ગઇકાલે એટલે કે ૨૯, ડિસેમ્બરે બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાનો જન્મ દિવસ હતો. આજે રાજેશ ખન્ના જો હયાત હોત તો એંસી વર્ષના થયા હોત. એમની સાથે ઘણી હિરોઇનોએ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ રાજેશ ખન્ના અને મુમતાઝની જોડીએ પ્રેક્ષકોમાં એક અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું. મુમતાજે તેમની કેટલીક વાતો શૅર કરીને રાજેશ ખન્નાને તેમના જન્મદિને યાદ કર્યા હતા. હું રાજેશ ખન્નાને કાકા કહીને બોલાવતી, જ્યારે તેઓ મને ‘મોતી’ કહીને બોલાવતા. અમે એકસાથે કુલ નવ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ભગવાનની કૃપાથી તે બધી ફિલ્મો હિટ રહી હતી. હમારી જોડી ચલી ઔર ખૂબ ચલી, એમ તેના મનપસંદ કો-સ્ટાર રાજેશ ખન્ના વિશે વાત કરતી વખતે મુમતાઝે પ્રેમપૂર્વક કહ્યું હતું.
શમ્મી કપૂર, ફિરોઝ ખાન, ધર્મેન્દ્ર મારા અન્ય ફેવરિટ અભિનેતાઓ હતા, પરંતુ મારી કાકા સાથે કંઇક અલગ જ વાત હતી એ મારે કબૂલ કરવું પડશે. ઓનસ્ક્રીન અમારી કેમિસ્ટ્રી શાનદાર લાગતી હતી. દર્શકોએ અમને એકસાથે ખૂબ જ પ્રેમ આપ્યો. અમારી ફિલ્મનાં ગીતો પણ ખૂબ જ હિટ થયાં હતાં. જેને હજી પણ લોકો ગણગણે છે. જેમાં બિંદિયા ચમકેગી (દો રાસ્તે), જય જય શિવ શંકર (આપ કી કસમ), સુન ચંપા સુન તારા (અપના દેશ), ચલ દરિયા મેં ડૂબ જાયેં (પ્રેમ કહાની) વગેરે ગીતોએ અમારી લોકપ્રિયતામાં ઔર વધારો કર્યો હતો, એમ તેમને યાદ કરતા મુમતાઝ કહે છે.
રાજેશ ખન્ના સાથેની તેની મનપસંદ ફિલ્મ વિશે બોલતા મુમતાઝે કહ્યું હતું કે મને તો અમારી બધી જ ફિલ્મો ખૂબ જ પસંદ છે. જોકે, કાકા સાથેની મારી ઘણી ફિલ્મોમાં મારે ભાગે એટલું કામ કરવાનું આવતું નહોતું. તેઓ સ્ટાર આકર્ષણ હતા. પણ હા, મને તેમની સાથે કામ કરવાની મજા આવી. તે બહુ મૈત્રીપૂર્ણ હૃદયના વ્યક્તિ હતા. અમારી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતુ. મુમતાઝ તેમની અને રાજેશ ખન્નાની મનમોહન દેસાઇની સુપરહિટ ફિલ્મ ‘રોટી’ના ક્લાઇમેક્સને યાદ કરતા કહે છે કે મનમોહન દેસાઈની ‘રોટી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ફિલ્મના ક્લાઈમેક્સ માટે કાકાએ મને તેમના ખભા પર ઉપાડીને લઈ જવાની હતી. આ સિક્વન્સનું શૂટિંગ લગભગ પખવાડિયા સુધી ચાલ્યું હતું. તો તેઓ રોજ સવારે મને રમતિયાળપણે કહેતા ‘ચલ મોતી, આ જા’ એમ કહીને મને તેમના ખભા પર બેસવા માટે ઈશારો કરતા.
મુમતાઝે કબૂલ્યું કે હું અન્ય કો-સ્ટાર્સ સાથે કામ કરતી તો તે રાજેશ ખન્નાને ગમતું ન હતું, જ્યારે પણ અન્ય હીરો સાથેની મારી ફિલ્મની જાહેરાત થતી, ત્યારે હું અમારા શૂટિંગ દરમિયાન તણાવ અનુભવતી હતી. જો હું અન્ય હીરો સાથે કોઈ ફિલ્મ સાઈન કરું તો તેઓને ખૂબ જ ખરાબ લાગતું, પરંતુ તેઓ અન્ય હિરોઇનો સાથે પણ કામ કરતા હતા. તેમણે શર્મિલા (ટાગોર) જી સાથે ઘણી ફિલ્મો કરી છે, પણ કાકા ઈચ્છતા હતા કે હું ફક્ત તેમની સાથે જ કામ કરું.