ્યાન ઉપર આવતા તેમણે આ પ્રકારનાં પોસ્ટરો-પાટિયાં દૂર કરાવી ‘વોટ ફોર કૉંગ્રેસ’નાં પોસ્ટરો-બેનરો રહેવા દીધાં. આથી શ્રી મુનશી નરીમાન પ્રત્યે નારાજગી ધરાવતા થઈ ગયા. આ ઓછું હોય તેમ કૉંગ્રેસ પક્ષ છોડી ગયેલા શ્રી જમનાદાસ મહેતા પણ ડેમોક્રેટિક તરફથી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. વિજયની આશા તેમને નહિવત્ હતી છતાં શ્રી કે. એમ. મુનશી થોડા મતો જરૂર લઈ ગયા. પરિણામ એ આવ્યું કે સર કાવસજી જહાંગીર રેડીમની ૧૮૧૪૦ મતથી વિજયી થયા અને શ્રી મુનશી ૧૭૦૧૫ મતો મેળવીને પરાજય પામ્યા. ડૉ. દેશમુખ કૉંગ્રેસી ઉમેદવાર તરીકે ૧૯૮૭૨ મતથી વિજયી નીવડ્યા હતા.
શ્રી કે. એમ. મુનશીનાં પત્ની શ્રીમતી લીલાવતી મુનશી પણ કૉંગ્રેસ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતાં હતાં. શ્રીમતી લીલાવતી મુનશીએ સરદાર
પટેલના કાન ભંભેર્યા કે શ્રી ક. એફ. નરીમાને પોતાના પારસી બિરાદર સર કવસજીને વિજયી બનાવવા માટે જ પોતાના ભાઇના નામે જાણી જોઇને પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું અને ત્યારપછી શ્રી મુનશીની ચૂંટણી પ્રચારમાં કૉંગ્રેસી કાર્યકરો અને મતદારોને ગેરમાર્ગે દોરવીને કૉંગ્રેસને માટે પરાજય વહોર્યો હતો. સરદાર પટેલે શ્રી નરીમાન સમક્ષ આથી સખત નારાજગી વ્યક્ત કરી હતી. જયારે નરીમાનની લોકપ્રિયતા સામે શ્રી મુનશી, શ્રી. એસ. કે. પાટીલે અને સરદારનું ઝાઝું જામ્યુ નહીં તો ૧૯૩૭ની પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં શ્રી. કે. એફ. નરીમાનને પસંદ કરવામાં આવ્યા અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ભવ્ય બહુમતીથી ચૂંટાઇ આવ્યા.
સરળ હૈયાના શ્રી નરીમાનને લાગ્યું કે કૉંગ્રેસનું મોવડીમંડળ મારું જ સમર્થન કરી રહ્યું છે અને મુંબઇ સરકારની રચના ૧૯૩૭માં થશે તો પોતાની પસંદગી જ કૉંગ્રેસ લેજિસ્લેટિવ એસેમ્બલીના નેતા તરીકે થશે અને પોતે મુંબઇ રાજ્યના ‘વડા પ્રધાન’ બનવા પામશે. તે વખતે રાજ્યના મુખ્ય પ્રધાનને તે રાજ્યના વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવતા હતા. શ્રી નરીમાન કરતાં વરિષ્ઠ નહીં એવા કેટલાક નેતાઓએ સરદાર પટેલના કાનમાં એવું ઝેર રેડયું કે શ્રી નરીમાન મણિબહેન (સરદારનાં પુત્રી) સાથે પરણવા ઇચ્છે છે. જોકે આ માત્ર અફવા હતી અને શ્રી નરીમાનનો કૉંગ્રેસમાંથી કાંટો કાઢવા જ આવી અફવા ફેલાવવામાં આવી હતી. શ્રી મોરારજી દેસાઇ અને શ્રી ભાનુશંકર યાજ્ઞિક આજે પણ હયાત છે અને શ્રી નરીમાનના સમકાલીન છે. આ સંબંધમાં શ્રી નરીમાનનાં પત્ની શ્રીમતી માણેકની મુલાકાત દરમિયાન પૂછવામાં આવતાં તેમણે મક્કમતાપૂર્વક એ બાબત સ્પષ્ટ કરી હતી કે એ માત્ર અફવા હતી. શ્રીમતી માણેક અને શ્રી નરીમાનનાં લગ્ન ઘણાં જ મોડાં થયાં હતાં, પણ શ્રીમતી માણેક ૧૭ વર્ષના હતાં ત્યારથી શ્રી નરીમાનને ઓળખતાં હતાં. છતાંયે આ અફવા સરદાર પટેલને ભડકાવવામાં એક કારણરૂપ રહી.
સને ૧૯૩૭ની સાલમાં નવા બંધારણ પ્રમાણે પ્રાંતિક ધારાસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા કૉંગ્રેસ કારોબારીએ ત્રણ સભ્યોનું એક પાર્લામેન્ટરી બોર્ડ બનાવ્યું, જેના પ્રમુખ સરદાર પટેલ હતા અને સભ્યો શ્રી રાજેન્દ્ર પ્રસાદ અને મૌલાના અબુલકલામ આઝાદ હતા. શ્રી રાજેન્દપ્રસાદ તો સરદારની હામાં હા મેળવનાર માણસ હતા. પણ મૌલાના આઝાદ અને સરદાર વચ્ચે તણખા જરૂર ઝર્યાં. સરદાર તે વખતે સરમુખત્યારની જેમ જ વર્તતા હતા. મૌલાના આઝાદે સરદાર સામેની કડવાશ પોતાના પુસ્તકમાં વ્યક્ત
કરી છે. શ્રી નરીમાનને ખસેડવા સરદારે શ્રી શંકરદેવ, અચ્યુત પટવર્ધન, શ્રી શાંતિલાલ શાહ, વગેરેન પોતાની બાજુએ લઇ લીધા. મુંબઇ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ અને મુંબઇનો પ્રચંડ લોકમત શ્રી નરીમાનના સમર્થનમાં જ છે એવા ભ્રમમાં જ શ્રી નરીમાનને રહેવા દેવામાં આવ્યા. મુંબઇના વડા પ્રધાન બનવાની અભિલાષા ધરાવનારામાં શ્રી. એસ. કે. પાટીલ એ રીતે જ પ્રચાર કરી આગળ વધી રહ્યા હતાં. એ અલગ વાત છે કે શ્રી પાટીલને ઉત્તેજન આપી મુંબઇ કૉંગ્રેસમાં આગળ લાવનાર શ્રી નરીમાન જ હતા. નેતાની ચૂંટણીના આગલા દિવસે જ શ્રી નરીમાનને ભણકારા થયા હતા કે સરદારે જબરી શતરંજ બિછાવી છે. આથી તેઓ નેતાની ચૂંટણી થઇ ત્યારે ઉપસ્થિત રહ્યા નહોતા. આથી શ્રી નરીમાનના સમર્થકો મૂંઝવણમાં મુકાઇ જવા પામ્યા હતા. જો શ્રી નરીમાન હાજર રહ્યા હોત તો કદાચ શ્રી બાલ ગંગાધર ખેર મુંબઇના વડા પ્રધાન બની શકયા ન હોત અને શ્રી કે. એમ. મુનશીને સરદારે આગળ કર્યા હોત તો પક્ષપાતનો આક્ષેપ મુકાવા પામ્યો હોત.
શ્રીબાળ ગંગાધર ખેર માત્ર ઉપનગર વાંદરા-ખાર વિસ્તારમાં જ થોડા જાણીતા હતા. એમણે ચમાર-મોચી વર્ગના લોકોને થાળે પાડવાનું કામ તે વિસ્તારમાં કર્યું હતું. એ વિસ્તાર આજે ખેરવાડી નામથી ઓળખાય છે. શ્રી ખેર કૉંગ્રેસ પક્ષમાં પણ જાણીતા ન હતા. આથી સરદારની હાજરીમાં મુંબઇના વડા પ્રધાન તરીકે શ્રી બી. જી. ખેરનું નામ જાહેર થયું ત્યારે તેમના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન બનનાર શ્રી. એમ. એન. લઠ્ઠેએ ત્યાં ને ત્યાં જ પૂછયું હતું કે ‘આ ખેર તે વળી કોણ છે? ત્યાર પછી શ્રી ખેરના પ્રધાનમંડળમાં શ્રી કે. એમ. મુનશી અને શ્રી મોરારજી દેસાઇને સ્થાન અપાયું હતું. શ્રી નરીમાન અતિ લોકપ્રિય હતા એટલે લોકમાનસમાં એ વાત ઉપસ્થિત થઇ કે સરદાર પટેલે શ્રી નરીમાનને મોટો અન્યાય ખોટી રીતે કર્યો છે. આથી આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.