Homeઆમચી મુંબઈલાલબાગમાં માતાની કરપીણ હત્યા:ઘરમાં મૃતદેહના ટુકડા કરીને કબાટ, સ્ટીલની ટાંકીમાં છુપાવ્યા: પુત્રીની...

લાલબાગમાં માતાની કરપીણ હત્યા:ઘરમાં મૃતદેહના ટુકડા કરીને કબાટ, સ્ટીલની ટાંકીમાં છુપાવ્યા: પુત્રીની ધરપકડ

(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવી જ ઘટના મુંબઈના લાલબાગ વિસ્તારમાં મંગળવારે રાતે પ્રકાશમાં આવી હતી, જેમાં ૫૫ વર્ષની માતાની કરપીણ હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ઘરના કબાટ તથા સ્ટીલની ટાંકીમાં છુપાવી રાખવામાં આવ્યા હતા. ઘરમાંથી મળેલા કોહવાયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ કાલાચોકી પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની પુત્રીની ધરપકડ કરી હતી.
કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે લાલબાગમાં ગેસ કંપની લેન ખાતેની ઇબ્રાહિમ કાસમ ચાલમાં પહેલા માળે રૂમ નંબર-૨૨માં રહેતાં વીણા પ્રકાશ જૈન (૫૫)ની હત્યાના કેસમાં તેમની પુત્રી રિંપલ જૈન (૨૪)ની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ઘરમાંથી ઇલેક્ટ્રિક માર્બલ કટર, કોયતો અને છરી મળી આવ્યાં હતાં, જેનો ઉપયોગ મૃતદેહના ટુકડા કરવામાં થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
વીણા જૈન પુત્રી સાથે ૨૦૦૫થી ઉપરોક્ત
ઘરમાં રહેતાં હતાં. નજીકમાં આવેલી ઇમારતમાં તેમનો ભાઇ સુરેશકુમાર પોરવાલ રહેતો હોઇ તે ૨૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ છેલ્લે વીણાને મળ્યો હતો. જોકે બાદમાં છેલ્લા ત્રણ મહિનાથી વીણા વિશે કોઇ માહિતી તેમને મળી નહોતી. આથી મંગળવારે રાતે સુરેશકુમારની પુત્રીને ત્યાં મોકલવામાં આવી હતી. તેણે દરવાજો ખટખટાવ્યો હોવા છતાં રિંપલે દરવાજો ખોલ્યો નહોતો. એ સમયે પડોશીઓએ તેને કહ્યું હતું કે વીણા જૈન ઘણા સમયથી દેખાયાં નથી અને ઘરમાંથી દુર્ગંધ પણ આવી રહી છે.
દરમિયાન સુરેશકુમારની પત્ની પણ ત્યાં ગઇ હતી. જોકે રિંપલે દરવાજો ન ખોલતાં આખરે અન્ય લોકોને બોલાવ્યા હતા. તેમણે દરવાજો ખોલતાં અંદર રિંપલ હતી અને તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. ઘરમાં વીણા જૈન નજરે પડ્યાં નહોતાં અને ઘરની સ્થિતિ જોઇને તેમને શંકા ગઇ હતી. તેમણે વીણા જૈન વિશે પૂછપરછ કરતાં રિંપલે ઉડાઉ જવાબ આપ્યા હતા. આથી રિંપલને લઇ તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને વીણા જૈનના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ત્યાર બાદ રિંપલના ઘરે ગઇ હતી, જ્યાં તપાસ કરાતાં કબાટમાંથી પ્લાસ્ટિકની ગૂણીમાં વીણાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેના હાથ-પગ તથા શરીરના અન્ય ભાગોના ટુકડા બાથરૂમમાં સ્ટીલની ટાંકીમાં છુપાવવામાં આવ્યા હતા.
પોલીસે ત્યાર બાદ કેઇએમ હોસ્પિટલના મેડિકલ ઓફિસર, ફોરેન્સિક લૅબના એક્સપર્ટ તેમ જ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ઘટનાસ્થળે પંચનામું કરાયા બાદ મૃતદેહના ટુકડાને હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. બાદમાં સુરેશકુમારની ફરિયાદને આધારે રિંપલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં રિંપલે માતાના શરીરના ટુકડા કર્યા હોવાની કબૂલાત કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રિંપલ અને વીણા જૈન વચ્ચે ક્યારેક-ક્યારેક વિવાદ થતો હતો. વીણા જૈન ૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પહેલા માળેથી નીચે પડી ગયાં હતાં અને ત્યાંના બે યુવક તેમને ઊંચકીને તેને ઘરે લઇ ગયા હતા. એ સમયે તે રડવા લાગ્યાં હતાં. વીણાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હોવાથી તેની હત્યા ઘણા દિવસ અગાઉ કરાઇ હશે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ આ અંગે સ્પષ્ટતા થશે.

માતા અને ઘરમાંથી આવતી દુર્ગંધ વિશે રિંપલ ઉડાઉ જવાબ આપતી હતી
મુંબઈ: માતા વીણા જૈનની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી પુત્રી રિંપલ તેના પડોશીઓને માતા અને ઘરમાંથી આવી દુર્ગંધ વિશે ઉડાઉ જવાબ આપતી હતી. પડોશીઓએ રિંપલને તેની માતા વિશે પૂછતા ત્યારે ક્યારેક તે કહેતી કે માતા ઘરમાં સૂતી છે, ક્યારેક કહેતી કે તેની તબિયત ખરાબ છે. એક વાર તો તેણે એમ પણ કહ્યું હતું કે માતા કાનપુર ગઇ છે. ચાલમાં કોમન ટોઇલેટ છે અને વીણા જૈનને ઘણા સમયથી કોઇએ ટોઇલેટ જતાં પણ જોયાં નહોતાં. આ બાબતને લઇ પણ રહેવાસીઓને શંકા ગઇ હતી. બીજી તરફ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી પડોશીઓએ રિંપલને આ અંગે પૂછ્યું ત્યારે તેણે ઉંદર મરી ગયો હોવાથી દુર્ગંધ આવતી હશે એવો જવાબ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular