સંગીત-નૃત્યકળા જીવનમાંં રસ ઉત્પન્ન કરે છે

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો
બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. શિવજીને તમે આ દુનિયાના સહુ પ્રથમ શિક્ષક કહી શકો. શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટ ને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.

પદાર્થ પાઠ ૪
સંગીત-નૃત્યકળા જીવનમાં રસ ઉત્પન્ન કરે છે
એકલું અક્ષરજ્ઞાન
માત્ર ગંભીરતા લાવે છે, સાથે કળાઓ શીખવી કે માણવી પણ જરૂરી છે. શુષ્ક ગદ્યમાં જ્યારે કવિતા કે

ગીત-સંગીત-નૃત્યરૂપી પદ્ય ભળે છે ત્યારે જીવન રસદાયક બને છે. પદ્યમાં લય હોય છે. લય તૂટે ત્યારે પ્રલય સર્જાય. જે સૃષ્ટિના લય સાથે પોતાનો લય મેળવે તેને સૂર કહેવાય. જે સૃષ્ટિના લયથી વિરુદ્ધમાં જાય તે અસુર. શિવજી નૃત્યના પણ ગુરુ છે એટલે નટરાજ કહેવાયા. શિવજીએ નૃત્યના આંદોલનોથી સૃષ્ટિનું સર્જન પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે. શિવજી નૃત્ય કરે છે એ તાંડવ નૃત્ય કહેવાય છે. સામાન્ય રીતે આપણે ઉગ્ર મિજાજ કે ઉગ્ર વર્તન માટે તાંડવ શબ્દ વાપરીએ છીએ, પરંતુ શિવજીના તાંડવ બે પ્રકારના હોય છે. જે તાંડવ સાથે સૃષ્ટિનો વિનાશ થાય છે તેને રૌદ્ર તાંડવ કહેવાય છે, પણ જે તાંડવ સાથે સૃષ્ટિનું સર્જન થાય છે એ આનંદ તાંડવ કહેવાય છે. નૃત્ય મુદ્રામાં રહેતા શિવજીના એક હાથમાં ડમરુ છે જે સર્જનનું પ્રતીક છે અને બીજા હાથમાં અગ્નિ છે એ વિનાશનું પ્રતીક છે. આપણા મગજમાં સૌપ્રથમ વિચારોના આંદોલન આવે છે અને પછી તેનું કૃતિના રૂપમાં સર્જન થાય છે. એ જ રીતે ભગવાન શંકર પોતાના નૃત્યથી આંદોલનો જગાવે છે અને પછી જગત નામની શ્રેષ્ઠ કૃતિનું સર્જન થાય છે. આ મહાન કૃતિ લયમાં રહે તે માટે આપણે પણ નટરાજ નામના આ મહાન નૃત્યકાર પાસેથી લયબદ્ધ જીવતા શીખવું જોઇએ. બાળકોને એકલું શુષ્ક શિક્ષણ જ નહીં અનેક પ્રકારની કળા પણ શીખવવી જોઇએ.

અફસોસની વાત એ છે કે અમેરિકા જેવા દેશોમાં જ્યાં વિદ્યાર્થી કે બાળકોના હાથમાં ગિટાર કે બીજા વાદ્યતંત્રો હોવા જોઇએ તેની બદલે બંદૂક આવી ગઇ છે. જો બાળકને ગીત સંગીત કે નૃત્ય શીખવી શકાય તો તેને જીવન રસભર્યું લાગે છે તેનું મગજ લયબદ્ધ રહે છે તે હિંસક નથી બની શકતો. ભારતની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં અનેક પ્રકારની કળાઓ શીખવાડવામાં આવતી હતી. કૃષ્ણ ભગવાન ૬૪ કળાઓમાં પારંગત હતા. તેઓ વાંસળીથી સંગીતનો જાદુ પણ પ્રસરાવી શકતા હતા તો નૃત્યકળાથી રાસલીલામાં ચાર ચાંદ પણ લગાવી શકતા હતા. રસ શબ્દથી જ રાસ શબ્દ આવ્યો છે. નૃત્ય કે સંગીત કે કોઇ પણ જાતની કળા તમે શીખો તો જિંદગી સ-રસ લાગે છે. કળા વગરની જિંદગી નિ-રસ લાગે છે. નિ-રસ વ્યક્તિ હત્યા કે આત્મહત્યા કરવા પ્રેરાય છે. વિનાશ તરફ ડગલાં માંડે છે. સરસ વ્યક્તિ જીવો અને જીવવા દોની થિયરીમાં વિશ્ર્વાસ રાખે છે. સર્જન તરફ દૃષ્ટિ માંડે છે. તમારા બાળકોને નિરસ નહીં પણ સરસ બનાવવા હોય તો શિવના નટરાજ સ્વરૂપના દર્શન કરાવજો. ગોખણપટ્ટીવાળા અક્ષરજ્ઞાનથી જો તેનો શિક્ષણ પ્રત્યેનો રસ ઓછો થવા લાગે તો એ સાવ નિરસ બને તે પહેલાં તે લય અને રસ ઉત્પન્ન થાય તેવી કળાઓ શીખે તેનો પણ પ્રયાસ કરજો. એ બંદૂક પકડે એ પહેલાં તેના હાથમાં ગિટાર પકડાવવાનો પ્રયત્ન કરજો. કૃષ્ણ ભગવાન બાળપણમાં પહેલાં વાંસળી વગાડતા અને રાસનૃત્ય કરતા શીખ્યાં. રસિકજન બન્યા અને પછી શસ્ત્રો ચલાવતા શીખ્યાં. રસિક માણસ શસ્ત્રો શીખે તો પણ એનો દુરુપયોગ નથી કરતો. શુષ્ક માણસ, કળા-સંસ્કૃતિ વગરનો માણસ શસ્ત્રોનો દુરુપયોગ કરી જાણે છે. તમારા સંતાનને સરસ બનાવવા કે નિરસ એ આ શ્રાવણ મહિનામાં નટરાજના દર્શન કરીને નક્કી કરી લેજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.