Homeઉત્સવરાત્રિઆકાશનાં તારામંડળોનાં નામો પાડનાર પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ હતા

રાત્રિઆકાશનાં તારામંડળોનાં નામો પાડનાર પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ હતા

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

રાત્રિઆકાશમાં મૃગનક્ષત્રની દક્ષિણ એક જબ્બર લાંબું તારકસમૂહ છે. તેનું નામ વૈતરણી છે. રાત્રિઆકાશમાં વૈતરણા પણ વહે છે. ગરૂડ પુરાણમાં વૈતરણીની કથા છે. એક મોટા ધનિક શેઠ હતા. ખૂબ ધનવાન હતા તેટલા કંજૂસ હતા. શેઠાણી બહુ ઉદાર અને કરુણાવાળા હતા. અધિકમાસ આવ્યો અને તેની સમાપ્તિ થવા આવી ત્યારે શેઠાણીને બ્રાહ્મણને ગાયનું દાન દેવાનું મન થયું. પતિવ્રતા એવી શેઠાણીએ શેઠને બ્રાહ્મણને ગાય દાનમાં દેવાની ઇચ્છા પ્રગટ કરી તો શેઠે સોઇ ઝાટકીને ના પાડી. હવે શેઠાણી વિચાર કરવા લાગ્યા કે ગરીબ બ્રાહ્મણને દાન તો આપવું પડે. તેણીએ એક આઇડિયા લડાવ્યો. શેઠાણીએ શેઠને કહ્યું કે શું તેણી ગારાની (માટીની) ગાય બનાવી બ્રાહ્મણને દાનમાં દઇ શકે? તો શેઠે કહ્યું એ બરાબર છે. ગારાની ગાયના પૈસા તો પડતાં નથી, તે શેઠાણી પોતે જ બનાવી શકશે. પછી શેઠાણીએ ગારાની (માટીની) ગાય બનાવી, પરંતુ ગરીબ બ્રાહ્મણને દાન આપવાની ઇચ્છાએ તેમાં ઊંડે ઊંડે ત્રણ રત્ન ખૂંપાવી દીધાં, અને ગાયનું દાન કર્યું. આમાં શેઠ પણ રાજી રહ્યા, બ્રાહ્મણને પણ દાન મળ્યું ત્રણ (રત્ન મળ્યાં) અને શેઠાણીને સંતોષ થયો.
કાળ ક્રમે શેઠનું મૃત્યુ થયું. હિન્દુ ધર્મની કથા પ્રમાણે જ્યારે માનવી મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા, સ્વર્ગે સિધાવે છે, શેઠાણીના પુણ્યે શેઠને સ્વર્ગનો માર્ગ મળ્યો. પણ સ્વર્ગમાં પ્રવેશ કરતાં પહેલા રસ્તામાં વૈતરણા નદી આવે છે. આત્માને આ નદી પાર કરવાની હોય છે. જો માનવીએ ગાયનું દાન આપ્યું હોય તો કેમ કે ગાય પાણીમાં તરી શકે છે. તેની પૂંછડી પકડી આત્મા વૈતરણા નદી પાર કરી સ્વર્ગમાં પ્રવેશી શકે છે. શેઠનો આત્મા વૈતરણા કાંઠે આવ્યો. હવે તેને વૈતરણા પાર કરવાની હતી, પણે તેને ગાયનું દાન તો આપ્યું ન હતું. શેઠનો આત્મા ત્યાં રોકાઇ ગયો, પરંતુ શેઠાણીએ માટીની ગાયનું દાન આપ્યું હતું તેથી માટીની ગાય તેની સામે આવીને ઊભી રહી. શેઠ રાજી થઇ ગયા. તેમને થયું કે હવે સ્વર્ગમાં જઇ શકશે. શેઠે તો એ માટીની ગાયનું પૂંછડું પકડ્યું અને નદીને પાર કરવાનું શરૂ કર્યું. વૈતરણા નદી તો વિશાળ હતી. શેઠ તો નદી પાર કરવા લાગ્યા. કેમ કે ગાય માટીની બનેલી હતી. તેથી જેમ જેમ ગાય નદીને પાર કરતી ગઇ. તેમ તેમ ગાયના શરીરની માટી ધોવાતી ગઇ. ગાય શેઠને લઇને નદીની મધ્યમાં આવી ત્યારે તેની માટી એટલી ધોવાઇ ગઇ કે શેઠાણીએ માટીની ગાયના શરીરમાં ખૂંપાવેલાં ત્રણ રત્ન ઝગમગાટ રીતે દેખાવા લાગ્યા. મહા લોભી શેઠે તે જોઇને બોલી ઊઠ્યા કે અરે શેઠાણીએ તો માટીની ગાયમાં ત્રણ રત્ન છુપાવી બ્રાહ્મણને દાનમાં આપી દીધાં. એ બોલતાં જ તેમના હાથમાંથી ગાયની પૂંછડી છૂટી ગઇ અને લોભી શેઠનો આત્મા વૈતરણમાં તણાઇ ડૂબી ગયો.
આ શેઠ-શેઠાણી, બ્રાહ્મણ અને વૈતરણાની કથા રાત્રિઆકાશમાં કંડારાયેલી છે.
ઉત્તર આકાશમાં એક તારકસમૂહ છે. તે ઘણું લાંબું છે. તેનું નામ શેષનાગ છે. બરાબર શેષનાગના માથા ઉપર ધ્રુવનો તારો છે અને ધ્રુવના તારા ફરતે પૂરું બ્રહ્માંડ પ્રદક્ષિણા કરે છે. આ દૃશ્યથી કદાચ પૂર્વના વિદ્વાનો માનતા થયા હશે કે પૂરી પૃથ્વી શેષનાગના મસ્તક પર છે. પૃથ્વીને સ્થિર થવા માટે શેષનાગની જરૂર પડે તો તેઓએ એ પ્રશ્ર્ન પૂછયો નહીં કે શેષનાગને સ્થિર થવા કાંઇ છે કે નહીં ? શેષનાગને ઊભા રહેવા પણ જગ્યા તો જોઇએ કે નહીં. તેમ છતાં એ માનવું જ પડશે કે પુરાણોની કથાઓ પાછળ તર્ક (લોજીક) તો હોય જ છે, તે તદ્દન વાહિયાત કે અતાર્કિક નથી હોતી.
રાત્રિઆકાશમાં એક નાનું પણ સુંદર તારકસમૂહ છે. તેનું નામ કિરીટ છે. કિરીટ એટલે મુગટ. આ તારામંડળમાં સાત આઠ રત્ન જેમ ઝળહળતા તારા છે. જાણે મુગટમાં હીરા જડ્યા હોય. આ ઝળહળતા રત્નોની માળાની શ્રૃંખલામાં વચ્ચે એક ખાલી જગ્યા છે. તે ખાલી જગ્યાની કથા એવી છે કે વનરાઇમાં રાતે સાત આઠ પરીઓ નૃત્ય કરવા આવતી હતી. એક દિવસ ત્યાંનો રાજકુમાર ત્યાંથી પસાર થયો. તેણે આ સુંદર દૃશ્ય જોયું તે એક ઝાડ પાછળ છુપાઇને રાતભર આ દૃશ્ય જોઇ રહ્યો. બીજે દિવસે પણ તે ત્યાં જોવા આવ્યો કે પરીઓનું વૃન્દ ત્યાં નૃત્ય કરવા આવ્યું છે કે નહીં. ત્યાં પરીઓનું વૃન્દ હતું.
આમ તે લગભગ મહિના સુધી રાતે તે પરીઓનું નૃત્ય જોતો રહ્યો. તેમાંની એક પરી પર મોહી ગયો. પરી પણ તેના પર મોહી ગઇ. તેઓ બન્નેએ લગ્ન કરી લીધાં અને પછી રાજકુંવર સાથે રાજમહેલમાં આવી. તે પરી, પરીઓના વૃંદમાંથી નીકળી ગઇ, ત્યાં તેની જગ્યા ખાલી પડી. એ તારા વૃન્દમાં જે જગ્યા ખાલી છે તે, તે
પરીની છે. અંગ્રેજીમાં આ તારામંડળને કોમા બેરેનીસીસ કહે છે.
રાત્રિઆકાશમાં એક બીજું નાનું તારામંડળ છે. તેને અરુન્ધતી કેશ કહે છે. તે ઋષિ પત્ની અરુન્ધતીના આકાશમાં વિખરાયેલા કેશ છે. તેને અંગ્રેજીમાં કોમા બારાનીસીસ કહે છે.
ખગોળીય ઉત્તરાગોળાર્ધમાં તારકસમૂહના છેક ઉત્તર ધ્રુવ સુધી નામો હતાં પણ ખગોળીય દક્ષિણગોળાર્ધમાં તારકસમૂહના છેક દક્ષિણ ધ્રુવ સુધી નામો ન હતાં. સર્વાધીક ખગોળવિદોએ તેમના અર્વાચીન નામો જેવાં કે સૂક્ષ્મ દર્શકયંત્ર વગેરે પાડ્યાં છે. આના ઉપરથી ખગોળવિદો માને છે કે રાત્રિઆકાશના તારકસમૂહના નામ આપનાર ૩૫થી ૪૦ ઉત્તરઅક્ષાંશે રહેતા હતા. તેઓ દક્ષિણ ધ્રુવની આસપાસનું રાત્રિઆકાશ જોઇ શકતાં ન હતાં. તેથી તેઓ દક્ષિણ ધ્રુવની ફરતેના તારકસમૂહોનાં નામ પાડવા અસમર્થ હતાં. આ દર્શાવે છે કે રાત્રિઆકાશના તારામંડળોનાં નામ પાડનાર પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ હતાં. પ્રાચીન સમયમાં ભારતીય ઋષિઓ ગણિત વિદ્યા અને ખગોળવિદ્યામાં ઘણા પારંગત હતા. વિજ્ઞાન, શસ્ત્રવિદ્યા, તત્ત્વશાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, અણુવિદ્યા, રાજવિદ્યા, અર્થશાસ્ત્ર તબીબીવિદ્યા વગેરે વિદ્યાઓમાં પણ તેઓ મહારથ હતા. આ ઉજજવળ પરંપરાને આપણે નિભાવવી જ રહી. તેઓ મહાકલ્પનાશીલ હતા. કારણ કે તેઓએ જે પુરાણોની કથા રચી છે તે અદ્ભુત છે. તેમાં અપાયેલાં રૂપકોનો જગતમાં જોટો નથી. તેઓ તર્કશાસ્ત્રમાં પણ ઘણા આગળ પડતા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular