લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગની એક નહીં આટલી છે ફોર્મ્યુલા
મુંબઈઃ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે ખુલ્લેઆમ મોરચો કાઢવા માટે દેશમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ એક થયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષો પણ એકસાથે ચૂંટણી લડવાના મૂડમાં છે ત્યારે સીટ શેરિંગ મુદ્દે મતભેદ જણાય છે. સીટ શેરિંગ મુદ્દે એક નહીં ચાર ફોર્મ્યુલાની વિચારણા કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે, પરંતુ અત્યારથી રાજકીય ગઠબંધન અને સમીકરણ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ગઠબંધનવાળી એમવીએ બેઠકની વહેંચણી મુદ્દે એક નહીં ચાર ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે. ત્રણેય પક્ષે પોતપોતાની ફોર્મ્યુલા ઘડી કાઢી છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના જૂથ વતીથી મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીમાં 18 બેઠક છે, જે મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય 18 અને દાદરા નગર હવેલી સહિત 19 લોકસભાની બેઠક ફરી જીતશે, તેથી આ બેઠક પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) આ બેઠક પર દાવેદારી નોંધાવી છે, જે 2019માં લોકસભામાં જીત્યા હતા. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોએ રાજ્યની 48 લોકસભાની બેઠકમાં 25 બેઠકની વહેંચણી મુદ્દે ચર્ચા કરવી જોઈએ. આ બધી એ સીટ છે, જ્યાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોએ ગયા વખતે જીત્યા હતા. 23 સીટની વાત કરવાનું જરુરી નથી. જોકે, ગયા વખતે 18 બેઠક પર શિવસેના, ચાર બેઠક પર એનસીપી અને એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. અલબત્ત, 48 બેઠકમાંથી 23 સીટની વાત કરવી જોઈએ નહીં, એવું તેમણે જણાવ્યું હતું.
શિવસેના અને એનસીપીથી અલગ ફોર્મ્યુલા કોંગ્રેસે બતાવી છે, જેમાં સીટ શેરિંગ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીના ઉમેદવાની જીતવાની ક્ષમતા વધારે હશે તેને ભાજપ સામે ચૂંટણી લડવા ઉતારવો જોઈએ. દરમિયાન કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં કોઈ મોટો કે નાનો ભાઈ નથી. આ ગઠબંધન એક નહીં, ત્રણ પક્ષનું છે. સીટ શેરિંગ મુદ્દે હજુ સુધી કોઈ વાત થઈ નથી, પરંતુ આ મુદ્દે અમારું માનવું છે કે જે પાર્ટીનું જેટલું મજબૂત પીઠબળ હશે તેને એટલી સીટ પર ચૂંટણી લડવી જોઈએ.
બીજી બાજુ મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત એકનાથ શિંદેની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવાની બાબત છે, પરંતુ સીટ શેરિંગ મુદ્દે કોઈ ઉત્સુકતા જોવા મળતી નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48 લોકસભાની સીટ છે. 2019ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે રહીને ચૂંટણી લડ્યાં હતા, જ્યારે કોંગ્રેસ અને એનસીપી સાથે હતા. રાજ્યની 48 બેઠકમાંથી ભાજપને 25 બેઠક ચૂંટણી લડીને 23 જીત્યું હતું, જ્યારે શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડીને 18 બેઠક પર જીત્યું હતું. કોંગ્રેસ અને એનસીપી સાથે રહીને ચૂંટણી લડ્યા હતા, જેમાં 25 બેઠક પરથી કોંગ્રેસ લડીને એક જ બેઠક પર જીત થઈ હતી, જ્યારે એનસીપી 19 બેઠકમાંથી ચાર જીત્યું હતુ, જ્યારે એનસીપીને એક વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું હતું.