અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા: માસ્ટરમાઈન્ડની ધરપકડ

આમચી મુંબઈ

આરોપીને ચાર દિવસની પોલીસ કસ્ટડી: હત્યા બાદ આરોપી કોલ્હેની અંતિમયાત્રામાં પણ જોડાયો

અમરાવતી: અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કરવાના કેસમાં પોલીસે કથિત માસ્ટરમાઈન્ડ ઈરફાન ખાનની ધરપકડ કરી હતી. ખાનને રવિવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૭ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
શેખ ઈરફાન શેખ રહીમ ઉર્ફે ઈરફાન ખાન આ હત્યા કેસમાં ધરપકડ કરાયેલો સાતમો આરોપી છે. શેખ આ કેસનો મુખ્ય આરોપી હોવાનું માનવામાં આવે છે. તેને શનિવારે નાગપુરથી તાબામાં લેવાયો હતો.
મોહમ્મદ પયગંબર માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવેલાં ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપૂર શર્માને સમર્થન આપતી ટિપ્પણી ૫૪ વર્ષના કોલ્હેએ વ્હૉટ્સએપ ગ્રુપમાં કરી હતી. તેમાંથી એક ગ્રુપમાં આરોપીઓ પણ હતા. તેમણે જ કોલ્હેની હત્યા કરી હોવાનું સ્થાપિત થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આ મામલો સંવેદનશીલ હોવાથી અમરાવતીનાં સાંસદલ નવનીત રાણાએ અમરાવતીના પોલીસ કમિશનરની હકાલપટ્ટી કરવાની અને આ કેસ નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપવાની માગણી કરી હતી. પછીથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હોવાનું ટ્વીટ કર્યું હતું. આ મામલાની એનઆઈએએ તુરંત તપાસ હાથ ધરી છે.
ઈરફાનને અમરાવતી ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં લઈ જવામાં આવ્યો તે પહેલાં એનઆઈએ દ્વારા કોતવાલી પોલીસ સ્ટેશનમાં રવિવારે સવારે તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
દરમિયાન કોલ્હેના હત્યા કેસમાં અગાઉ પોલીસે છ આરોપી મુદસ્સર અહમદ ઉર્ફે સોનુ રઝા શેખ ઈબ્રાહિમ (૨૨), શાહરુખ પઠાણ ઉર્ફે બાદશાહ હિદાયત ખાન (૨૫), અબ્દુલ તૌફીક ઉર્ફે નાનુ શેખ તસ્લિમ (૨૪), શોએબ ખાન ઉર્ફે ભુર્યા શાબીર ખાન (૨૨), આતીબ રશીદ આદિલ રશીદ (૨૨) અને ડૉ. યુસુફ ખાન બહાદુર ખાન (૪૪)ની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીમાંથી ચાર ઈરફાન ખાનના મિત્રો હતા અને તેની એનજીઓ માટે કામ કરતા હતા, એમ સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
કોલ્હેની હત્યાની યોજના બનાવવાનો ઈરફાન ખાન પર આરોપ છે. આ માટે તેણે અન્ય આરોપીઓને કામગીરી સોંપી રૂપિયા અને વાહન પૂરાં પાડ્યાં હતાં.
ડૉ. યુસુફ ખાન પશુચિકિત્સક છે અને કોલ્હે પ્રાણીઓની દવાની દુકાન ધરાવે છે. બન્ને વચ્ચે વેપારી સંબંધ હતો. કોલ્હેએ સોશિયલ મીડિયા પર પશુચિકિત્સકોનું ગ્રુપ બનાવ્યું હતું, જેમાં ડૉ. યુસુફ પણ સભ્ય હતો. નુપૂર શર્માની તરફેણમાં પોસ્ટથી ડૉ. યુસુફ ગુસ્સે ભરાયો હતો અને આરોપીઓને ઉશ્કેર્યા હતા. વળી, હત્યા પછી ડૉ. યુસુફ કોલ્હેની અંતિમયાત્રામાં પણ જોડાયો હતો. ટેક્નિકલ ઈનપુટને આધારે ડૉ. યુસુફને પોલીસે પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)
———-
કેમિસ્ટની હત્યાના ‘માસ્ટરમાઈન્ડ’ના એનજીઓના બૅન્ક ખાતાંની તપાસ શરૂ
અમરાવતી: અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના કેસનો કથિત માસ્ટરમાઈન્ડ ઈરફાન ખાન એક એનજીઓનો ડિરેક્ટર છે અને પોલીસ આ સંસ્થાનાં બૅન્ક ખાતાંની તપાસ કરી રહી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અમરાવતીમાં ઉમેશ કોલ્હે (૫૪)ની હત્યા અને રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કનૈયાલાલની હત્યામાં હવે સામ્યતા મળી આવી છે. બન્ને મૃતકે નુપૂર શર્માના
સમર્થનમાં સોશિયલ મીડિયા પર મેસેજ પોસ્ટ કર્યા હતા. કોલ્હેની હત્યાના કેસની તપાસ એનઆઈએને સોંપાઈ છે અને કનૈયાલાલની હત્યાનો કેસ પણ એનઆઈએ પાસે છે.
આરોપી ઈરફાન ખાન અમરાવતી શહેરનો રહેવાસી છે અને બિનસરકારી સંસ્થા ‘રાહબર’નો ડિરેક્ટર છે. પોલીસે સંસ્થાનાં બૅન્ક એકાઉન્ટ્સની તપાસ શરૂ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન કોલ્હેના ભાઈએ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વિનંતી કરી છે. ફક્ત વ્હૉટ્સએપ મેસેજ મોકલવાથી હત્યા થાય એવું અમે માનતા નથી. આમાં કોઈ મોટું કાવતરું છે. હવે એનઆઈએએ તપાસ હાથમાં લીધી હોવાથી ન્યાય મળશે, એવી અમને આશા છે, એવું તેના ભાઈનું કહેવું છે. (પીટીઆઈ)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.