નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગભગ બહુમતી હાંસલ કરી લીધી છે. ચૂંટણી પરિણામોના આધાર પર ભાજપ નાગાલેન્ડમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે એ નક્કી થઇ ગયું છે. આ દરમિયાન નાગાલેન્ડને હેકાની જાખલુ અને સાલ્હોતુઓનુઓ ક્રુસેના રૂપમાં પ્રથમ વખત મહિલા ધારાસભ્યો મળ્યા છે. હેકાની જખાલુ એ દિમાપુર- III સીટ પરથી ચૂંટણી જીતી છે. હેકાનીએ NDPP ની ટિકિટ પર ચૂંટણી જીતી છે. હેકાનીએ તેમના પ્રતિસ્પર્ધી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)(LJP-રામવિલાસ)ના અજેતો જિમોમીને 1,536 મતોથી હરાવ્યા છે. હેકાનીને 14,395 વોટ મળ્યા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અજેતો જિમોમીને 12,859 મત મળ્યા છે, જ્યારે ક્રુસે અપક્ષ ઉમેદવાર કેનિઝાખોને 481 મતોથી હરાવ્યા હતા. આ વખતે નાગાલેન્ડમાં કુલ 184 ઉમેદવારોમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. નાગાલેન્ડની સ્થાપના 1963માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં લગભગ 14 વિધાનસભાની ચૂંટણી થઈ છે, પરંતુ આજ સુધી એક પણ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ નથી. આ વખતે , કોંગ્રેસે ટેનિંગ બેઠક પરથી રોઝી થોમ્પસનને, NDPPએ દીમાપુર III પરથી હેકાની જાખલુને અને પશ્ચિમ અંગામી બેઠક પરથી સાલ્હોતુઓનુઓ ક્રુસને અને ભાજપે એટોઇજુ બેઠક પરથી કહુલી સેમાને ટિકિટ આપી છે. હેકાની જાખલુ વ્યવસાયે વકીલ અને ક્રુઝ હોટલ ઓપરેટર છે. તેઓ વંચિત સમાજના વિકાસ માટે કામ કરી રહ્યા છે, જે માટે તેમને ‘નારી શક્તિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાલ્હોતુઓનુઓ ક્રુસને પણ એનજીઓ સાથે કામ કરવાનો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે 1963માં નાગાલેન્ડની સ્થાપના થઇ છે. ત્યાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 14 વિધાનસભાની ચૂંટણી થઇ છે, પરંતુ આ ચૂંટણીઓમાં એક પણ મહિલા ધારાસભ્ય જીતી શક્યા નથી. આ વખતે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના જંગ 2023માં ચાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવી હતી. બધાની નજર એ બાબત પર હતી કે આ વખતે નાગાલેન્ડને મહિલા ધારાસભ્ય મળી શકશે કે નહીં. એવા સમયે હેકાની જાખલુ અને સાલ્હોતુઓનુઓ ક્રુસે એમ બે-બે મહિલા વિધાનસભ્યે જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.