કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ મુસ્લિમ શાસકોના નામ પરના શહેરો અને જાહેર સ્થળોના નામ બદલવાનો સિલસિલો શરુ થયો છે. કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી નગર કરવાની માંગ વર્ષોથી કરી રહ્યા છે. ભાજપ દ્વારા અનેક વાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનું વચન પણ અપાયું છે. પરંતું આ મુદ્દે સ્પષ્ટતા થઇ ગઈ છે કે અમદવાદનું નામ નહિ બદલાય. વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે અમદવાદનું નામ બદલવા કોઈ અરજી કરવામાં આવી નથી.
આંકલાવના કોંગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં પુછેલા પ્રશ્નનો સરકારે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે અમદાવાદનું નામ બદલવા માટે હાલ રાજ્ય સરકાર દ્વારા કોઈ દરખાસ્ત કેન્દ્રને મોકલવા આવી નથી.
નોંધનીય છે કે, RSS , વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા ભાજપના પીઠબળ સમાન હિન્દુત્વવાદી સંગઠનો વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ કરી રહ્યા છે. આ સંસ્થાઓ તેમના કાર્યક્રમમાં અને તેના કાર્યાલયના સરનામામાં પણ અમદાવાદ શહેરને ‘કર્ણાવતી નગર’ તરીકે ઉલ્લેખિત કરે છે. ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે હાલ અમદાવાદનું નામ બદલવાની કોઈ યોજના નથી.
સરકારના આ જવાબથી આ VHPના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. એક VHP આગેવાનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી અમદાવાદનું નામ બદલાવની દરખાસ્ત મંજુર થતી ન હોવાનું ભાજપ નેતાઓ જણાવતા હતા. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા.
હજુ એક મહિના પહેલા જ RSSના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)એ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી હતી. વર્ષ 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. તત્કાલિન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે.
શહેરનું નામ અમદવાદ(અહમદાબાદ) ઈ.સ.1411 શહેરની સ્થાપના કરનાર બાદશાહ અહેમદ શાહ અને અન્ય ત્રણ પવિત્ર અહેમદના નામ પરથી પાડવામાં આવ્યું હતું. હિન્દુત્વવાદી સંગઠનો 11મી સદીમાં ગુજરાતના સોલંકી વંશના શાસક કર્ણદેવે સોલંકીના નામ પર કર્ણાવતી કરવાની માંગ કરી રહ્યા છે.
અમદવાદનો ઈતિહાસ ટૂંકમાં:
11મી સદી સુધી અહિયાં આશાવલ નામનું નાનું શહેર હતું. કર્ણદેવ સોલંકીએ ભીલ રાજા આશાવલ ભીલને યુદ્ધમાં હરાવી સાબરમતી નદીનાના કિનારે કર્ણાવતી નામનું શહેર વસાવ્યું. કર્ણાવતી નગરમાં 13મી સદી સુધી સોલંકી વંશનું શાસન રહ્યું. ત્યાર બાદ નગર ધોળકાના વાઘેલા વંશના નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ 14મી સદીમાં નગર દિલ્હી સલ્તનતના નિયંત્રણ હેઠળ આવ્યું. 15મી સદીની શરૂઆતમાં, દિલ્હીના સુલતાનાના સ્થાનિક મુસ્લિમ ગવર્નર ઝફર ખાન મુઝફ્ફરે દિલ્હી સલ્તનતથી અલગ થઈ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને પોતાને ગુજરાતના સુલતાન ઘોષિત કર્યા. વર્ષ 1411 માં તેમના પૌત્ર સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે આવેલા જંગલ વિસ્તારને નવા પાટનગર માટે પસંદ કર્યો. તેણે કર્ણાવતી નજીક એક નવા કોટવાળા શહેરનો પાયો નાખ્યો અને તેનું નામ અમદાવાદ રાખ્યું.