નમામિ દેવી નર્મદે: સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નર્મદા મૈયાનાં વધામણાં

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ઉપરવાસમાંથી સતત પાણીની આવકથી સરદાર સરોવર ડેમમાં જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં જળસપાટી 138.68 મીટર નોંધાઈ છે. આજે સવારે મુખ્યપ્રધાન એકતાનગર પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી માં નર્મદાનાં વધામણાં કર્યાં હતાં.
વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ બાદ સરદાર સરોવર નર્મદા ડેમમાં આ વર્ષે ત્રીજીવાર જળસપાટી 138 મીટરને પાર પહોંચી હતી. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા.
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા હાલ ઉપરવાસમાંથી 2,11,067 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના લીધે હાલ 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે. 23 દરવાજા 1.30 મીટર ખોલીને 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે રિવરબેડ પાવર હાઉસમાંથી 43,155 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. હાલ જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના ગામો અને શહેરોને આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી મળી રહેશે. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે.


નોંધનીય છે કે ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.
વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. ર૦ર૦માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર૦રરમાં ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.