Homeઉત્સવમુંબઈ નજીકનું નાલાસોપારા વર્ષો સુધી કોંકણનું પાટનગર હતું

મુંબઈ નજીકનું નાલાસોપારા વર્ષો સુધી કોંકણનું પાટનગર હતું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

આજના મુંબઈના ઘડવૈયા અંગ્રેજો છે એનો ઈનકાર કરી શકાય એમ નથી, પણ મુંબઈ ઈસવી સન પૂર્વના સમયથી જાણીતું ઐતિહાસિક સ્થળ છે. મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હોવાથી એના પરિસરનાં સ્થળોનો વિકાસ પ્રાચીન સમયમાં થવા પામ્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં એ ઉપરાંત (કોંકણ)ના એક ભાગરૂપે હતું. બીજી શતાબ્દીમાં અહીં શતવાહન લોકોનું શાસન સ્થપાયું. ત્યારપછી ચંદ્રગુપ્ત મોર્ય વંશ, ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટનું રાજ્ય આવ્યું. મૌર્ય અને ચાલુક્ય શાસનના સમયમાં એટલે કે ઈ.સ. ૪૫૦ થી ૭૫૦ દરમિયાન ધારાપુરી અથવા એલિફંટા બંદર આંતરરાષ્ટ્રિય ખ્યાતી ધરાવતું થયું હતું. ઈ.સ. ૮૧૦થી ૧૨૬૦ સુધી અહીં શિલાહાર રાજાઓનું શાસન રહ્યું હતું. એમની રાજધાની ધારાપુરી (એલિફંટા ટાપુ) હતી. શિલાહાર દ્રાવિડ વંશના રાજાઓ હતા.
પશ્ર્ચિમ રેલવે પર વિરાર સુધીનાં સ્થળો આજે મહાનગર મુંબઇનાં ઉપનગરો બની ગયાં છે તેમાં અતિ પ્રાચીન, ઐતહાસિક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સોપારા તો આજે બૃહદ મુંબઇનું કાંદિવલી જેવું કાંદિવલી બની ગયું છે. એ નાલાસોપારા તરીકે ઓળખાઇ રહ્યું છે અને ૫ચાસ ટકાથી અધિક વસતિ ગુજરાતીઓની છે. ઈસવી સન પૂર્વે ૫૦૦થી તે ઈ. સ. ૧૩૦૦ સુધી એ કોંકણનું પાટનગર હતું. મહાભારતમાં અને ગુફાઓના લેખમાં સોપારાને શુર્પાસ્ક તરીકે ઓળખાવ્યું છે. ઈસવી સન પહેલાંની પહેલી અને બીજી સદીના જૈન લેખકોએ એને સોપારક, સોપારાય, સોપારગ નામે ઓળખાવ્યું છે.
કિંગ સોલોમને એ ઓપલાયર નામથી ઓળખાવ્યું છે. સમ્રાટ સોલોમનના ખજાના માટે મૂલ્યવાન ઝવેરાત સોપારા બંદરથી ચઢ્યું હતું.
ઈસવી સન પૂર્વેની ત્રીજી સદીના મધ્યભાગમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધમારખીતા (ધર્મરક્ષિતા) નામના યવન બૌદ્ધ ભિક્ષુને મોકલાવ્યો હતો. એ ગ્રીક કે બેકટ્રીયન હોવાથી લોકો એને યવન કહેતા હતા. હજારો ક્ષત્રિય સ્ત્રીપુરૂષોએ એમનો ઉપદેશ સાંભળી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અપરાંતની સીમા ત્યારે ગોકર્ણથી નવસારી સુધી હતી. આ અપરાંતનું મુખ્ય બંદર હતું.
બૌદ્ધ ધર્મગ્રંથોમાં સોપારાને ગૌતમ બુદ્ધના એક અવતારનું જન્મસ્થળ જણાવ્યું છે, અહીં શ્રી ભગવાનલાલ ઈન્દ્રજીએ ખોદકામ કરીને બોદ્ધ સ્તૂપ અને તે સમયમાં વાસણો, વગેરે શોધી કાઢ્યા હતા. ટાઉનહોલ ખાતે આવેલી એશિયાટીક લાઈબ્રેરીમાં એ આજે પણ જોવા મળે છે.
મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે પાંડવોમાંથી ત્રીજો ભાઈ અર્જુન સુપરિક હતો. મહાભારતના વન પર્વમાં એવો ઉલ્લેખ છે. અહીંથી એ નૌકામાં પ્રભાસપાટણ ગયો હતો. હરિવંશના ૩૯મા અધ્યાયના ૨૮મા શ્ર્લોકમાં અને ૪૦મા અધ્યાયના ૩૯માં શ્ર્લોકમાં સુપરિકનો ઉલ્લેખ થયો છે.
જૈન લેખકોએ એને સોપારા તરીકે ઓળખાવ્યું અને આજે પણ એ જ નામ પ્રચલિત છે.
જૈન દંતકથા પ્રમાણે રાજા શ્રીપાલ સોપારક નગરીના રાજા મહાસેનની પુત્રી તિલકસુંદરીને પરણ્યો હતો. શ્રીપાલ ચરિત્રના ત્રીજા પ્રકરણમાં એવો ઉલ્લેખ છે. જૈન ધર્મગુરુ અને વિદ્વાન લેખક જિનપ્રભાસુરી (૧૪મી સદી) જૈનોનાં ૮૪ પવિત્ર તીર્થસ્થળોએ સોપારકાને એક પવિત્ર તીર્થસ્થળ તરીકે ઓળખાવે છે. સોપારામાં પ્રથમ તીર્થંકર રિષભદેવની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. જિનપ્રભાસુરી લખે છે: ‘સોપારકે જીવન્તસ્વામી ઋષભદેવ પ્રતિમા’
ઈ.સ.૧૦૯૪માં શિલાહાર રાજા અનંતદેવે પોતાના બે પ્રધાનો ભાભના અને ધનમની માલિકીનાં વહાણો પાસેથી સોપારાબંદરે જકાત નહીં લેવાની અનુમતિ આપી હતી.
સોપારામાં જૂના સમયથી સામવેદી બ્રાહ્મણ રહેતા આવ્યા છે. પોર્ટુગીઝ શાસન દરમિયાન કેટલાક સામવેદી બ્રાહ્મણોને બળજબરીથી વટલાવીને રોમન કેથોલિક બનાવવામાં આવ્યા હતા. એમનાં ૧૬ ગોત્ર અને ચાર ઉપવિભાગો હતા. ચાર ઉપવિભાગોમાં નાઈક (સરદાર), વઝે (ઉપાધ્યાય, ગોર મહારાજ), જોશી (જ્યોતિષિ) અને ભટારે (રસોયા ખેડૂત)નો સમાવેશ થાય છે. વટલાયેલા સામવેદી બ્રાહ્મણોને ‘કિરસ્તાઉ’ તરીકે ઓળખવામાં આવે છે. સોપારાના જૂના નાગરિકોમાં ખંભાતના લાડ વણિક અને ગુજરાતના અન્ય વિભાગના શ્રીમાળી વણિકનો સમાવેશ થાય છે. આરબ અને ઈરાની નિર્વાસિતોનાં વશેજો ‘નાઈતા’ તરીકે ઓળખાય છે અને આ મુસલમાનો તેમના ચમકદાર ગૌરવર્ણના કારણે નિરાળા તરી આવે છે.
સોપારા નામ કેમ પડ્યું એની એક જુદી જ દંતકથા છે. અત્યારના સોપારાથી
લગભગ અડધો માઈલ દૂર એક કિલ્લો આવ્યો છે તેને સ્થાનક લોકોે ‘બરૂડ રાજા ચા કોટ’ (બરોડિયા રાજાનો કિલ્લો) તરીકે ઓળખાવે છે.
અહીં એક બરોડિયા રાજા હતો. તે વાંસની ચીપમાંથી ટોપલી, કરંડિયા, સૂપડાં ગૂંથીને તેના વેચાણથી નિર્વાહ ચલાવતો હતો. રાજ્યના ખજાનામાંથી પૈસા લેતો નહોતો. તેની રાણી પણ એવી જ સાદી અને સદ્ગુણી, શીલવંતી હતી રાજાએ રાજ્યમાં કરવેરા નાખ્યા નહોતા. લોકો સુખી હતાં. રાણી પોતે ઘડો લઈને ચકરાલા તળાવમાં પાણી ભરવા જતી હતી. રાણી એટલી શીલવંતી હતી કે તે પાણી ઉપર ચાલી શકતી હતી. આથી તે તળાવના મધ્યભાગમાં જઈ પાણી લઈ આવતી હતી.
તળાવમાં પાણી ભરવા રૈયતની બીજી સ્ત્રીઓ ઝવેરાત ઘરેણા પહેરીને આવતી હતી. રાણીને પણ ઘરેણાં પહેરવાનું મન થઈ આવ્યું. રાજાને વાત કરી; પણ રાજા પાસે પૈસા નહોતા. રાણીના કહેવાથી દરેક ઘર પર એક સોપારીનો વેરો નાખ્યો. આ સોપારીમાંથી રાણીને ઘરેણાં બનાવી આપ્યાં.
રાણી સોપારીનાં ઘરેણાં પહેરીને પાણી ભરવા ગઈ. પાણીમાં પોતાના રૂપાળા પ્રતિબિંબને જોઈને રાણીને જરા ગર્વ પણ થયો. એ ઘડો લઈને પાણી ઉપર ચાલતી હતી ત્યાં પગ પાણીમાં ઊતરી ગયા. રાણી પાણી ઉપર ચાલી શકી નહીં અને કાંઠા નજીકથી જ પાણી ભરીને મહેલે ગઈ. રાજાએ કાદવિયું પાણી જોઈ કારણ પૂછ્યું. રાણી રડી પડી અને રાજાએ સોપારીનો વેરો પાછો ખેંચી લીધો.
આથી સોપારીના વેરા ઉપરથી સોપારા નામ પડ્યું. એવું પણ કહેવામાં આવે છે કે રાજા વાંસનાં સૂપડાં બનાવતો હતો અને તેનું રાજ પણ સૂપડા જેવું નાનું હતું તેથી સુપરિક, સોપારા નામ આવ્યું છે.
* * *
મુંબઈને પાણી પૂરું પાડનાર તાનશા સરોવર ૧૯૯૨ના માર્ચ મહિનાની ૩૧મીએ ૧૦૦ વર્ષો પૂરાં કરે છે ત્યારે એ યાદ કરવું પડે છે કે મુંબઈમાં અંગ્રેજો સ્થિર થયા પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી લોકોએ મોટે પાયે અહીં આવીને વસવાનો પ્રારંભ કર્યો. વધતી જતી વસ્તીની પાણીની આવશ્યક્તા પૂરી પાડવા ત્યારે તળાવો અને કૂવાઓ લોકપ્રિય હતાં. શહેરમાં ઘણા વિસ્તારનાં નામો આ કૂવાઓ અને તળાવના નામે ઓળખાતા હતા. જ્યારે વીસમી સદી આથમવા આવી છે ત્યારે મુંબઈમાં એ કૂવા-તળાવોનું અસ્તિત્વ રહ્યું નથી, પણ નામો રહી ગયાં છે.
મેજર કોવેલના જણાવ્યા પ્રમાણે ૧૯૨૮માં મુંબઈમાં ૨૪૨૯ કૂવાઓ અને ૨૯૦ તળાવો હતા. મેજર કોવેલના આ અહેવાલ પછી મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા ૧૨૩૨ કૂવાઓ પૂરી દેવામાં આવ્યા હતા અને ૨૬૬ કૂવાઓ સાફ કરી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થવા ન પામે તેની કાળજી લેવાઈ હતી. વખત જતાં એ કૂવાઓ પૂરી દેવામાં આવ્યા હતા.
મુંબઈનાં તળાવોમાં બાણગંગા, બાબુલા ટેન્ક, સી.પી.ટેન્ક, ધોબી તળાવ, ગોવાલિયા ટેન્ક, ગોપી તળાવ, હસાલી તળાવ, જાંબલી તળાવ, ગિલ્ડર ટેન્ક, ખાંડિયા તળાવ, મસ્તાન તળાવ, નવાબતળાવ, નાખોદા તળાવ, સાંકલી તળાવ, ફાંસી તળાવ, (વી. ટી. બોરીબંદર નજીક) વગેરે જાણીતાં હતાં.
ઈ.સ. ૧૬૭૨માં ફાયરે અને ઈ.સ. ૧૭૫૦માં ગ્રોસે બાણગંગા તળાવને ચોખ્ખા પાણીથી ભરેલું જોયું હતું.
બાબુલા ટેન્ક સર જે.જે.હોસ્પિટલ નજીક ઈ.સ.૧૮૪૯માં બાંધવામાં આવ્યું હતું અને ૧૯૦૭ પૂરી દેવામાં આવ્યું હતું. રાજકોટમાં કાવસજી પટેલ સ્ટ્રીટ નામનો જાણીતો વિસ્તાર આવ્યો છે એ શ્રી કાવસજી પટેલ મુંબઈના પટેલ હતા અને ૧૭૮૦માં એમણે પોતાને ખર્ચે કાવસજી પટેલ તળાવ બંધાવ્યું હતું અને એ જગ્યાને આજે આપણે સી.પી.ટેન્ક તરીકે ઓળખીએ છીએ.
ઈ.સ. ૧૮૪૬માં આ તળાવનું પાણી ઘટવા માંડ્યું એટલે ધોબી તળાવ ખાતે ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટ આવ્યું છે તે શ્રી. ફરામજી કાવસજી લીમજીએ મુગભાટ વિસ્તારમાંથી પાણી લાવવાનું શરૂ કર્યું હતું.
જે સ્થળને આજે આપણે બે ટાંકી તરીકે ઓળખીએ છીએ તે ડંકન રોડ ઉપર બે નાનાં જળાશયો હતાં અને ૧૮૨૩ કે ૧૮૨૬ના અરસામાં સુસલાજી સુલેમાન નામના મુસ્લિમ સોદાગરે બંધાવ્યાં હતાં. આ જળાશયોમાં પાઈપલાઈન નાખીને ફરામજી કાવસજીએ પાણી પૂરું પાડવાની યોજના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular