મુંબઈ સમાચાર’નાં કટાર લેખિકા અને કવયિત્રી નલિનીબહેન માડગાંવકરનું નિધન

આમચી મુંબઈ

મુબઇ: એસ. એન.ડી.ટી. નાં ભૂતપૂર્વ અધ્યાપક અને ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ કવયિત્રી અને ‘મુંબઈ સમાચાર’નાં કટાર લેખિકા નલિનીબહેન બળવંત માડગાંવકરનું તા. ૬ સપ્ટેમ્બર, મંગળવારના રોજ માહિમની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. છેલ્લા એક મહિનાથી હૉસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઇ રહ્યાં હતાં. નલિનીબહેનના નિધનથી સાહિત્યજગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમને સંતાનમાં એક દીકરીનો સમાવેશ થાય છે.
રાજકોટ ખાતે એક વેપારી પરિવારમાં જન્મેલા નલિનીબહેનને બળવંત માડગાંવકર નામના મહારાષ્ટ્રીયન યુવક સાથે પ્રેમ થતા તેમણે તેમની સાથે લગ્ન કરી લીધા હતા. બળવંતભાઇને રવીન્દ્ર સંગીતનો ખૂબ જ શોખ હતો અને આ શોખ જ તેમની ઓળખનું કારણ બન્યો હતો. નલિનીબહેનની બોલવાની છટા અને કંઠની પ્રતિભા એવી હતી કે તેઓ એકવાર માઇક પર બોલવાનું શરૂ કરે પછી એમ થાય કે એમનો કોકિલકંઠી અવાજ સાંભળ્યાં જ કરીએ. તેમણે એસ.એન.ડી.ટી. માં અધ્યાપક તરીકે પણ પદ શોભાવ્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્યમાં તુલનાત્મક અભ્યાસમાં રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પર પી. એચડી. પણ કર્યું હતું.‘અમારી પાંચ બહેનોમાં એ સૌથી મોટા. એમના સ્વભાવની વાત કરું તો એ લજામણીના છોડ જેવા શરમાળ અને મૃદુ ભાષી. એમના ચહેરા પર સદાય પ્રસન્નતા ભર્યું હાસ્ય રેલાયાં કરતું. એની નસે નસમાં સંગીત સમાયેલું હતું. મારી બહેન અને જીજાજી સંગીતનાં કારણે જ એકબીજાની નજીક આવ્યાં હતાં. તેમના પ્રેમ સંબંધોમાં પણ સંગીત જ સેતુ બન્યો હતો , એમ ‘મુંબઇ સમાચાર’ સાથે વાત કરતા તેમના બહેન આરાધના અશોક દવેએ જણાવ્યું હતું.
મારા મમ્મી-પપ્પાએ પોતાનું સંપૂર્ણ જીવન રવીન્દ્ર સંગીત માટે સમર્પિત કર્યું હતું. તેઓ મફત સંગીત ક્લાસ પણ ચલાવતાં હતાં. એમના લખેલા લેખો પરથી આશરે દસ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં છે, એમ એમના દીકરી શ્રુતિએ ‘મુંબઇ સમાચાર’ સાથે થયેલી વાતમાં જણાવ્યું હતું. નલિનીબહેનને ૨૦૧૬માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ‘જીવન ગૌરવ પુરસ્કાર’, ૨૦૦૨માં રોટરી ક્લબ ઑફ બોમ્બે તરફથી ‘વોકેશનલ એક્સીલન્સ એવોર્ડ’ સહિત ઘણાં બધા પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.