વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૨૦)
સરદાર હરિસિંહ નલવા વિશે લાંબુ લખવામાં એક તકલીફ પડવાની જ. એમના માટે નવા-નવા વિશેષણ ન વાપરી શકાય કાં એના એ વિશેષણ ફરી વાપરવા પડે. કમનસીબે આવા અદ્ભુત યોદ્ધા, અફલાતૂન સેનાપતિ અને અપ્રતિમ માનવીનું નામ આપણા દેશના એક-એક બચ્ચાને મોઢે તો નથી જ પણ મોટેરાઓને કંઈ જાણકારી નથી.
પોલાદી મનોબળ ઉપરાંત એટલી અને એવી જ શારીરિક તાકાતના સ્વામીએ કાશ્મીરને જીતી લીધા અને ૫૦૦ વર્ષે હિન્દુ શાસન સ્થાપ્ય બાદ ત્યાં શાંતિ અને ભાઈચારાનું સામ્રાજ્ય સ્થાપ્યુંએ આપણે જોઈ લીધું.:
મહારાજા રણજીતસિંહ અને સરદાર હરિસિંહ નલવા માત્ર પ્રદેશ જીતવામાં માનતા નહોતા. એ પ્રાંતની પ્રજાની માનસિકતા સમજવા, સ્વિકારવા અને અનુરૂપ પગલાં લેવામાં ય માહેર હતા. નલવાના ધ્યાનમાં આવ્યું કે અગાઉના શાસકો વિકાસ-કાર્યો પ્રજાની મજૂરીથી કરાવતા હતા. પણ ફૂટી કોડી ય પરખાવતા નહોતા. આ બેગાર પ્રથાથી જનતાનું શોષણ થતું. આ બેગાર પ્રથામાં હૈયામાં સગડી સળગતી પણ એના પર રોટલા શેકાતા નહોતા. આથી પ્રજા-વિરોધી બેગાર પદ્ધતિનો નલવાએ અંત લાવી દીધો. જન્મ, સગપણ અને લગ્ન સમયે પ્રજાએ ચુકવવા પડતા કરવેરા પર પણ તેમણે પૂર્ણવિરામ મૂકી દીધા.
આટલું જ નહીં પશુ પાલકો પરનો ચારા-વેરો ઓછો કરી નાખ્યો. આથી વધુ ઘેટાં રાખવાનું પરવડવાથી લોકો ઘેટાની સંખ્યા વધારવા માંડ્યા. આનો સીધો વિધેયાત્મક પ્રભાવ ઉનના ઉત્પાદન અને વેપાર પર પડ્યો. એટલું જ નહીં, અગાઉના આક્રમણખોરોના રાજમાં કાશ્મીરની વિશ્ર્વ-વિખ્યાત શાલ બનાવવાનો હસ્ત અને ગૃહ ઉદ્યોગ સાવ બંધ પડી ગયો હતો. એમાં નલવાએ પ્રાણ ફૂંક્યો. આ સાથે પશમીના તરીકે ઓળખાતી ઉનની અદ્ભુત શાલના કસબગારોને રોજગાર, આત્મ-સન્માન અને સધ્ધરતા આપવાની શરૂઆત કરી. અગાઉ કાશ્મીરમાં અલગ-અલગ માપતોલ પદ્ધતિ હતી, જેથી છેતરપિંડી અને ઝઘડા થતા હતા. હવે રાજ્યભરમાં સમાન માપતોલ પદ્ધતિનો અમલ શરૂ કરાવ્યો.
કાશ્મીરની પ્રજાના માનસ-શાસ્ત્ર અને અર્થશાસ્ત્રને વ્યવસ્થિત કર્યા બાદ તેમણે કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. પ્રજાના મનમાં ન્યાયતંત્ર અને પોલીસતંત્ર પર ફરી વિશ્ર્વાસ બેસે એ દિશામાં પગલાં ભરવા માંડ્યા. તેમણે કાશ્મીરમાં ઠેર-ઠેર પોલીસ મથક શરૂ કરાવ્યા. જૂના ખટલા ઉકેલવા માટે ન્યાયિક પદ્ધતિનો અમલ શરૂ કરાવ્યો. ખટલાના બંને પક્ષકારને ઉપલબ્ધ સાક્ષી અને પુરાવા સાથે અદાલતોમાં પહોંચવાની તાકીદ કરાઈ. સુનાવણી બાદ તાત્કાલિક ચુકાદો આપી દેવાય એવી પણ જોગવાઈ કરાઈ.
સત્તા-ભૂખ્યા રાજકારણી, લોહી-તરસ્યા સેનાપતિને બદલે પ્રજાભિમુખ નેતા તરીકે સરદાર હરિસિંહ નલવાએ પ્રજાના વિશ્ર્વાસ અને દિલ જીતી લીધા. આ સફળતાથી અત્યંત પ્રસન્ન થઈને મહારાજા રણજીતસિંહે નલવાને કાશ્મીરમાં પોતાના સિક્કા-મુદ્રા ચલણમાં મૂકવાની છૂટ આપી. આ બહુ મોટી સિદ્ધિ ગણાય, પણ નલવાએ એ ન સ્વીકારી, પરંતુ મહારાજાએ ફરી પત્ર લખીને યાદ કરાવ્યું કે કાશ્મીરમાં તમારા નામના સિક્કા ચલણમાં આવશે તો મને ખૂબ આનંદ થશે. મહારાજાની ઇચ્છા અને પ્રસન્નતા સામે નલવા નતમસ્તક થઈ ગયા. કાશ્મીરમાં નલવાના નામનો સિક્કો આવ્યો. એક તરફ ફારસીમાં ‘શ્રી અકાલ સહાય’ અને સંવત લખેલા હતા, તો બીજી બાજુ ‘એક રૂપિયા’ અને ‘હરસિંહ’ જેવા શબ્દો હતા.
જરા કલ્પના કરી જુઓ કે સફળતા, જીત અને લોકપ્રિયતાના અદ્ભુત સાતત્ય અને એનાથી ચડિયાતી કાબેલિયત હોવા છતાં સરદાર નલવાને ક્યારેય રાજા-મહારાજ બનવાનું મન ન થયું. એમની વફાદારી ખાલસા-રાજ અને મહારાજા રણજીતસિંહ પ્રત્યે કાયમ અખંડ અને અનંત રહી. પરંતુ સત્તાના મદમાં છકી જવાને બદલે નલવાએ કાશ્મીરમાં એક નવી શરૂઆત કરી.
સરદાર નલવા રાજ્યમાં અલગ-અલગ સ્થળે જવા માંડ્યા. આ ભ્રમણમાં એક બાબતે ખાસ ધ્યાન ખેંચ્યું કે જોવા જેવા મોટાભાગના સ્થળે અગાઉ ક્યારેક દેવ-સ્થાન કે મંદિર હતા. આ સ્થળે અફઘાનોના કાળમાં મસ્જિદ કે મુસલમાનોના જિયારતગાહ બાંધી દેવાયા હતા. આવા અનેક બાંધકામના ધર્મ-પરિવર્તન કરાવી દેવાયા હતા. ઇ. સ. ૧૭૯-૧૮૧ વચ્ચે મહારાજા નરેન્દ્ર દ્વિતિયે બંધાવેલું નરેન્દ્ર સ્વામીનું મંદિર, જેને અફઘનાઓએ ‘નરપીર કી જિયારતગાહ’માં ફેરવી નાખ્યું હતું. મહારાજા પરિવારસેન દ્વિતિયે બનાવડાવેલા મહા-શ્રી મંદિરના પ્રાંગણમાં ઇ. સ. ૧૪૦૪માં કાશ્મીરના મુસ્લિમ શાસક શાહ સિક્ધદરની બેગમની કબિર બનાવી દેવાઈ હતી. ત્યાર બાદ વધુ એક કાશ્મીરી શાસક જૈનુલ આબદીનને પણ અહીં દફનાવાયો અને આ સ્થળ ‘મકબરા શાહી’ તરીકે જાણીતું થઈ ગયું.
જૂના પુસ્તકો અને ઇતિહાસમાં ખોવાયેલા અતીતને ઉલેચીશું તો કાશ્મીરમાં થયેલા ધાર્મિક-સાંસ્કૃતિક અત્યાચારના વધુને વધુ પુરાવા મળી રહે છે. સ્ક્ધદ ગુપ્તે બનાવેલું મંદિર મોહમ્મદ વાશુની જિયારતગાહ બની ગયું. એનાથી થોડા દૂર ચાલીએ તો મહારાજા ચન્દ્રાપીડે ઈ. સ. ૬૮૪-૬૯૩માં બનાવેલા ત્રિભુવન સ્વામીના મંદિર પર કબજો જમાવીને એક મુસલમાન પીરે પોતાનું સ્મારક બનાવ્યું, જે ટોંગા બાબાની દરગાહ બની ગઈ. પછી ઇ. સ. ૧૪૦૪માં સિકંદરે એ સ્થળે મસ્જિદ બનાવી તો એમણે જૂના મંદિરની
બધેબધી સામગ્રી વાપરી નાખી.
આવા સંખ્યાબંધ સ્થળ જોઈને અને બાકીનાની માહિતી મેળવીને સરદાર હરિસિંહ નલવાને આઘાત લાગ્યો. મૂળભૂતપણે કાશ્મીર હિન્દુ રાજ્ય હતું. ત્યાર બાદ મુસલમાનો પણ સદીઓથી અહીં વસેલા હતા. જો રાજ્યમાં શાંતિ, ચિરસ્થાયી શાંતિ સ્થાપી હોય તો હિન્દુ-મુસ્લિમ એકમેક પર વિશ્ર્વાસ કરે એ અનિવાર્ય હતું. પરંતુ પોતાની આસ્થા અને શ્રદ્ધાના પચાવી પડાયેલા સ્થળો પર પરધર્મીઓના આક્રમણના પુરાવાથી હિન્દુ-હૃદય પરના ઘા પર ક્યારેય પૂરેપૂરી રુઝ આવે એ ક્યાંથી શક્ય બને! મસ્જિદ કે જિયારતગાહ જોઈને હિન્દુઓ વિચલિત થવાના, એમાંથી મુસ્લિમો પ્રત્યે ધૃણા સિવાયના અન્ય ભાવ ઉપજવાના નહોતા. આના પરિણામે કોમી સંવાદિતા જોખમાયા વગર ન રહે. તેમણે વિચાર્યું કે આ સમસ્યાને એવી રીતે ઉકેલવી જોઈએ કે જેથી એક જ પક્ષને નહીં બંનેને સંતોષ થાય. પણ એ કઈ રીતે શક્ય બને?
(ક્રમશ:)