સાણંદ ખાતે આવેલું નળ સરોવરનું પક્ષી અભ્યારણ્ય ૧૨૦ કિમીમાં પથરાયેલું છે. વિવિધ પક્ષીઓનો અહીં વસવાટ હોઈ અહીં શિકારીઓ પર નજર માંડીને બેઠા હોય છે, પરંતુ રાજ્ય સરકારે આ શિકારીઓ પર નજર રાખવા માત્ર પાંચ જણ જ રાખ્યા છે. જેમાં એક રેન્જ ઓફિસર, ત્રણ ગાર્ડ અને માળીનો સમાવેશ થાય છે. આમ થવાથી શિકારીઓને મોકળું મેદાન મળ્યું છે અને છ મહિનામાં જ ૧૭૫ જેટલા પક્ષીઓના શિકારના કેસ દાખલ થયા છે. આ સાથે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને અહીંના અધિકારી પર હુમલાના કેસ પણ નોંધાતા રહે છે.
ખૂબ જાણીતા એવા આ અભ્યારણ્યમાં લગભગ ૩૦૦ જેટલા પક્ષીઓ આવે છે. ગુલાબી સરખાબ જેવા યાયાવરો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. શિકારીઓ પક્ષીઓને તો નિશાન બનાવે જ છે, પરંતુ આ સાથે તેમને રોકવા જતા સ્ટાફના સભ્યો પર પણ હુમલા કરતા ખચકાતા નથી.
થોડા દિવસો પહેલા અહીંના એક સ્થાનિક ખબરીને શિકારીઓએ મારી નાખ્યો હતો અને તેનો મૃતદેહ સરોવરમાં ફેંકી દીધો હતો. આ કેસમા સાતની ધરપકડ કરવામાં આવી હતી. આ વિસ્તાર એટલો જોખમી બની ગયો છે કે વન ખાતામાં આ વિસ્તારમાં બદલી થાય તો તેને પનીશમેન્ટ પોસ્ટિંગ એટલે કે સજાના ભાગરૂપે અહીં બદલી મળી હોવાનું માનવામાં આવે છે. બે રેન્જ ઓફિસર અને પાંચ ગાર્ડની જગ્યા પર ભરતી મંજૂર કરવામાં આવી છે, પરંતુ થઈ નથી.
અહીંના અધિકારીઓનુંકહેવાનું છે કે તેઓ પૂરી કોશિશ કરી રહ્યા છે કે શિકારીઓને સખત સજા મળે. આ સાથે ગામના લોકોને પણ સહકાર આપવા સમજાવવામાં આવ્યા છે.