Homeપુરુષમારા પપ્પા ‘સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિન્કિંગ’માં માનનારા હતા

મારા પપ્પા ‘સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિન્કિંગ’માં માનનારા હતા

પ્રિય પપ્પા… -અમી ત્રિવેદી

મારા પપ્પા એટલે સરળ, મૃદુભાષી, મકક્મ, ઇન્ટેલિજન્ટ, જિદ્દી અને આત્મબળે આગળ આવનાર વ્યક્તિ. ખૂબ જ સાદાઇથી જીવન જીવતા અને દુન્યવી વસ્તુઓનો એમને ક્યારે મોહ રહ્યો નથી. જે મળ્યું છે, જેટલું મળ્યું છે એમાં જ સંતુષ્ટ અને ખુશ રહેતા. તેઓ ‘સિમ્પલ લિવિંગ હાઇ થિન્કિંગમાં માનનારા હતા અને એ જ રીતે તેઓ જીવ્યા પણ ખરા.
અમે કપડવંજના વતની. મારા પપ્પાનો જન્મ ખૂબ જ સાધારણ કુંટુંબમાં થયો હતો. તેથી તેમને પૈસાની મૂલ્ય હતું. મારા દાદા અને મારા પપ્પાના કાકા બન્ને જોડિયા ભાઇઓ હતા. મારા પપ્પાના કાકા હરીહરભાઇ ત્રિવેદી ‘મુંબઇ સમાચાર’માં મેગેઝિન એડિટર પણ રહી ચૂક્યાં છે. પપ્પા જી.ટી. સ્કૂલમાં ભણ્યા અને હરીદાદા સાથે રહેતા હતા. પપ્પા ભણવામાં ખૂબ જ હોશિયાર. ફિઝિક્સ અને મેથેમેટિક્સ એમના ગમતા વિષય. એના માટે એમને ગોલ્ડ મેડલ પણ મળ્યા હતા અને સ્કોલશિપ પર આગળ ભણવા માટે લંડન ગયા હતા. વી.જે.ટી.આઇ. કોલેજથી તેમણે એન્જિનિયરિંગ કર્યું. હતું. મારા દાદા-દાદી મદ્રાસ રહેતાં હતાં, પપ્પા કેટલાંક વર્ષો એમના સાથે જ રહ્યા. ત્યાર બાદ તેઓ મુંબઇ આવ્યાં હતાં. તેઓ એક માત્ર સંતાન હતા. તેથી મારા પપ્પાના કાકી શારદાબા તેમનું ખૂબ ધ્યાન રાખતાં અને પ્રેમ પણ એટલો જ કરતાં. લાડથી તેઓ મારા પપ્પાને બાબો કહીને બોલાવતા. મારા પપ્પા એમના માટે સર્વસ્વ હતા. બાબો કહે એ વાત એમના માટે ‘પથ્થરની લકીર’ બની જતી. મારા પપ્પા પણ એમના ખૂબ જ નજીક હતા અને એ વાતનું ધ્યાન રાખતા કે એમને ક્યારેય દુ:ખ ન થાય. પપ્પા લંડનથી પરત મુંબઇ આવ્યા. મુંબઇ આવીને ટર્નર હૉર કંપનીમાં તેઓ નોકરી લાગ્યા. ત્યાં એમની ઓફિસની ડેસ્ક પર લખેલું હતું કે ‘વર્ક ઇઝ વર્શિપ’ અને મને પણ તેઓ હંમેશાં આ વાક્ય પ્રમાણે વર્તવાની સલાહ આપતા. એમના માટે કામ એ જ પ્રભુભક્તિ હતી. તેઓ કર્મયોગી હતા. તેણે જે. જે. કૃષ્ણમૂર્તિના લેક્ચર્સ અચૂક સાંભળવા જતા અને એમની વાતોને પોતાના જીવનમાં ઉતારતા અને એને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા. એ ખૂબ જ કઠીન હતું. જે. જે કૃષ્ણમૂર્તિના બધાં જ પુસ્તકો હજી પણ મેં મારી પાસે પપ્પાના સંભારણા તરીકે રાખ્યાં છે. પપ્પાએ એ બધાં જ પુસ્તકો વાંચ્યા છે અને ઘણીવાર માટે પુસ્તકમાંની વાતો વિશે મારી સાથે સંવાદ પણ કરતા. તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો. એ ક્યારેય કોઇની વિશે ખરાબ ન વિચારે અને સામેવાળાને બોલવાની પૂરી તક આપે. ક્યારેય કોઇનું અપમાન ન કરે અને જો કોઇ એમનું અપમાન કરે તો ગમ ખાઇ જાય. એની સાથે સામે વિવાદમાં ન ઉતરે. પપ્પાએ સંપૂર્ણ ગીતાનું પઠન કર્યું હતું અને એને પોતાના જીવનમાં આત્મસાત પણ કરી હતી. હું એવું માનું છું કે ગીતાના વાંચનને કારણે જ પપ્પા ‘કર્મયોગી’ બની શક્યા હશે.
એ સમયની એકવાત મને યાદ આવે છે. પપ્પા ટર્નર હૉર કંપનીમાં નોકરી કરતા હતા, ત્યાં એમની ઓફિસમાં ભાષ્યમ નામના એક તમિલ વ્યક્તિ આવતા હતા. એમણે પપ્પાની કામ કરવાની રીત, કામ કરવા પ્રત્યેની તેમની સમર્પણભાવના, સરળ સ્વભાવ, સહકર્મચારી સાથેનો તેમનો વ્યવહાર એ બધુ એ જોતા તેમનાથી અભિભૂત થયા હતા. એના કારણે એમની નવી સ્થપાતી કંપનીમાં મારા પપ્પાને ભાગદારી ઓફર કરી હતી અને કંપની શરૂ કરી. પપ્પા એ કંપનીમાં ક્ધટ્રોલ પેનલની ડિઝાઇન બનાવતા અને એની સર્કિટ્સ પણ બનાવતા. ગોદરેજ કંપની એમનો સૌથી મોટી ગ્રાહક હતી. આપણો દેશ આજના જેટલો ડિજિટાઇઝ ન હતો, ત્યારે મોટા મોટા મશીનોને ઓપરેટ અને ક્ધટ્રોલ કરવા માટે મોટી મોટી પેનલો જોઇતી હતી. થાણેમાં જેટલા પણ વોટરપાર્ક છે એની રાઇડને ક્ધટ્રોલ કરવા માટેની જે પેનલ જોઇએ એ પણ મારા પપ્પાએ ડિઝાઇન કરીને આપી હતી. પપ્પા એમના કામ પ્રત્યે બહુ જ વફાદાર હતા અને તેના કારણે અમારી કંપનીએ સફળતાના શિખરો સર કર્યા હતા. એમની કંપનીના જર્મનીની કંપનીઓ સાથે ખૂબ જ સારા ધંધાકીય સંબંધો હતા. આજે એલએન્ટી કંપની જે સ્વિચગીઅર અને ક્ધટેક્ટર બનાવે છે, એ સૌપ્રથમ અમારી કંપની (સ્ટેટ ઇલેક્ટ્રિકલ)એ બનાવવાની શરૂઆત કરી હતી.
સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રિઝ (એસએસઆઇ)માં એમના ધંધાકીય સફરની શરૂઆત થઇ એ વખતે મારો જન્મ થયો હતો. હું મારા પપ્પા ભૂપેન ત્રિવેદી અને મમ્મી જ્યોતિ ત્રિવેદીનું એકમાત્ર સંતાન છું. મારા પપ્પાએ પોતે ક્યારેય મોજશોખ નથી કર્યા, પરંતુ મને કે મારા મમ્મી માટે કોઇ બાધ્ય નહોતું. તેમની ઇચ્છા હતી કે હું ખૂબ ભણું અને પોતોના પર જ આત્મનિર્ભર બનું. મેં બેન્કિંગ ઍન્ડ ફાઇનાન્સમાં એમ. કોમ. કર્યું છે. હું મુંબઇ યુનિવર્સિટીમાં ટોપર હતી. હું સાન્તાક્રુઝમાં ‘નટનમ’ નામથી ડાન્સ ક્લાસ પણ ચલાવતી. એના વિદ્યાર્થીઓને લઇને મેં ઘણાબધા ટીવી શો કર્યાં છે. મારા કલાસમાં એક છોકરી આવતી, એના દાદાએ મને એક જગ્યાએ નોકરી માટે અરજી કરવાનું કહ્યું. પપ્પાએ પણ મને આગ્રહ કર્યો કે તારે અરજી કરવી જોઇએ અને મેં અરજી કરી. મને કોઇ જ પ્રકારની અપેક્ષા નહોતી કે આ નોકરી મને મળશે. ફક્ત પપ્પાનું મન રાખવા માટે મેં અરજી કરી હતી. ઇન્ટર્વ્યૂ કોલ આવ્યો હતો એ એટેન્ડ કરીને હું મારા નાટકની ટૂર પર જતી રહી. બાદમાં મારા ઘરે મને નોકરી પર હાજર થવા માટેનો પત્ર આવ્યો. એ વખતે વીસ જૂને કોલેજો ખૂલતી હતી અને મારે હાજર થવાનું હતું. મારા પપ્પાએ આ વિશે દિન્યાર કોન્ટ્રાક્ટર સાથે વાત કરી. હું એ ક્યારે નહીં ભૂલી શકું કે એમણે મને ભારત પરત મોકલી. મને ખબર નથી કે આ કોઇ સારા કર્મનું ફળ છે કે ભગવાનની માયા છે પણ દિન્યાર કોન્ટ્રાક્ટરને મારી જગ્યાએ અભિનય કરવા માટે ‘અમી ત્રિવેદી’ નામની જ અભિનેત્રી અમેરિકામાં મળી ગઇ. મારી અને એની જન્મતારીખ પણ લગભગ નજીક-નજીક હતી. ફક્ત ચેહરો અલગ હતો. આ રીતે હું ભારત પરત ફરી અને ૧૯૯૨માં નરસિં મોન્જી કોલેજમાં પ્રોફેસરના પદ પર મેં નોકરી શરૂ કરી. ૧૯૯૨થી લઇને ૨૦૧૮ સુધી ૨૬ વર્ષ સુધી મેં ત્યાં પ્રોફેસર તરીકે નોકરી કરી. એમાં વાઇસ પ્રિન્સિપાલના પદ પર આઠ વર્ષ અને ઇન્ટરીમ પ્રિન્સિપાલના હોદ્દા પર એક વર્ષ સુધી કામ કર્યું. નવ વર્ષ સુધી કોલેજમાં વહીવટી વિભાગમાં કામ કર્યું છે. મારું ગ્રેજ્યુએશન પણ અહીંથી જ થયું છે.
૨૦૧૮માં મેં વીઆરએસ લીધું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ મેં દેવીપ્રસાદ ગોએન્કા મેનેજમેન્ટ કોલેજ ઑફ મીડિયા સ્ટડીઝમાં પ્રિન્સિપાલનું પદ નિભાવી રહી છું.
મારા પપ્પાને સ્ત્રીઓ પ્રત્યે અતિશય માન-સન્માન હતું. તેથી અમારા કુટુંબમાં કે અમારા ઘરમાં કામ કરતી વ્યક્તિ પ્રત્યે પણ એમને ખૂબ જ માન રહેતું હતું. મારાથી ક્યારેક કોઇ ભૂલ થઇ જાય તો અન્ય પિતાની જેમ મારા તેઓ પર ગુસ્સો ન કરતા પણ મને પ્રેમથી સમજાતા. તર્કસંગત સાથે મને સારી રીતે સમજાય એ રીતે તેઓ મારી સાથે વર્તતતા. જ્યારે મારા મમ્મી સાથે મારે એકદમ ઊલટું. હું અને મમ્મી હંમેશાં ઝઘડતાં રહેતાં. પપ્પાને અત્યંત જરૂરી લાગે ત્યારે જ સલાહ સૂચન આપતા.
હું આજે પણ એવું માનું છું કે પપ્પા જે રીતે દરેક વ્યક્તિ સાથે સરળ અને મૃદુભાષી રીતે વર્તી શકતા એ એમના વાંચનના કારણે જ શક્ય બન્યું હતું. એ ગુણ હજુ સુધી મારામાં પણ નથી આવ્યો, પરંતુ હું એમના જેવી થવાની કોશિશ કરી રહી છું. એમના વ્યક્તિત્વની નજીક જવાનો પ્રયાસ કરી રહું છું. એ જે રીતે જીવતા હતા એ રીતે જીવન જીવવાની કોશિશ અને એમના સ્વભાવને આત્મસાત કરવાની અને એમના ગુણોને અનુસરવાનો પ્રયત્ન કરી રહી છું.
જો કે હું દૃઢપણે માનું છું કે એમનો ‘વર્ક ઇઝ વર્શિપ’નો સ્વભાવ મેં જરૂરથી આત્મસાત કર્યો છે. હું મારા કામને પૂરી નિષ્ઠા અને ખંતથી કરું છું. હું એવું માનું છું કે કામ કરો તો પૂરી નિષ્ઠાથી કરો. તમારી ફરજ છે અને તમે કામ કરી રહ્યા છો એમ સમજીને કરવામાં આવેલ કામનો યશ ક્યારેય મળતો નથી. આ બધુ હું મારા પપ્પા પાસેથી નાની ઉંમરથી જ શીખી ગઇ હતી.
આજે હું જે ગુજરાતી બોલી શકું છું, વાંચી શકું છું એ મારા મમ્મી-પપ્પા અને દાદા-દાદીના કારણે જ. હું શાળાએથી ઘરે આવું, ત્યારબાદ મારે એક પાનું ભરીને રોજ ગુજરાતીમાં લખવાનું. એમાં વ્યાકરણ કે ક્રિયાપદોની ભૂલ થાય તો એ મને સમજાવવા અને શીખવાડવામાં આવતી. દર રવિવારે મને ગુજરાતી ભાષા શીખવાડવા માટે ખાસ વર્ગ (ટયૂશન) રાખવામાં આવતું. મારા પપ્પાએ મને પાંચમાં ધોરણ સુધી બાળભારતીના ગુજરાતી પુસ્તકો વાંચવાનો મહાવરો રખાવ્યો હતો. હું મારા પપ્પા-મમ્મીની ખૂબ જ આભારી છું કે એમણે મને મારી માતૃભાષા ખૂબ જ સરસ રીતે શીખવાડી.
મારા પપ્પા બહાર હરવા-ફરવાના શોખીન ન હતા. એમને ઘરમાં રહીને જ વાંચન કરવું એ એમની સમય પસાર કરવાની અતિપ્રિય પ્રવૃતિ હતી. પપ્પા રવિવારે ઘરે હોય તો ઘરમાં આવેલા તમામે તમામ અખબાર એ વાંચી જતા. તેમનાં પુસ્તકો, તેમનું કામથી તેઓ વધારે નજીક હતા. ખોટા ખર્ચા કરવામાં એ માનતા નહોતા, પરંતુ એમની સાથેની કેટલીક યાદો આજે પણ તાજી છે. એકવાર હું પપ્પાને કેરલા ટૂર પર લઇને ગઇ હતી. એ વખતે એમની સાથે વિતાવેલો એ સમય મારા માટે સૌથી યાદગાર સમય હતો, કારણકે જે રીતે આખી ટૂર દરમિયાન અમે ફર્યાં હતાં એ ખરેખર યાદગાર હતું. અમારા છેલ્લા ડેસ્ટિનેશન અથિરાપલ્લીમાં તેમણે કહ્યું હતું કે આ સફર દરમિયાન મેં ખૂબ જ મજા કરી છે. આ બધુ મને વારંવાર યાદ આવે છે. હું જ્યારે પણ તેમને જોઉં છું, ત્યારે કેરલામાં એમની સાથે વિતાવેલો સમય આંખોની સામે તાદૃશ્ય થઇ જાય છે. એમની બીજી એક વાત મારા દીલથી ખૂબ જ નજીક છે. મને અને પપ્પા-મમ્મીને રવિવારે ફિલ્મ જોવા જવાનો બહુ શોખ. અખબારમાં ફિલ્મોની જાહેરાત જોઇને નક્કી કરતાં કે કઇ ફિલ્મ જોવી છે. પપ્પા હિરોને જોઇને કઇ ફિલ્મ જોવી એ નક્કી કરતા. એ વખતે આજના જેમ મલ્ટીપ્લેક્ષ નહોતા. થિયેટરમાં જઇને ટિકિટ બૂક કરાવવી પડતી. મોટાભાગે અમે ટિકિટ અગાઉથી બૂક નહોતા કરાવતા. ઘણીવાર શો હાઉસફૂલ થઇ જાય અથવા જે શોમાં જોવું હોય એના કરતા પછીના શોની ટિકિટ મળતી હોય, ત્યારે બ્લેકમાં ટિકિટ ખરીદવી પડે. હું ટિકિટ માટે ફાંફા મારતી હોઉં પણ તેઓ એવું નહોતા કરતા. મને યાદ છે કે ઘણીવાર આવા સમયે પપ્પા ટિકિટ બારી પાસે જઇને ઊભા હોય અને કોઇને કોઇ વ્યક્તિ એમને મળી જાય જે એમને ટિકિટ આપી દેતો. કોઇકવાર એમને ના ગમતું હોય તો પણ અમારું મન રાખવા માટે તેઓ અમારી સાથે આવતા. હું આ યાદોમાં જીવવા માગું છું.
શરૂઆતમાં નાટયપ્રવૃતિ એ મારા માટે શોખ હતો, નહીં કે વ્યવસાય. નાનપણથી વેકેશનની રજાઓમાં અન્ય બાળકોની જેમ રમત-ગમતની પ્રવૃતિઓમાં બહુ રસ નહોતો. તેમ જ મારા પપ્પા-મમ્મી મને કંઇને કંઇ નવું શીખવાડતાં રહેતાં. શાળામાં મમ્મી મને નૃત્યશાળામાં લઇ જતાં. એમણે મને બોન્ગો, ગીટાર જેવા જુદાં-જુદાં વાજિંત્રો વગાડતા શીખવ્યું, હારમોનિયમની સાથે ગાતાં શીખવ્યું. એના કારણે હું સતત કાર્યશીલ રહેતી. ધોરણ દસના લાંબા વેકેશન
દરમિયાન બાલકન-જી-બારીમાં પપ્પાએ મને ઍડમિશન અપાવ્યું હતું, ત્યાં હું કુકિંગ, બેડમિન્ટન વગેરે શીખતી. માટુંગામાં રાજરાજેશ્ર્વરીમાં ભરતનાટ્યમ શીખવા જતી. કલ્યાણ સુંદરમ પિલ્લાઇ મારા ગુરુ છે. એમના માર્ગદર્શન હેઠળ હું ભરતનાટ્યમ શીખી. એમની સાથે દેશ-વિદેશમાં ઘણા બધા શો કર્યા.
પંદર વર્ષની ઉંમરે શોખની રીતે બાળનાટકોમાં અભિનય કરવાની તક મળી. એ વખતે પ્રાગજી ડોસાના બાળનાટકો માટે ઑડિશનની જાહેરાત આવી હતી. મેં ઓડિશન આપીને નટખટ જયુના બાળનાટકોથી અભિનય કરવાની શરૂઆત કરી. વેકેશનમાં કઇક નવું શીખવા મળે અને મારા સમયનો સારી રીતે સદુપયોગ થઇ શકે એ માટે મેં બાળનાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી. મેં ‘ટકો મૂંડો ટાઉ ટાઉ’ નાટક કર્યું હતું. એમાં દિન્યાર કોન્ટ્રાક્ટર લીડ રોલમાં હતા. તેમણે મારી અભિનય ક્ષમતા જોઇને સૌપ્રથમ તેમના પ્રોડક્શન હાઉસમાં અભિનય કરવા માટે ઓફર કરી. એના માટે મારા પપ્પા-મમ્મીની પરવાનગી જરૂરી હતી. તો તેઓ મારા પપ્પા-મમ્મીને મળ્યા અને એ અમારા કૌટુંબિક મિત્ર બની ગયા. પપ્પાએ મંજૂર આપતા મારા મેઇન સ્ટ્રીમ નાટકોમાં અભિનય કરવાના સફરની શરૂઆત થઇ. મારું સૌપ્રથમ નાટક ‘પ્રતિકાર’ હતું. મારું ભણવાનું ચાલુ હતું એના કારણે મેં દિન્યાર કોન્ટ્રાક્ટરના પ્રોડક્શન સિવાય અન્ય કોઇ પ્રોડક્શનમાં કામ કર્યું નથી. આ બધા માટે મારા પપ્પાએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. મારા પોતાના પ્રોડક્શન હાઉસ શરૂ કરવા માટે પણ પપ્પાનું નૈતિક સમર્થન ખૂબ જ હતું. તેઓ મારી તાકાત હતા. એ વખતે મારાં લગ્ન પણ થઇ ગયાં હતાં. મારા સાસુ ડૉ. ધૈર્યબાળા વોરા, મારા સસરા પ્રાણલાલ વોરા અને મારા પતિ હેમંત વોરાએ પણ મને મારા કામમાં ખૂબ જ સપોર્ટ આપ્યો હતો. મારા પતિનો તો ખૂબ જ સર્પોટ હતો. તેઓ ખૂબ જ જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હતા, તેમ છતાં મારા પ્રથમ નાટક સમયે તેઓ ખભેથી ખભો મીલાવીને મારી સાથે ઊભા રહ્યા હતા. એમણે જ મને મારું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવા માટે મને ઇજન આપ્યું હતું. મારા મમ્મી-પપ્પાને મારું નામ ‘અવની’ પાડવું હતું. તેથી એ જ નામથી મેં મારું પોતાનું પ્રોડક્શન શરૂ કર્યું. એમણે ક્યારે મારા કામ માટે રોકટોક કરી નથી. હું એવું કહીશ કે આ બન્ને કુટુંબના કારણે જ આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચી શકી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular