કાંદિવલીમાં ગળું ચીરી પ્રેમિકાની હત્યા: ૧૨ કલાકમાં પ્રેમી ઝડપાયો

આમચી મુંબઈ

મુંબઈ: બીજા યુવક સાથે કથિત સંબંધો હોવાની શંકા પરથી પ્રેમીએ ચાકુ વડે ગળું ચીરી પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના કાંદિવલીમાં બની હતી. યુવતીના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યાના ૧૨ કલાકમાં જ પોલીસે આરોપીને લૉકઅપભેગો કર્યો હતો.
કુરાર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અખિલેશકુમાર પ્યારેલાલ ગૌતમ (૨૪) તરીકે થઈ હતી. ગૌતમને ગુરુવારે માનખુર્દ રેલવે સ્ટેશન પરિસરમાંથી તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
ગૌતમ અને કાંદિવલી પૂર્વમાં ગોકુળનગર સ્થિત આંનદ ચાલમાં રહેતી મનીષા જયસ્વાર (૨૭) વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષથી મિત્રતા હતી. આ મિત્રતા પછીથી પ્રેમમાં પરિણમી હતી. જોકે તાજેતરમાં મનીષાના બીજા યુવક સાથે સંબંધ હોવાની શંકા આરોપીને હતી. આ બાબતે બન્ને વચ્ચે વિવાદ પણ થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બુધવારે આરોપી મનીષાના ઘરે ગયો હતો. ઘરમાં એકલી હાજર મનીષા પર તેણે હુમલો કર્યો હતો. ગળું ચીરવાની સાથે મનીષાના માથા પર ઇજાનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. રાતે સાડાબાર વાગ્યાની આસપાસ મનીષાનો કઝિન ઘરે આવ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.