મારા પપ્પા જ મારા હીરો

પુરુષ

પ્રિય પપ્પા… – મીનાબહેન ઘીવાળા

હું મારાં માતા-પિતાનું નવમું સંતાન છું તો પપ્પાની શરૂઆતની જિંદગી વિષે મારાં સૌથી મોટાં બહેન અને ફેમિલીમાં જે જૂની વાતો થાય એના દ્વારા જ મને ખબર છે. મારો જન્મ મુંબઈમાં થયો છે. પપ્પાનો જન્મ સૌરાષ્ટ્રના જટવા ગામમાં થયો હતો. પપ્પાનું નામ ચુનીલાલ મણિલાલ શાહ. પપ્પાનો ઘીનો ધંધો હતો તેથી અમારી અટક ઘીવાળા પડી ગઈ. માત્ર છ વર્ષની ઉંમરે જ મારા દાદાનું નિધન થયું હતું, તેથી મારાં દાદી મારા પપ્પા અને કાકાને લઈને મહેમદાવાદ શિફ્ટ થયાં. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવવાને કારણે એમનું બાળપણ ખૂબ જ તકલીફોમાંથી પસાર થયું હતું. મારા પિતાની ભણવાની બહુ ઈચ્છા હતી, પણ તે પૂરી થઇ શકી નહોતી, કારણ કે નાની ઉંમરમાં જ ઘરની આર્થિક જવાબદારી તેમના માથા પર આવી પડી હતી. તેમ છતાં એ પોતાની જાતને દરેક બાબતથી અપડેટેડ રાખતા. તેમણે ખેડામાં એક ઘીવાળા વેપારીની દુકાને નોકરી શરૂ કરી અને મારાં દાદી ઘરમાં રહીને બીડી બનાવવાનું કામ કરતાં. યુવાવસ્થાની શરૂઆતમાં જ પૈસા કમાવાના સપના સાથે તેમણે મોહમાયી નગરી મુંબઈમાં પગ મૂક્યો. તળ મુંબઈમાં કુંભારવાડામાં એક જ રૂમમાં બીજા ચાર-પાંચ છોકરાઓ સાથે રહેવાનું શરૂ કર્યું. મુંબઈમાં અથાગ પરિશ્રમ કરીને આખરે ઘીના ધંધાનો અનુભવ હતો એટલે એ શરૂ કર્યો. તેમણે બ્રોકર તરીકે શરૂઆત કરી હતી. એમનું ઘી બજારમાં એટલું મોટું નામ થઇ ગયું હતું કે લોકો એમને ઘીવાળા તરીકે જ ઓળખવા લાગ્યા અને અમારી અટક જ ઘીવાળા પડી ગઈ. તળ મુંબઈમાં સિક્કાનગરમાં એક દુકાન લીધી અને ત્યાંથી એમણે પોતાનો ઘીનો ધંધો શરૂ કર્યો. એમનું મિત્રવર્તુળ ખૂબ જ મોટું હતું એના કારણે એમણે શેરબજારમાં પણ ઝંપલાવ્યું. ધંધામાં સેટ થયા બાદ તેમણે મારાં મમ્મી સાથે લગ્ન કર્યાં. મમ્મીનું નામ સરલાબહેન. મારાં મમ્મી વઢવાણનાં. મારા પપ્પાને ઘણી બધી તકલીફો હોવા છતાં એમના મિત્રવર્તુળમાં અને અમારા સમાજમાં એમનું ખૂબ જ માન અને વર્ચસ્વ હતું. એ એમનું બોલેલું હંમેશાં પાળતા. આ સંદર્ભે મને બે કિસ્સા યાદ છે. તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે ખેતવાડીમાં ઝવેરી બિલ્ડિંગમાં અમારાં દૂરનાં કાકા-કાકી રહેતાં હતાં. એમનું નામ શાંતિકાકા અને શારદાકાકી. કાકા મૂળ મહેમદાવાદના હતા એટલે મારા પપ્પા શાંતિકાકાને ત્યાં જમવા માટે જતા. તેઓ પપ્પા માટે એકદમ નજીકના સંબંધી હતા. એક વડીલની જગ્યાએ હતા. શાંતિકાકાના અંત સમયે એમને સતાવતી કોઈ ચિંતાના કારણે જીવ નહોતો નીકળતો. ત્યારે પપ્પા બહારગામ હતા. એમને તાત્કાલિક બોલાવવામાં આવ્યા. તેઓ શાંતિકાકાની તબિયત જોઈને સમજી ગયા અને પપ્પાએ તેમના કાનમાં કહ્યું કે તમારા છોકરાઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહિ પડવા દઉ. હું એમનું ધ્યાન રાખીશ. આટલું સાંભળીને શાંતિકાકાએ દેહ છોડ્યો. આવી જ પરિસ્થિતિ મારા પપ્પાના કાકાની પણ થઇ હતી. તે વખતે પણ પપ્પાએ કાકાને જઈને કહ્યું હતું કે તારા બંને દીકરા રમેશ અને જયંતી એ સૌપ્રથમ મારા દીકરાઓ, એમના પછી મારાં પોતાનાં સંતાનો. આટલું સાંભળ્યા બાદ એમના કાકાએ દેહ છોડ્યો હતો. ત્યાર બાદ પપ્પા એમનાં કાકી કે જેમને અમે કાકીમા કહેતાં એમને અને મારા બંને કાકાને લઈને મુંબઇ આવ્યા. મારા પપ્પાએ એમને અમારી સાથે જ રાખ્યાં. મારા બંને કાકાઓને ધંધામાં સેટ કર્યા અને તેમનાં લગ્ન પણ કરાવ્યાં. આ રીતે પપ્પાએ એમના કાકાને આપેલું વચન અક્ષરશ: પાળી બતાવ્યું. આ બંને કાકા અમારા સગા કાકા કરતાં વધારે નજીક હતા. અમે બધા ખેતવાડીમાં એક જ ઘરમાં રહેતાં હતાં. અમે લોકો એટલા બધા હળીમળીને અને સંપીને રહેતાં હતાં કે મને ઘણાં વર્ષો પછી ખબર પડી કે આ મારા સગા કાકા નથી.
પપ્પા શેરબજારમાંથી બહુ પૈસા કમાયા એટલે પૈસાની છૂટ હતી. એ સમયે પપ્પા પાસે સાત ડબલ બ્રેસ્ટ્રેડ સૂટ હતા. એ પહેરીને જ તેઓ ઓફિસે જતા. એમની એક ખાસિયત જણાવું કે એ લોકો સાથે કેવી રીતે સંબંધો વધારતા. મારા પપ્પા ક્યારેય ધૂમ્રપાન કરતા નહોતા, પણ એમની પાસે હંમેશાં સિગારેટ કેસ અને લાઇટર સાથે જ હાય. એ સિગારેટ સળગાવીને હાથમાં પકડી રાખતા. વાતની શરૂઆત કરતા અને સામેવાળાને સિગારેટ ઑફર કરીને એની સાથે દોસ્તી વધારતા. એવું પણ કહી શકાય કે તેઓ બહુ જ સ્ટાઈલિશ પણ હતા. અમારી પાસે મોરિસ ગાડી પણ હતી. મારા મોટા ભાઈ અને મોટી બહેન કહેતાં કે પપ્પાએ ખૂબ જ કપરા દિવસો પસાર કર્યા હતા, પણ તેઓ એમનાં સંતાનોને દરેક પ્રકારનું સુખ આપવા માગતા હતા. જેટલા પણ લોકો એમના પર નિર્ભર હતા એ બધાનું ધ્યાન એમણે રાખ્યું હતું.
હું લૉનું ભણતી હતી એ સમયે પપ્પાનો દેહાંત થયો હતો. પપ્પાથી વધારે મને કોઈ ઇમ્પ્રેસ કરી શક્યું નથી. મારા
માટે કોઈ પણ સમસ્યાનો માપદંડ એ જ કે આવી પરિસ્થિતિમાં મારા પપ્પા શું કરત? એ જ મારે કરવાનું.
હું ઘરમાં સૌથી નાની એટલે હું એમની સૌથી લાડકી દીકરી. પપ્પા પોતે ભણી નહોતા શક્યા એટલે એમની એવી ઈચ્છા ખરી કે મારું દરેક સંતાન ભણતર વગર ન રેહવું જોઈએ. પપ્પાએ ક્યારેય દીકરા-દીકરીનો ભેદભાવ નહોતો કર્યો. અમારા ઘરમાં બધા જ વેલ એજ્યુકેટેડ છે.
અમે ચાલી સિસ્ટમમાં રહેતાં હતાં. એ જમાનામાં ચાલી સિસ્ટમમાં પણ પોતાનું ઘર હોવું એ બહુ મોટી વાત હતી. ત્યાં પણ પપ્પાનો દબદબો રહેતો હતો. દરેક લોકો એમને માનની નજરે જોતા. પપ્પા ઘરની બહાર પાવડી પહેરીને નીકળે ત્યારે આજુબાજુનાં ઘરની તમામ સ્ત્રીઓ માથે ઓઢીને એમની માન અને મર્યાદા જાળવતી. ચાલમાં કુલ બાવન રૂમો હતી. એ તમામમાં સૌથી વધારે માન અને મોભો મારા પપ્પાનો હતો. એમની બહાદુરીના પણ ઘણા કિસ્સા છે. પપ્પા હિમ્મતવાળા પણ એટલા જ. એ વખતે કોમી રમખાણો બહુ થતાં તો પપ્પા એકલા આખી રાત ચાલની બહાર લાકડી લઈને બેસતા અને ચાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની જાય એનું ધ્યાન રાખતા.
મારી કોઈ પણ ભૂલ થાય તો પપ્પા મને બહુ માર મારતા. ચાલીમાં બધા છોકરાઓ ભેગા મળીને રમતા હોય. હું નાનપણથી જ ટોમ બોય પ્રકારની. હું પણ એ છોકરાઓ સાથે રમતી હોઉં અને ઘણી વાર એમની સાથે મારામારી પણ કરી લઉં. ફક્ત પપ્પાનો આવવાનો સમય થાય એ વખતે ભાગીને ઘરે જતી રહું. હું પહેલાંથી જ રાઉડી તો ખરી. હું અમારા બિલ્ડિંગની ક્રિકેટ ટીમની કેપ્ટન હતી. એમાં એક વખત રમતાં રમતાં કોઈ છોકરી મને મારીને ભાગી તો એ વખતે મારા મોઢામાંથી એકદમ ગંદી ગાળ નીકળી. પપ્પા એ વખતે ઘરે હતા અને સાંભળી ગયા. તેઓ બહાર આવીને મારો કાન પકડીને મને સીધા ઘરમાં લઇ ગયા. પોતે સોફા પર બેઠા. મને સામે ઊભી રાખી અને મારા બંને પગની જાંઘ પર જોરથી ત્રણ ચૂંટલા ભર્યા. એ ચૂંટલાની અસર એક અઠવાડિયા સુધી રહી હતી, પણ પપ્પાની આપેલી એ શિક્ષાના કારણે ત્યાર બાદ મેં જીવનમાં ક્યારેય ગાળ તો શું, ‘સાલા’ શબ્દપ્રયોગ પણ નથી કર્યો.
મારાં સૌથી મોટાં બહેન સુસ્મિતાબેન છે એ મારે માટે મારાં સેક્ધડ મધર. નાનપણમાં એ જ મારું બધું ધ્યાન રાખતાં હતાં. મને નાનીથી મોટી કરવાવાળાં પણ એ જ. મને નાનપણથી જ ઢીંગલીઓ સાથે રમવું ગમ્યું નથી. હું હંમેશાં ક્રિકેટ, ગિલ્લીદંડા વગેરે રમતો જ રમતી. મારી પાસે ઢીંગલી સિવાયનાં અન્ય તમામ રમકડાં હોય. પપ્પાએ પણ છોકરા-છોકરી વચ્ચેનો ભેદ ક્યારેય રાખ્યો નહોતો. અમારે જે કરવું હોય એ કરવા દેતા. હું જ્યારે કોલેજમાં ભણતી હતી એ વખતે કોલેજમાંથી નીકળીને ધમાલ મસ્તી કરતાં કરતાં હું ક્યારેક સાત વાગે ઘરે આવતી, ક્યારેક રાત્રે આઠ વાગ્યે ઘરે આવતી. આજથી ૪૦ વર્ષ પહેલાં એક છોકરીનું સાંજે ૬ વાગ્યા પછી ઘરની બહાર રહેવું એ બહુ મોટી વાત હતી. મમ્મીને આ વાતની ખબર પણ પપ્પાને નહોતી. પપ્પાનો ગુસ્સો બહુ ખરાબ એટલે મમ્મી મને એમનાથી બચાવતી રહેતી. અચાનક એક દિવસ પપ્પાને એ વાતની ખબર પડી ગઈ કે હું ઘરે મોડી આવું છું. ત્યાર બાદનું દૃશ્ય હું જિંદગીભર નહિ ભૂલી શકું. એમણે મને એમની પાસે બેસાડી અને કહ્યું, ‘જો બેટા, દીકરીની ઇજ્જત એ બાપની ઇજ્જત. દીકરીની ઇજ્જતને જલદીથી બટ્ટો લાગે છે. આજદિન સુધી તારા બાપાએ ઘણા સારા-નરસા દિવસો જોયા છે, પણ ઇજ્જત પર કોઈ જ આંચ આવવા દીધી નથી. આજ પછી હું તને કોઈ દિવસ નહિ પૂછું કે તું ક્યાં હતી અને કેટલા વાગે આવી, પણ એવું એક પણ કામ ન કરતી કે જેથી તારા બાપાની ઇજ્જત પર બટ્ટો લાગે. તારે જે રીતે જીવવું હોય એ રીતે જીવવા માટે મારા તરફથી છુટ્ટી છે.’ એ દિવસ પછી પપ્પાએ મને ક્યારેય આ વિષે પૂછ્યું નથી.
મારાં લગ્નની વાત કરું તો મને નાનપણથી જ લગ્ન કરવાની ઈચ્છા નહોતી, પરંતુ એ વાત મેં પપ્પાને કરી નહોતી અને બીજું એવું હતું કે અમે સાત ભાઈ-બહેન. એમાં હું સૌથી નાની. (પહેલા એક બહેન અને એક ભાઈ ગુજરી ગયાં હતાં.) એ વખતે એવું હતું કે જ્યાં સુધી મોટાં ભાઈ-બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી એનાથી નાનાં ભાઈ-બહેનનાં લગ્ન ન થાય. મારાં લગ્નનો નંબર આવવાની બહુ વાર હતી. એ પહેલાં જ પપ્પા ગુજરી ગયા એટલે મારાં લગ્ન માટે પપ્પા તરફથી કોઈ જ દબાણ નહોતું. મેં બી.એ., એલએલ.બી., એલ.એલ.એમ. કર્યું. કાયદામાં હું માસ્ટર સુધી ભણી છું. બધાં ભાઈ-બહેનનાં લગ્ન થાય ત્યાં સુધી મારે શું કરવાનું? હું ભણવામાં બહુ હોશિયાર હતી એને બહાર રખડવાનું મળે એટલે ધ્યાન અભ્યાસ પર જ લગાવી દીધું. પપ્પાના નિધન બાદ મારા મોટા ભાઇ (સુનીલભાઇ)એ મારાં લગ્ન માટે ઘણી કોશિશ કરી હતી, પણ મારાં લગ્ન ન કરવાના નિર્ણયને કારણે એ શક્ય ન બન્યું.
મને જીવનના જેટલા પણ બોધ મળ્યા છે એ હંમેશાં પપ્પા પાસેથી જ મળ્યા છે. એમને હસાવી શકે કે ગુસ્સામાંથી બહાર લાવી શકે તો એ એકમાત્ર હું હતી. પપ્પા લકવાગ્રસ્ત થયા પછી મારી સાથે બહુ વાતો કરતા. એમની એ વાતોમાંથી મને ઘણું બધું શીખવા મળતું. પપ્પાએ હંમેશાં પ્રામાણિકતા અને નિષ્ઠાથી જ ધંધો કર્યો છે.
મીડિયા લાઈનમાં મારો પ્રવેશ એક અકસ્માત હતો. નિર્માતા-દિગ્દર્શક લતેશ શાહ મારી સાથે કોલેજમાં હતા. કોલેજમાં અમારું થિયેટરનું એક ગ્રુપ હતું. એ વખતે હું નાટકોમાં પ્રોડક્શનનું કામ સંભાળતી. લતેશ દૂરદર્શન માટે ‘યસ સર’ નામથી એક સિરિયલ બનાવવા જઇ રહ્યો હતો. મારી કાબેલિયત પર વિશ્ર્વાસ કરીને એ સિરિયલનું પ્રોડક્શનનું કામ મને સોંપ્યું અને એણે જ મને પ્રોડક્શનનું બધું કામ શીખવાડ્યું. ત્યાર બાદ ધીરે ધીરે મેં માર્કેટિંગનું કામ શરૂ કર્યું. લતેશના ‘ચિત્કાર’ નાટકનું પ્રોડક્શન અને માર્કેટિંગનું કામ કરતા સમયે નીલેશ મહેતા અને દીપક સોમૈયાની ઓળખાણ થયેલી. બાદમાં એમની સાથે ભાગીદારીમાં ‘બ્રહ્મા વિઝન’ નામની કંપની શરૂ કરી, જેમાં દીપક સોમૈયા પ્રેસની એડનું કામ સાંભળતા, નીલેશ મહેતા એમને ક્રિયેટિવલી મદદ કરતા અને હું એમનું એડમિન સંભાળતી. નિર્માતા તરીકે મારી પહેલી સિરિયલ ‘સપનાંના વાવેતર’ હતી, જેમાં શોભના દેસાઈ, વિપુલ શાહ અને નીલેશ મહેતા મારા સાથે નિર્માતા હતાં. મુંબઈ દૂરદર્શન પર ડીડી-૨ પરની ‘એક શૂન્ય શૂન્ય’ સિરિયલથી માકેટિંગની શરૂઆત કરી હતી. એ વખતે દૂરદર્શન ડીડી-૨ પર સાતેસાત દિવસ જેટલી પણ સિરિયલ આવતી એ બધીનું માર્કેટિંગ હું કરતી હતી. સિરિયલના માર્કેટિંગમાં અમારી કંપનીનું દેશભરમાં ખૂબ જ મોટું નામ થઇ ગયું હતું. એમાં મને નિર્માતા બનવાનો મોકો મળ્યો. ઝી ટીવીની ‘એલ ટીવી’ નામની ચેનલમાં સ્લોટ લેવા માટે અમને બોલાવવામાં આવ્યાં. ત્યાં વિપુલ શાહ અને શોભના દેસાઈને પણ બોલાવવામાં આવ્યાં હતાં. બધા સ્લોટ અમારી પાસે હતા એટલે એમને કોઈ પણ સ્લોટ મળ્યો નહિ. શોભના દેસાઈની સાથે મારે જૂના સંબંધો. ત્યાર બાદ વિચાર્યું કે સાથે મળીને જ કામ કરીએ તો. એ લોકોની ખૂબી પ્રોડક્શનમાં હતી અને અમારી એક્સપર્ટી માર્કેટિંગમાં હતી. આ રીતે ‘સપનાંના વાવેતર’નાં બીજ રોપાયાં. એ વખતે એવું વિચાર્યું કે કાં તો નાનું કામ કરીને થોડા પૈસા કમાઓ અથવા એવું મોટું કામ કરો કે બધાની આંખ પહોળી થઇ જાય. મોટી સિરિયલનો ખર્ચો પોસાય એમ નહોતો એટલે આ સિરિયલને ગુજરાતીની સાથે સાથે હિન્દી ભાષામાં પણ શૂટ કરી. જે પાછળથી ‘એક મહેલ હો સપનોં કા’ નામથી પર પ્રસારિત થઇ. જો મારી માહિતી સાચી હોય તો કદાચ આ સિરિયલ ભારતની સૌપ્રથમ ડેઇલી શોપ હતી કે જેણે એક હજાર એપિસોડ પૂરા કાર્ય હોય. નાનપણથી જ મારી ઈચ્છા હતી કે હું ધંધો કરું. હું મોટી સફળતાનાં સપનાં સેવતી હતી અને જે પૂરાં પણ કર્યાં. એ વખતે શું કરવું એ ખબર નહોતી પણ મને એટલી ખબર હતી કે હું સેલ્સ અને માર્કેટિંગમાં સ્ટ્રોંગ છું તો આ કામ કરવું. પ્રામાણિકપણે કહું તો લતેશ સાથે જ્યારે હું નાટ્યજગત સાથે સંકળાઈ ત્યારે જ મને ખબર પડી કે મારે આ જ કામ કરવું જોઈએ, કારણ કે મને આ કામ કરવામાં આનંદ આવે છે.
હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે મેં જે પણ મહેનત કરી એનું ફળ મને મળતું ગયું. મારા પપ્પાએ મારામાં જે જોમ ભર્યું છે, એનું તો કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. મારા જીવનમાં નિરાશાની પળો પણ આવી, પરંતુ એ સમયે પપ્પાએ આપેલી સ્ટ્રેન્થના કારણે હું સુખરૂપ એમાંથી ઊગરી શકી છું.
મારા પપ્પા એ મારા હીરો. મારાં મમ્મી ભગવાનના માણસ. ભણેલાં નહોતાં પણ ગણેલાં હતાં. લાગણીશીલ પણ ખૂબ જ. મારા પર પપ્પાની અસર વધારે થઇ છે. લોકો પણ કહે છે કે હું દેખાવમાં મમ્મી જેવી છું પણ સ્વભાવે પપ્પા જેવી છું. સામાન્ય રીતે આપણને વાગે તો મોઢામાંથી ‘ઓ મા’ નીકળી જાય પણ મારા મોઢામાંથી ‘ઓ બાપુજી’ જ નીકળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.