દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ વચ્ચે WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ફેસબુક પોસ્ટ દ્વારા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે હું મારો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અથવા લાઈ ડિટેક્ટર કરાવવા માટે તૈયાર છું.
યુપીના કૈસરગંજના બીજેપી સાંસદે પોતાની પોસ્ટમાં કહ્યું- હું મારો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, પરંતુ મારી શરત એ છે કે મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પણ આ ટેસ્ટ કરાવવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે, જો બંને કુસ્તીબાજો પોતાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોય તો પ્રેસને બોલાવીને તેની જાહેરાત કરો અને હું તેમને વચન આપું છું કે હું પણ તેના માટે તૈયાર છું. આજે પણ હું મારા વચન પર અડગ છું અને દેશવાસીઓને કાયમ અડગ રહેવાનું વચન આપું છું. તેમણે તેમની પોસ્ટમાં રામચરિત માનસમાંથી એક પંક્તિ લખી છે. ‘રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાઈ’
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમની માંગ છે કે ભાજપના સાંસદ તેમના તમામ પદો પરથી રાજીનામું આપે. જો કે, તેમની માંગ પર, દિલ્હી પોલીસે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે.
કુસ્તીબાજોનો વિરોધ પ્રથમ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયો હતો. તે સમયે તપાસ સમિતિની રચના બાદ હડતાળ બંધ કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી બાદ હવે 23 એપ્રિલથી કુસ્તીબાજોએ ફરી વિરોધ શરૂ કર્યો છે અને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. જોકે, બ્રિજ ભૂષણે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે