મૈસુર, સિલ્ક અને મેસુક

ઉત્સવ

રંગ છલકે-ક્ધિનર આચાર્ય

મૈસુરનું નામ ભારતનાં અન્ય અનેક શહેરોની માફક અંગ્રેજોએ મૂળ નામમાંથી અપભ્રંશ કરેલું છે. મહિષાસુરનો અહીં દેવી ચામુંડાએ વધ કર્યો હોવાની ધાર્મિક કથા છે. એટલે નગરનું નામ પડ્યું મહિષાસુર. અપભ્રંશ થતાં માયસુરુ, માયસોર અને મૈસુર અને મૈસુરુ… એવું બધું થયું. આજે જેને જે ફાવે તે બોલે છે. કોઈ માયસોર કહે છે તો કોઈ મૈસુરુ. આપણે મૈસુર કહીશું.
મૈસુર એકદમ મસ્ત સિટી છે, મનમોહક અને મજેદાર અને પ્રથમ નજરે જ ગમી જાય તેવું. અહીંનાં પહોળા પહોળા રસ્તાઓ, મસમોટાં સર્કલ્સ અને ઘેઘૂર ગ્રીનરી. આટલા પહોળા રસ્તાઓ અને આટલાં સુંદર સર્કલ્સ દેશના અન્ય કોઈ શહેરમાં ભાગ્યે જ જોવા મળે.
ઊટીથી અમે મૈસુર પહોંચ્યા. મૈસુરમાં તો સુંદર દૃશ્યો જોવા મળ્યાં જ. ઊટીથી મૈસુર સુધીના હાઈ-વે પર પણ અગણિત લેન્ડસ્કેપ્સ જોવા મળ્યા. રસ્તામાં બબ્બે તો વન્યપ્રાણી અભયારણ્ય આવે છે. એક તમિળનાડુની હદમાં અને એક કર્ણાટકની બોર્ડરમાં. આ અભયારણ્યમાં વન્યપ્રાણીનાં દર્શન અચૂક થાય જ.
મૈસુર સુધી પહોંચીએ ત્યાં તો દિલ બાગ બાગ થઈ ગયું હોય. મૈસુરમાં ફરવાલાયક પણ અનેક સ્થળો છે. અહીં ટૂરિસ્ટ્સનો ઓલમોસ્ટ બારેમાસ પ્રવાહ રહે છે. મૈસુરની ઘણી બાબતો, ચીજવસ્તુઓ મશહૂર છે, પરંતુ બે વસ્તુઓ રીતસર લોકજીભે છે. એક: મૈસુર પાક. બીજી, મૈસુર સિલ્ક.
મૈસુર પાકને આપણે મેસુક અથવા મેસુબ જેવાં નામથી ઓળખીએ છીએ, પરંતુ આપણે ત્યાં મળતા મેસુકને અસલી મેસુક ન કહી શકાય. મૈસુરમાં મળતા મૈસુર પાકને દસમાંથી દસ માર્ક મળે, તેની સામે આપણા મેસુકને દસમાંથી માત્ર એક સ્ટાર જ મળી શકે. બીજી એક બાબત માટે મૈસુર વિખ્યાત છે એ છે અહીંનું સિલ્ક અને મૈસુરી સાડી.
અહીંના સિલ્કનું ઉત્પાદન પણ તેના ઇતિહાસ જેટલું સમૃદ્ધ છે. મૈસુરની ઝગમગતી સિલ્ક ક્રેપ સાડીઓ આ ભૂમિ પર શાસન કરનારા મહારાજાઓ અને સુલતાનોના તાજમાં એક રત્ન સમાન છે. મૈસુર સિલ્ક સાડીઓ તેમની અસાધારણ ચમક, ઉત્કૃષ્ટ ઝરી વર્ક અને હળવા વજન માટે પ્રખ્યાત છે. મૈસુરના તત્કાલીન શાસક, ટીપુ સુલતાન ચીનના રાજવંશ માટે ભેટમાં રેશમી કપડાં મોકલતા હતા. રેશમના કીડા મેળવવાના હેતુ સાથે બંગાળ અને ચીનમાં એક એક પ્રતિનિધિમંડળ તેણે મોકલ્યું. ત્યાર બાદ, તેણે રેશમના કીડાઓને ખવડાવવા અને ઉછેરવા માટે રેશમના કીડાનાં સંવર્ધન મથકો તેમ જ શેતૂર ફાર્મની સ્થાપના કરી અને એક સદીની અંદર મૈસુરનું રાજ્ય દેશનું ટોચનું રેશમ ઉત્પાદક બન્યું.
૧૯મી સદીની શરૂઆત સાથે, વિવિધ આર્થિક કારણોસર રેશમ ઉદ્યોગમાં સતત ઘટાડો જોવા મળ્યો, પરંતુ મૈસુર રાજવી પરિવારના મહારાજા કૃષ્ણરાજા વોડેયર IV લડ્યા વિના હાર માનવાના નહોતા. બ્રિટનમાં રાણી વિક્ટોરિયાના ઉત્સવની ઉજવણીના સાક્ષી બન્યા પછી, તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાંથી ૩૨ પાવરલૂમ મગાવી અને મૈસુરમાં સિલ્ક ઉત્પાદન એકમ સ્થાપ્યો. તેમના શાસનમાં રેશમ ઉછેરનો વિકાસ થયો, કારણ કે એકમની ક્ષમતા સતત વધી રહી હતી અને મહારાજાએ તેમના સમય દરમિયાન વધુ ૧૩૮ લૂમ્સ ખરીદી હતી. સ્વતંત્રતા પછી, આ ૧૭ એકરની રેશમ ફેક્ટરી સરકારના સેરિકલ્ચર વિભાગના નિયંત્રણ હેઠળ હતી, જે આજે પણ કાર્યરત છે. કર્ણાટક સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન(KSIC) દ્વારા સંચાલિત ભારતના સૌથી જૂના રેશમ ઉત્પાદન એકમમાંથી એ એક છે. તેમના પૂર્વજોના વારસાને આગળ ધપાવતાં, મૈસુરના રાજવી પરિવારના વંશજ શ્રીકાંત દત્ત નરસિંહરાજા વોડેયારે, તેમની બ્રાન્ડ રોયલ સિલ્ક ઓફ મૈસુર દ્વારા આ હસ્તકલાના પ્રચારમાં વ્યાપક યોગદાન આપ્યું. આ સાડીઓ આ યુનિટ જાતે ડિઝાઇન કરે છે, જે મૈસુર પેલેસ સંકુલમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
કર્ણાટક આજે ૯,૦૦૦ મેટ્રિક ટન સિલ્કનું ઉત્પાદન કરે છે જે ભારતના સમગ્ર શેતૂર રેશમ ઉત્પાદનમાં ૪૫% હિસ્સો ધરાવે છે. આ અદ્ભુત વણાટને જીવંત બનાવવા માટે એક લાંબી અને કપરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, કોકૂનથી લૂમ સુધી. આ કાપડને વણાટવા માટેના યાર્ન સ્થાનિક રેશમ ઉત્પાદક ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે અને પછી ગુણવત્તા માટે વર્ગીકૃત કરવામાં આવે છે. પછી યાર્ન અર્ધ-સ્વચાલિત મશીનોમાંથી પસાર થાય છે જે તેમાંથી ઝીણા દોરાને બહાર કાઢે છે. તે નિર્ણાયક છે કે આ રેશમના દોરાઓ ૨૭ ‘ડિનિયર્સ’ (યાર્નની જાડાઈ, ઘનતા અને વજનનું માપ)ના હોવા જોઈએ. આમાંના દરેક રેશમના યાર્નને પછી વણાયેલા અંતિમ કાપડને ક્રેપ ટેક્સ્ચરની જરૂરિયાત આપવા માટે હજારો વખત ટ્વિસ્ટ કરવામાં આવે છે. પ્રક્રિયાનું આગલું પગલું વણાટ છે, જ્યાં કારીગરો ડોબી લૂમ અથવા જેક્વાર્ડ લૂમ્સનો ઉપયોગ કરે છે.
મૈસુર સિલ્ક સાડીની વિશિષ્ટ વિશેષતા એ ૧૦૦% શુદ્ધ સિલ્કથી બનેલું નક્કર રંગનું બેઝ ફેબ્રિક છે. બેઝ સિલ્ક ફેબ્રિકને એક જ રંગમાં રંગવામાં આવે છે અને બોર્ડર પર કરવામાં આવતી જટિલ ઝરીના કામને નિખારવા માટે કોઈ પણ પેટર્ન વિના સાદા રાખવામાં આવે છે, જેમાં સુરતની વાસ્તવિક ૨૪ કેરેટ સોનાની ઝરીનો ઉપયોગ કરવામાં આવે છે. મૈસુરની આ સફર આવતા અઠવાડિયે પૂર્ણ થશે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.