નલવાને પહેલી તક મળી કસારના યુદ્ધમાં

ઉત્સવ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

સરદાર હરિસિંહ નલવાએ રણમોરચામાં પોતાની પ્રચંડ તાકાતની સર્વપ્રથમ પ્રતીતિ કરાવી ઇ.સ. ૧૮૦૭માં. એ પણ કસૂરના નવાબ કુતુબદીન ખાન સામે.
લોકવાયકા મુજબ લાહોર અને કસુરના નામ ભગવાન રામના બે પુત્ર લવ અને કુશ પરથી પડયા હતા. આ યુદ્ધનું મહત્ત્વ સમજવા માટે ઇતિહાસમાં વધુ થોડા પાછળ જઇએ લોકવાયકા મુજબ ભલે બે ભાઇ પરથી બન્ને રાજયના નામ પડયા હતા પણ એમની વચ્ચે લેશમાત્ર ભાઇચારો નહોતો.
હાલના લાહોર અને ફિરોઝપુર વચ્ચે આવેલું કસૂર ૧૮મી સદીમાં પંજાબ પ્રાંતનું ખૂબ જાણીતું શહેર લાહોર સામેની કસુરની જૂની દુશ્મનાવટમાં મૂળમાં કસુરના શાસક નિઝામ-ઉદ્-દ્દીન હતા. પંજાબમાં સર્વોપરિતા મેળવવા માટે તે મહારાજા રણજિત સિંહ સામે વાખડતો રહેતો હતો.
હકીકતમાં નિઝામ-ઉદ્-દ્દીનના વડવા બાબરના લશ્કર સાથે કૂચ કરતા આવ્યા હતા અને લાહોરની દક્ષિણે સતલજ નદીને કિનારે વસી ગયા હતા. બાબરે તેમની સેનાની કદરરૂપે આ જાગીર આપી હતી. ઇ. સ. ૧૭૯૭ અને ૧૭૯૮માં શાહઝમાને પંજાબ પર આક્રમણ કર્યું હતું. ત્યારે તે નિઝામ-ઉદ્-દ્દીનને પોતાના અને શીખ શાસક વચ્ચે મધ્યસ્થ બનાવવા આતુર હતો. આ રીતે ય પંજાબમાં અફઘાનોના શાસનની સ્થાપના થાય એવી લાળ નવાઝ-ઉદ્-દીન ટપકાવવા માંડયો. તેણે શરત મૂકી કે નિઝામ-ઉદ્-દીન શાહઝમાનને મદદ કરે પણ જીત્યા બાદ પંજાબ અર્થાત્ લાહોર પર નિઝામ-ઉદ્-દીન રાજ કરે અને શાહઝમાનને વાર્ષિક ખંડણી રૂપે રૂા. પાંચ લાખ ચુકવે. પરંતુ શાહઝમાને ઓફર ઠુકરાવીને નારાજ થઇને કાબુલ પાછો ફરી ગયો.
નવાઝ-ઉદ્-દીને લાહોરના અમુક રજવાડાના શાસકોના મતભેદનો ગેરલાભ ઉઠાવીને લાહોર પર કબજાનું ષડયંત્ર ઘડી કાઢ્યું. પરંતુ અમલ અગાઉ જ એ વાત જાહેર થઇ જતાં મનની મનમાં રહી ગઇ. પરંતુ નવાઝ-ઉદ્-દ્દીન સખણો ન બેઠો. તેણે ગુજરાત હાલ ભારતમાં છે એ આપણણુ ગુજરાત નહીં. ના સાહિબ સિંહ ભાંગીને સાથે લઇ લીધા. આ ગુજરાત હકીકતમાં રણજિતસિંહના આધિપત્ય હેઠળ હતું. આ બળવાખોરીને ડામી દેવા રણજિતસિંહ પોતે સાહિબ સિંહને ધોઇ પીવા નીકળ્યા અને કસૂર સામે લડવા સેનાપતિ સરદાર ફતેહસિંહ કલિયાંવાલાને મોકલ્યા. આ જાણકારી મળતાં જ નવાબે શીખો સામે લડવા માટે પોતાની અફઘાન સેનાને સજજ કરી.
કસુર શહેરની બહાર બન્ને લશ્કરો બાખડ્યા. શીખોની બહાદુરી સામે અફઘાનો એક પૂરો દિવસે ય ટકી ન શક્યા. પીછેહઠ કરીને કિલ્લામાં ભાગી ગયા પણ ત્યાંય સલામત ન રહ્યા. કિલ્લાનું પતન હાથવેંતમાં હતું. ત્યારે નવાબે સમર્પણ કરી દીધું. આ શરણાગતિ માટે તેણે સામેથી શરતો મૂકી કે (૧) નવાબ પોતે મહારાજા રણજિતસિંહને આધિન ગણાશે અને વાર્ષિક ખંડણી ચુકવશે, (૨) મહારાજા રણજિતસિંહ પ્રત્યે માન-આદર વ્યક્ત કરવા માટે નવાબ પોતાના ભાઇ કુતુબ-ઉદ્-દ્દીનને લાહોર મોકલશે, (૩) નવાબ પોતાના લશ્કરની અમુક ટુકડીઓ લાહોરની સેવામાં મોકલશે, અને (૪) બે પઠાન સેનાપતિને બાંહેધરી કે બાન તરીકે લાહોર મોકલાશે.
પરંતુ શ્ર્વાનની પૂંછડી કોઇ સંજોગોમાં સીધી થાય ખરી. ઇ.સ. ૧૮૦૨માં નવાબે શરણાગતિની શરતોનો ભંગ કરીને લાહોરના તાબા હેઠળના બે ગામો પર કબજો જમાવી લીધો. વધુ ઘૂસણખોરીની એની મેલી મુરાદ બર આવે એ અગાઉ રણજિતસિંહને જાણકારી મળી ગઇ.
મહારાજા પોતે સરદાર ફતેહસિંહ આહલુવાલિયા સાથે લશ્કર લઇને નીકળ્યા. બહાદૂરીપૂર્વક પઠાણોને ધૂળ પાતા કરી દેતા ઉદરડા ફરી કિલ્લામાં સંતાઇ ગયા હિંસક લડાઇમાં બન્ને પક્ષે ખુવારી વચ્ચે શીખ સેના કસુરીમાં પગપેસારો કરીને ફતેહ-કૂચ કરતી હતી. ફરી નવાબે શરણાગતિ સ્વીકારી, યુદ્ધના ખર્ચા સાથે કિંમતી ભેટસોગાદ આપી અને મહારાજા વતી ફરી ગાદી સંભાળી.
પણ આ સુખ કે બદનામી તેણે લાંબો સમય ભોગવવી ન પડી. ૧૮૦૨માં નવાબ નિઝામ-ઉદ્-દ્દીનને એના સાળાએ મારી નાખ્યો. અગાઉ આ સાળાની કુતુબ-ઉદ-દીનની જાગીર નવાબે પચાવી પાડી હતી.
મહારાજા રણજિતસિંહને થયું કે અફઘાન શાસન નબળું પડયું છે એ ઉમદા તક છે. કસુર પર હુમલો થયો પણ કુતુબ-ઉદ્-દ્દીને ઘણી તૈયારી કરવા સાથે સેના પણ વધારી હતી. શીખ સમાજની આગેકૂચનેે રોકવા માટે ઠેર ઠેર તેણે હુમલાની ગોઠવણ કરી હતી. સાત-સાત મહિના સુધી યુદ્ધ ચાલ્યું પણ શીખ સેના ટસની મસ ન થઇ. મહારાજાએ ઘેરાયેલા કસુરનો બધો પુરવઠો કાપી નાખ્યો. નવા નવાબ કુતુબ-ઉદ્-દ્દીને પણ ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો. આ બળવા બદલ રણજિતસિંહે મોટો દંડ વસૂલ કર્યો. સાથોસાથ કસુર તરફથી દર વર્ષે ચુકવવાની રકમ પણ નક્કી થઇ. રણજિતસિંહની ઉદારદિલીથી કુતુબ-ઉદ્-દ્દીન બચી ગયો. અને એનું તથા કથિત રાજ્યો પણ. પરંતુ ‘હમ નહીં સુધરેંગે’ના ડીએનએને લીધે થોડા સમય બાદ તેણે ફરી રંગ બદલ્યો. આ વખતે તેણે અલગ વ્યૂહ અપનાવ્યો.
રણજિતસિંહને ઉશ્કેરવા માટે પોતાના રાજ્યના શીખો અને હિન્દુઓ પર અત્યાચાર આચરવાના શરૂ કરી દીધા. આ સાથે નિશ્ર્ચિત દેખાતી લડાઇમાં મુલ્તાનના નવાબ મુઝફફર ખાનનો છૂપો સાથ મેળવી લીધો. પોતાના પ્રાંતના દરેક નાના-નાના કિલ્લામાં શસ્ત્રો અને જીવનાવશ્યક ચીજો ખડકી દીધી આનાથી આગળ વધીને કુતુબ-ઉદ્-દ્દીન ખાને ગંદી રમત શરૂ કરી દીધી. તે શીખો સાથેની લડાઇને ધર્મયુદ્ધ તરીકે પ્રચારિત કરવા માંડયો. મૌલવીઓ અને ગાઝીઓને ગામે ગામ મોકલીને ધર્મયુદ્ધને નામે સામાન્યજનોને લડી લેવા માટે ઉશ્કેરવા માંડ્યો. મુસલમાનોને હિન્દુ રાજ્ય સામે લડી લેવા માટે પાનો ચડાવવા માંડયા.
મહારાજા રણજિતસિંહને થયું કે આ તથાકથિત ધર્મયુદ્ધમાં ભયંકર નરસંહાર થશે અને એને ટાળવાના પ્રયાસ કરવા જ જોઇએ. કુતુબ-ઉદ્-દ્દીનને સમજાવવા માટે પોતાના દૂત તરીકે તેમણે સેનાપતિ સરદાર ફતેહસિંહ આહલુવાલિયા અને વિદેશ પ્રધાન ફાકિર અઝીઝ-ઉઝ-દ્દીનને મોકલ્યા. બન્ને ઘમંડી કુતુબ-ઉદ્-દ્દીનને યુદ્ધથી બન્ને પક્ષે થનારા નુકસાનની ગંભીરતા સમજવી. પરંતુ નવાબે તો ભળતો મિજાજ બતાવ્યો. તેણે ફાકિરનું અપમાન કર્યું કે મુસલમાન હોવા છતાં તુંં હિન્દુ રાજાનો પક્ષ લે છે?
બન્ને શાંતિદૂત વિલે મોઢે પાછા ફર્યા. શાંતિ પ્રયાસની ફળશ્રુતિ અને પોતાના દૂતોના અપમાનની વાતો સાંભળીને મહારાજા રણજિતસિંહ ઊભા થઇ ગયા. કસુર અને મુલ્તાનના નવાબને હવે પાઠ શીખવવાનો સમય આવી ચૂકયો છે. રણજિતસિંહે પોતાના લશ્કરને કસુર પર આક્રમણનો આદેશ ફરમાવ્યો. આ વખતે મહારાજાએ પોતાની પ્રિય યુવા-સેના જે શેર-દિલના નામે ઓળખાતી હતી એેને પણ રણમોરચે મોકલી. આ સેનાનો નાયક એટલે હરિસિંહ નલવા, જેમણે પોતાની પહેલીવહેલી લશ્કરી તાકાત અને યુદ્ધ-કૌશલનો પરચો બતાવવાનો હતો.
(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.