દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. દરેક લોકોના હૃદયમાં દેશપ્રેમનો નારો છે. એવા સમયે દેશભક્તિનો અનુભવ કરવા તમારે આ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.

જલિયાનવાલા બાગ

જલિયાનવાલા બાગ એ બ્રિટિશ ઈન્ડિયાનું એવું કુખ્યાત સ્થળ છે, જ્યાં 13 એપ્રિલ 1919 ના રોજ હજારો અહિંસક પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી. આ સ્થળ ચોક્કસ તમને ભારતની આઝાદી માટે જીવ ગુમાવનારા લોકો વિશે વિચારવા માટે મજબૂર કરશે. તમામ મૃતકોના માનમાં આ પાર્કને હવે રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવી દેવામાં આવ્યો છે. બગીચાને દિવાલો પર હજી પણ ગોળીઓના નિશાન જોઈ શકાય છે.

 

ઝાંસીનો કિલ્લો

ઝાંસીનો કિલ્લો એ 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામનું પ્રતિકાત્મક સ્મારક છે. ઝાંસીની મહાન રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે બહાદુરી પૂર્વક લડ્યા હતા. જ્યારે તેમનો કિલ્લો કબજે કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના રાજ્ય માટે લડતા લડતા વીરગતિ મેળવી હતી. બ્રિટિશરો દ્વારા કિલ્લા પર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આજે તે એક મહત્વપૂર્ણ સ્મારક છે અને ભારતની સ્વતંત્ર માટેની લડાઈનું સાક્ષી છે.

 

દાંડી

સુરત નજીક આવેલું દાંડી ભારતમાં મીઠાના ઉત્પાદનનું કેન્દ્ર છે અહીંથી 1930 માં મહાત્મા ગાંધીજીએ પ્રખ્યાત દાંડીકૂચ સત્યાગ્રહ કર્યો હતો. આઝાદીની અહિંસક લડતમાં હજારો લોકોએ ગાંધીજીને સાથ આપ્યો હતો. આ સ્થળ નોંધપાત્ર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમા ચિન્હરૂપ છે.

 

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ એ સ્થાન છે જ્યાં 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીને ગોળી મારવામાં આવી હતી. ભારતની આઝાદી પછી ગાંધીજી અહીંના પવિત્ર મેદાનોમાં રહેતા હતા. ગાંધીજીની અંગત ચીજવસ્તુઓ અહીં કાળજીપૂર્વક સાચવવામાં આવી છે અને તેમના જીવન સાથે સંબંધિત અન્ય સંસ્મરણો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

 

કારગિલ યુદ્ધ સ્મારક

કારગિલ યુદ્ધ સ્મારક ભારતીય સેના દ્વારા કારગિલ યુદ્ધના શહીદોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે તમે અહીંની મુલાકાત લો છો ત્યારે તમે અહીં રેતીના પથ્થરની દિવાલ પર કોતરેલા તમામ શહીદોના નામ જોઈ શકો છો. દેશના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળો પૈકીના એક કારગિલ યુદ્ધ સ્મારક પર દેશ માટે પોતાનો જીવ ગુમાવનારા સૈનિકો માટે સન્માનની ભાવના જાગૃત થાય છે અને તમારા હૃદયમાં દેશભક્તિની એવી ભાવના જાગે છે જે પહેલા ક્યારેય ન હતી.

 

જેસલમેર બોર્ડર

જેસલમેર સરહદ ભારતને પાકિસ્તાનથી વિભાજિત કરે છે અને જો તમે આ સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ નો અનુભવ કરવા માંગતા હો તો જેસલમેર બોર્ડર એક રોમાંચક સ્થળ છે લોંગેવાલા અને તનોટ બોર્ડર પોસ્ટ્સ, જેસલમેર વોર મ્યુઝિયમ અને ઇન્દિરા ગાંધી કેનાલ અહીંના મુખ્ય આકર્ષણ છે અહીં કોઈ પણ વ્યક્તિ આપણા દેશની રક્ષા કરનારા ભારતીય સૈનિકોને મળી શકે છે.

 

બૈરાકપુર, પશ્ચિમ બંગાળ

આપણે બધા જાણીએ છીએ કે 1857ના રાષ્ટ્રીય બળવાની શરૂઆત પશ્ચિમ બંગાળના બૈરાકપુરથી થઈ હતી. એક ભારતીય સિપાહી મંગલ પાંડેએ બ્રિટિશર્સ સામે યુદ્ધની ઘોષણા કરી અને ત્યારબાદ દેશભરમાં બળવા અને જાગૃતિની શરૂઆત થઇ હતી. અંગ્રેજોએ આ બળવાને દમનપૂર્વક દબાવી દીધો હતો પરંતુ લોકોની દેશદાઝ અને દેશ પ્રત્યેના પ્રેમને તેઓ દબાવી શક્યા ન હતા.

Google search engine