પુણે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે છત્રપતિ શિવાજી મહારાજે મોગલો અને અન્ય આક્રમણકારીઓ દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિરોનું પુનર્બાંધકામ કરવા માટે બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે મરાઠા શાસકો દ્વારા મંદિરોના પુન:સ્થાપનનું જે કામ કરવામાં આવતું હતું તે વારસાને આજની તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધારી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાની આખી જીંદગી અત્યાચારો સામે બળવો કર્યો હતો. તેમની સ્વરાજ માટેની લડાઈ આજે પણ ચાલી રહી છે.
પુણેના નરહે-આંબેગાંવમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત થીમ પાર્ક ‘શિવસૃષ્ટિ’નું ઉદ્ઘાટન તેમની જન્મજયંતીએ કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહ પુણેમાં આવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. પદ્મવિભૂષણ બાબાસાહેબ પુરંદરેની સંકલ્પના પર ૨૧ એકરમાં આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે.
મોગલો અને અન્ય વિદેશી આક્રાંતાઓ દ્વારા દેશમાં અનેક મંદિરોને તોડવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સપ્તકોટેશ્ર્વર મંદિરનું પુનર્વસન કર્યું હતું. આ મંદિર છત્રપતિ શિવાજી મહારાજે બાંધ્યું હતું. આવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા અનેક મંદિરો બાંધવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે મંદિરોની બહાર વિશાળ દરવાજા બાંધ્યા હતા અને આ માળખાનું રક્ષણ કરવાનો હેતુ હતો. છત્રપતિ શિવાજી મહારાજ પછી મંદિરોના પુન:સ્થાપનનું કામ બાજીરાવ પેશવા, નાનાસાહેબ પેશવે, માધવરાવ પેશવે અને છેલ્લે પુણ્યશ્લોક અહિલ્યાદેવી દ્વારા આગળ વધારવામાં આવ્યું હતું. આજે આ કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધારી રહ્યા છે. રામ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. કાશી વિશ્ર્વનાથ કોરિડોર બાંધવામાં આવ્યો છે. સોમનાથ મંદિરનું સુશોભન સોનાથી કરવામાં આવી રહ્યું છે. ભાજપની સરકાર અને વડા પ્રધાન મોદી કેટલાક મંદિરોને પુન:સ્થાપન કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
ભારતનો ઈતિહાસ ઘડવામાં છત્રપતિ શિવાજી મહારાજનું ઘણું યોગદાન છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે મહાન મરાઠા શાસકના જીવન પર સંશોધન કરતી વખતે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું એક નિવેદન વાંચવામાં આવ્યું હતું જેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ન હોત તો ભારતનું ભાવિ શું હોત તે આખી દુનિયા જાણે છે. પાકિસ્તાનની સરહદ માટે આટલે લાંબે જવું ન પડત, તમારા કે મારા ઘરની બહાર પાકિસ્તાનની હદ હોત. એમ તેમણે ચવાણને ટાંકતા કહ્યું હતું.
મારે કહેવું છે કે શિવાજી મહારાજનું જીવન સત્તા પ્રાપ્ત કરવા માટે નહોતું. તેમનું આખું જીવન ૧૦૦થી વધુ વર્ષોથી થઈ રહેલા અત્યાચારો સામે બળવો કરવામાં ગયું હતું. તેમનું જીવન સ્વધર્મ માટેની લડત કરવામાં ગયું હતું. સ્વભાષાને દરજ્જો અપાવવામાં ગયું હતું. તેમણે આખી દુનિયાને સંદેશ આપ્યો હતો કે ભારત પર અત્યાચારો કરી શકાશે નહીં. છત્રપતિ શિવાજીના વિચારો ૧૮૫૭ સુધી સુસંગત હતા અને તેના પછી તેમની વિચારધારા છત્રપતિ સંભાજી, છત્રપતિ રાજારામ, છત્રપતિ શાહુ મહારાજ અને પછી પેશવા દ્વારા આગળ લઈ જવામાં આવી હતી. તેમની સ્વરાજ માટેની લડત અટકથી કટક સુધી હતી. ગુજરાતથી બંગાળ સુધી હતી. તેમણે આખા દેશમાં ક્રાંતીની જ્વાળા ફેલાવી હતી. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વરાજની લડત આજે પણ ચાલી રહી છે.
—
લક્ષ્ય લોકસભાની ૪૮ સીટ જીતવાનું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ભાજપ અને સાથી પક્ષ માટે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બધી જ ૪૮ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં કોલ્હાપુરમાં તેમણે શિવસેના (ઉબાઠા)ના નેતા ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે શરદ પવારના તળવા ચાટીને મુખ્ય પ્રધાન બન્યા હતા.
તેમણે કહ્યું હતું કે ૨૦૧૯માં ભાજપે સાથી પક્ષ સાથે મળીને રાજ્યમાં ૪૮માંથી ૪૨ બેઠકો જીતી હતી અને આ વખતે આપણે બધી જ ૪૮ બેઠકો જીતવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે સત્તા લાલસુ નથી તેમ જ સત્તા માટે મુલ્યોની સાથે સમજૂતી કરી નથી. ઉ
જ્યારે ગયા વખતે ભાજપની સાથે ચૂંટણી લડીને સત્તાના લાલચુ લોકોએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા હતા.
—
શાહે ઉદ્ધવની ટીકા કરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે વિરોધી વિચારધારાના લોકોના તળિયાં ચાટવાનું પસંદ કરનારા લોકોને હવે ચૂંટણી પંચે ઝટકો આપ્યા બાદ સચ્ચાઈની જાણકારી થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર અમિત શાહે કહ્યું કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ક્યારેય મુખ્ય પ્રધાનપદ વહેંચી લેવાની વાત કરવામાં આવી નહોતી.
ચૂંટણી પંચે દૂધ કા દૂધ અને પાની કા પાની કરી નાખ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્યમેવ જયતે શબ્દ હકીકતમાં ઉતર્યો છે. જુઠાણાનો આશ્રય લઈને જે લોકો બૂમો પાડી રહ્યા હતા તેમને આજે ખબર પડી ગઈ છે કે સચ્ચાઈ કોની તરફ છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં હું પાર્ટીનો અધ્યક્ષ હતો.
અમે ચૂંટણી સાથે મળીને લડ્યા હતા. પ્રચારમાં ઠાકરે કરતાં મોદીજીનો મોટો ફોટો લગાવવામાં આવ્યો હતો અને ચૂંટણી લડતી વખતે તેમને બરાબર ખબર હતી કે ફડણવીસ મુખ્ય પ્રધાન બનવાના છે આમ છતાં મુખ્ય પ્રધાન બનવા માટે તેમણે વિરોધી વિચારધારાના લોકોના તળિયા ચાટ્યા હતા. ઉ