Homeપુરુષતારામાં ક્ષમતા છે, તું આ ક્ષેત્રે આગળ વધી શકે છે, એમ કહીને...

તારામાં ક્ષમતા છે, તું આ ક્ષેત્રે આગળ વધી શકે છે, એમ કહીને પિતાજી મને બાળપણથી જ પ્રોત્સાહિત કરતા

પ્રિય પપ્પા… -મેહુલકુમાર

અમે જામનગરની બાજુમાં આવેલા શેઠવડાલા ગામના વતની. મારા દાદા-પરદાદા રાજા રણજિતસિંહજી જામસાહેબને ત્યાં કામ કરતા હતા. જામસાહેબે અમને જમીન પણ આપી હતી અને જામનગરમાં અમારી એક મોટી હવેલી પણ છે. મારા પિતાજીનું નામ ઇબ્રાહિમભાઇ મઝહરભાઇ બલોચ. મારું બાળપણ ગામમાં જ વીત્યું. મારાં પપ્પા અને મમ્મી (ખતીજા)એ અમને ખૂબ પ્રેમ આપ્યો. મારું બાળપણ ખૂબ જ સુખદ અને શાંતિપૂર્ણ રીતે વીત્યું હતું. અમે બે ભાઇ અને એક બહેન છીએ. મેં અસલ ગામડાની મજા લીધી છે. ગામમાં મિત્રો સાથે રખડવાનું, ખેતરોમાં ભમવાનું, તળાવમાં નાહવાનું વગેરે જેવી ઘણી બધી મજા મેં કરી છે. પપ્પા જામસાહેબને ત્યાંથી રિટાયર્ડ થયા બાદ અમે જામનગર શિફ્ટ થઇ ગયા. મારું સ્નાતક સુધીનું ભણતર જામનગરમાં જ પૂર્ણ થયું હતું.
એ સમયે દેશી સમાજનાં નાટકો થતાં હતાં. એ નાટકોમાં મારા પિતાજી પણ કામ કરતા. મેં પણ બાળકલાકાર તરીકે એમની સાથે કામ કર્યું હતું. રામાયણના નાટકમાં મેં ‘લવ’નો રોલ કર્યો હતો એટલે એવું કહી શકાય કે કળા અમારા લોહીમાં છે. તારામાં ક્ષમતા છે, તું આ ક્ષેત્રે આગળ વધી શકે છે, એમ કહીને પિતાજી મને બાળપણથી જ પ્રોત્સાહિત કરતા. એમણે જીવનના દરેક તબક્કે મને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એમના માર્ગદર્શનના કારણે જ મેં સ્કૂલમાં નાટકોમાં કામ કરવાનું ચાલુ કર્યું. એમાં મને ઇનામ મળતાં તો એ જોઇને પણ એ ખૂબ જ ખુશ થતા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કરતા. મેં જામનગરની ડી. કે. વી. કોલેજમાં એડમિશન લીધું. ત્યાં પણ કોલેજની નાટ્યપ્રવૃત્તિમાં ભાગ લેતો. હું એ સમયે લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કરતો.
સતત બે વર્ષ સુધી યુનિવર્સિટી લેવલ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે મને એવોર્ડ મળ્યા છે. કોલેજમાં હું કલ્ચર સેક્રેટરી તરીકે પણ ચૂંટાઇ આવ્યો છું.
જામનગરની કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ અમારા ઘણા બધા સગાં-સંબંધી અને મિત્રો પપ્પાને સલાહ આપતા કે મેહુલને હવે એમ.એ. કરાવો અને વકીલ બનાવો. ત્યારે પપ્પાએ કહ્યું હતું કે મેહુલની જે ઇચ્છા હોય એ કરશે. એમણે મને પૂછ્યું. મેં કહ્યું પપ્પા, મને એવું લાગે છે કે જો હું અહીંયાં રહીશ તો મારી કળાનો વિકાસ નહીં થઇ શકે. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે મારે મુંબઇ જવું છે. ત્યારે કોઇ પણ પ્રકારની આનાકાની કર્યા વગર એમણે મારી વાત માન્ય રાખી અને કહ્યું કે તારે મુંબઇ જવું હોય તો જઇ શકે છે, પરંતુ હું તને ત્યાં ફક્ત રહેવાની વ્યવસ્થા કરી દઇશ. બાકી તારે ફોડી લેવાનું. મારા એક મિત્ર છે. એમને ભલામણ કરી દઇશ એ તને નોકરી અપાવવામાં મદદરૂપ થશે. હું પપ્પા-મમ્મીના આશીર્વાદ અને મારા ખિસ્સામાં ફક્ત સો રૂપિયા લઇને જામનગરથી મુંબઇ આવી ગયો.
મુંબઇ ઊતરીને પપ્પાના ઓળખીતાનો મસ્જિદ બંદર વિસ્તારમાં એક ફ્લેટ હતો, ત્યાં રહેવા લાગ્યો. એ લોકો ખજૂરની આયાત-નિકાસનો વેપાર કરતા હતા. પપ્પાએ અન્ય એક ઓળખીતાને મારી નોકરી માટે કહ્યું હતું. એમણે મર્કન્ટાઇનલ બેન્કના ચેરમેન રંગૂનવાલા સાહેબને મારી ભલામણ કરી.
મોહમ્મદ અલી રોડ પર જ મર્કન્ટાઇલ બેન્કની બ્રાન્ચ હતી. ત્યાં હું રંગૂનવાલા સાહેબને મળવા ગયો. મેં બી.એ. વિથ ઇકોનોમિક્સ કરેલું એટલે બેન્કમાં મારી નોકરી નક્કી થઇ ગઇ. જ્યાં સુધી નાટકોમાં મને સફળતા ન મળે ત્યાં સુધી બેન્કમાં નોકરી કરવાનું મેં મુનાસિબ માન્યું. મુંબઇમાં રહેવાનું મફત હતું એટલે નોકરીના પગારમાંથી મારો ખાવાપીવાનો ખર્ચ નીકળી જતો હતો.
આજની જેમ એ વખતે મોબાઇલ ફોનની સગવડ નહોતી, લેન્ડલાઇન ફોન જ ઉપયોગમાં હતા. તો પપ્પા સાથે ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી. એ વખતે પણ પપ્પા મને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહેતા હતા. નાટકો તો બાળપણથી જ કરે છે, તો ત્યાં તારી કિસ્મત અજમાવ અને એમાં જ આગળ વધ. એમાંથી ધીરે ધીરે તારા આગળના રસ્તા પણ ખૂલશે. હું ફિલ્મોમાં નસીબ અજમાવવા આવ્યો હતો.
મારા એક મિત્રની ઓળખાણથી પ્રવીણ જોશીને મળ્યો. એમનું નાટ્યજગતમાં ખૂબ જ મોટું નામ. મેં એમની સમક્ષ મારી ઇચ્છા જાહેર કરી ત્યારે તેમણે મને બહુ જ સારી સલાહ આપી હતી કે સંજીવકુમાર મારા ખૂબ જ અંગત મિત્ર છે. તેમ છતાં હું ફિલ્મલાઇનમાં જવા માટે કોશિશ કરી રહ્યો છું. તો તું તો હજી નવો છે. તારો આત્મવિશ્ર્વાસ સારો છે. તું નાટકોથી શરૂઆત કર. હું એમાં તને જરૂરથી મદદરૂપ થઇશ. એમની સલાહ માનીને મેં નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી. એમણે પણ મને એમના સર્કલમાં ઓળખાણ કરાવી અને કામ અપાવવામાં મદદ કરી અને મેં નાટકોમાં અભિનયથી મારી શરૂઆત કરી હતી.
મેં નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું છે, એ સાંભળીને પપ્પા ખૂબ જ ખુશ થયા હતા. એ સમયના બધા જ દિગ્દર્શકો સાથે મેં કામ કર્યું, પરંતુ એ વખતે પણ મારા મગજમાં દિગ્દર્શક બનવાનું સપનું જીવંત જ હતું. દરમિયાન, લેખક તરીકે મારી ચાર નવલકથા પ્રસિદ્ધ થઇ ચૂકી હતી. ‘જિગર અને અમી’ નામનું એક નાટક હતું. એના એક હજારથી વધારે શો થયા હતા.
આ નાટકના શો દરમિયાન મને એક દિવસ અચાનક મારા જીવનનો સૌથી મોટો ‘મોકો’ મળી પણ ગયો. આમિર ખાનના પિતાજી તાહીર ખાનને ગુજરાતી ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. એમને કોઇએ કહ્યું કે આ નાટક જોઇ આવો આનો વિષય સારો છે.
ફિલ્મને લાયક છે અને તેઓ ‘જિગર અને અમી’ નાટક જોવા માટે ભાઇદાસ હોલમાં આવ્યા હતા. આ નાટકના શો દરમિયાન કોઇએ તેમને ફિલ્મ માટે મારી ભલામણ કરી. તેમણે મારી પાસે ગુજરાતી ફિલ્મ માટે સારી વાર્તા માગી.
મારી નોવેલ ‘હોઠ ઝંખે કિનારો’ની વાર્તા મેં એમને સંભળાવી. એ એમને પસંદ પડી ગઇ. એ ફિલ્મના કથા-પટકથા-સંવાદ-ગીત બધું મેં જ લખ્યું હતું. હવે વાત આવી દિગ્દર્શનની. મેં કોઇની સાથે સહાયક તરીકે કામ કર્યું નહોતું કે ન મને કોઇ ફિલ્મ બનાવવાનો અનુભવ, પણ મેં ફિલ્મ દિગ્દર્શન, એડિટિંગ અને ફોટોગ્રાફી માટેનાં ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં હતાં. એ વાત એમને જણાવી. મારો આત્મવિશ્ર્વાસ જોઇને તેઓ આ જ વાર્તા પરથી હિન્દી અને ગુજરાતીમાં ફિલ્મ બનાવવા માટે તૈયાર થઇ ગયા. આ રીતે તેમણે મને ફિલ્મમાં સૌપ્રથમ બ્રેક આપ્યો હતો અને મારી એ નવલકથા પરથી મેં હિન્દી ફિલ્મ ‘ફિર જનમ લેંગે’ અને ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’ બનાવી. ત્યાંથી મારી કારકિર્દીની શરૂઆત થઇ. મને ફિલ્મ મળી એ સમાચાર જ્યારે મેં પપ્પાને જણાવ્યા તો તેઓ ખૂબ જ રાજી થઇ ગયા અને સલાહ આપી કે હવે નાટકો ઓછાં કરીને ફિલ્મ પ્રત્યે જ વધારે ધ્યાન આપજે. અમારા બધાના આશીર્વાદ છે કે તું ફિલ્મોમાં જરૂરથી સફળ થઇશ. ત્યાર બાદ મારી એક પછી એક ગુજરાતી ફિલ્મો હિટ થતી ગઇ.
બાદમાં હિન્દી ફિલ્મો તરફ વળ્યો અને પપ્પા-મમ્મીના આશીર્વાદથી એમાં પણ હું ખૂબ જ સફળ રહ્યો છું. પપ્પાએ મારી સંપૂર્ણ કારકિર્દી દરમિયાન મને દરેક સમયે માર્ગદર્શન પૂરું પાડીને સફળ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. મુંબઇમાં મેં મારું પોતાનું ઘર લીધા બાદ તેમને પણ મુંબઇ બોલાવી લીધા. એ મારી સાથે જ રહ્યા. એ સમયે મારી પાસે ફિયાટ કાર હતી, તો તેમને એમાં બેસાડીને આખા મુંબઇમાં ફેરવતો. તેઓ મારી સફળતા જોઇને રાજીપો અનુભવતા. જીવ્યા ત્યાં સુધી મારી સાથે જ રહ્યા. એમને ક્યાંય પણ જવું હોય તો એમના માટે કાર તૈયાર જ હોય અને મુંબઇ બહાર જવું હોય તો એમને પ્લેનમાં જ મોકલતો. તેઓ તેમના છેલ્લા શ્ર્વાસ સુધી આનંદથી મારી સાથે રહ્યા. એમણે મારી સંપૂર્ણ સફળતા જોઇ. મારી હિન્દી ફિલ્મ ‘મૃત્યુદાતા’ રજૂ થયા બાદ એમનું નિધન થયું હતુંં. મારા દીકરાને જે કરવું હતું એ એણે કર્યું, એવી મનમાં શાંતિ લઇને તેમણે આ ફાની દુનિયા છોડી હતી. એમના આશીર્વાદના કારણે જ હું અહીંયાં સુધી પહોંચી શક્યો છું.
મારા જીવનના નિર્ણયોમાં તેમણે ક્યારેય ચંચૂપાત કર્યો નથી. મને જે કામ કરવું હોય એ કરવા માટે મને હંમેશાં પ્રોત્સાહન આપતા. એમણે એમના નિર્ણયો ક્યારેય મારા પર થોપવાની કોશિશ કરી નથી. એમના આ સ્વભાવને કારણે સગાં-સંબંધીઓ તેમને કહેતા કે આવું કરીને તમે તમારા દીકરાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છો. ત્યારે પપ્પા કહેતા કે એ નાનપણથી જ કળાક્ષેત્રે કામ કરે છે, એને એમાં જ કારકિર્દી બનાવવી છે, તો હું એને એ જ દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપતો રહીશ. એ કોઇનું પણ માનતા નહીં. અમારે જે કામ કરવું હોય એ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડતા.
પપ્પાએ ક્યારેય પણ મારા પર ગુસ્સો કર્યો નથી. હંમેશાં મારા પર પ્રેમ જ વરસાવ્યો છે.
મારા પપ્પા એકદમ સાલસ સ્વભાવના અને દિલેર માણસ હતા. લોકોનું ભલું કરવામાં માનનારા હતા. જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાની, કોઇની બૂરાઇ નહીં કરવાની, કોઇ વ્યક્તિ કંઇ નવું કામ શરૂ કરે તો એને પણ પ્રોત્સાહિત કરતા, એને શુભેચ્છા આપતા, એને હિંમત આપતા. એ એમનો સિદ્ધાંત હતો. એમનો એ સ્વભાવ મારામાં પણ આવ્યો છે. એમના સારા સ્વભાવના કારણે ગામના લોકો હજી પણ તેમને યાદ કરે છે.
મારા અને રોશન (મારી પત્ની)નાં લગ્ન પણ એમને કારણે જ સુખરૂપ સંપન્ન થઇ શક્યાં હતાં. હું કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણતો હતો. એ વખતે જ મને રોશન સાથે પ્રેમ થઇ ગયો હતો. મારા ઘરે કોઇ ન હોય ત્યારે હું એને મારા ઘરે મળવા માટે બોલાવતો. એક વાર એવા સમયે મેં તેને મારા ઘરે બોલાવી હતી અને પપ્પાને હાથે અમે પકડાઇ ગયાં. ત્યારે મેં તેમને સમજાવ્યા કે અમે લગ્ન કરવા માગીએ છીએ. રોશનનાં પપ્પા-મમ્મી શરૂઆતમાં અમારાં લગ્નની વિરુદ્ધમાં હતાં, પણ જ્યારે પપ્પાએ એમને સમજાવ્યા કે એ બન્ને જણા એકબીજાને પ્રેમ કરે છે તો લગ્ન પણ કરવા દો. જો આપણે ના પાડીશું અને તેઓ ભાગીને લગ્ન કરશે તો? આપણા બન્ને પરિવારની આબરૂ જશે. એના કરતાં સારું એ છે કે એ બન્ને લોકો લગ્ન કરીને સાથે જીવન વિતાવવા માગે છે, તો આપણે રાજીખુશીથી એમના નિર્ણયને વધાવવો જોઇએ. પપ્પાની આ સલાહ બાદ તેઓ માની ગયા હતા અને અમારાં લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં થઇ શક્યાં. આના માટે હું મારી પત્નીને પણ દાદ આપીશ, કારણ કે મેં એને કહ્યું હતું કે સ્નાતક થયા બાદ જ હું લગ્ન કરીશ. તો એણે ત્રણ વર્ષ સુધી લગ્ન માટે રાહ જોઇ હતી. મારાં લગ્ન બાદ પપ્પા મારાં સાસુ-સસરાને મજાકમાં કહેતા પણ ખરા કે જોયુંને મારી વાત માન્યાં તો તમારી છોકરી સુખી છેને! ઉ

 

RELATED ARTICLES

Most Popular