રાજધાની દિલ્હીમાં પીએમ મોદીના નેતૃત્ત્વ હેઠળ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીએ છત્તીસગઢ સરકારના મન મૂકીને વખાણ કર્યા હતાં. નોંધનીય છે કે છત્તીસગઢની કોંગ્રેસ સરકાર દ્વારા ચલાવાઈ રહેલી ગોધન ન્યાય યોજના અને ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટના ભરપૂર વખાણ કરતા પીએમ મોદીએ સીએમ ભુપેશ બઘેલના વખાણ કર્યાં હતા.

બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે તેમની જુની માગ દોહરાવી કે જીએસટી અમલીકરણને કારણે થયેલી આવક ખોટ માટે રાજ્યોને ચુકવવામાં આવેલા વળતરમાં 5 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે, 20,000થી ઓછી વસ્તીવાળા શહેરો અને શહેરોની નજીક સ્થિત ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા લાગુ કરવી જોઈએ. કોલસા સહિત મુખ્ય ખનીજો પર રોયલ્ટી રેટમાં સુધારો કરવાની વિનંતી કરી હતી અને કર્મચારીઓના હિતમાં ન્યૂ પેન્શન સ્કીમમાં જમા રકમ પરત કરવાની પણ માગણી કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પાકની વિવિધતા, શહેરી વિકાસ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ના અમલીકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જુલાઈ 2019 પછી કાઉન્સિલની આ પહેલી બેઠક છે જેમાં તમામ સહભાગીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. ગવર્નિંગ કાઉન્સિલ નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેટલાક કેન્દ્રીય પ્રધાનોનો સમાવેશ થાય છે.

Google search engine