સોલાપુર થી મુંબઇ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ આ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવીને સુરેખા યાદવ એશિયાના સૌથી પહેલી મહિલા લોકો પાયલેટ બનવાનું બહુમાન મેળવી ગયા હતા. સોમવારે તેમણે સોલાપુર થી મુંબઇ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ માર્ગ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવી હતી. ટ્રેનના ચાલકને લોકો પાયલટ કહેવામાં આવે છે. તેમની આ સિદ્ધિએ મુમતાઝ કાઝીની યાદ તાજી કરાવી દીધી. સુરેખા યાદવ પહેલા મુમતાઝ કાઝી નામની મહિલાએ ટ્રેનના લોકો પાયલટ જેવા પુરૂષ-પ્રભુત્વ ધરાવતા વ્યવસાયમાં ડીઝલ એન્જિનવાળી ટ્રેન ચલાવી આશ્ચર્ય સર્જી દીધું હતું. તેમને આ સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પ્રતિષ્ઠિત ‘નારી શક્તિ પુરસ્કાર’ થઈ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું મુમતાઝ 20 વર્ષની ઉંમરથી વિવિધ પ્રકારની ટ્રેનો ચલાવી રહી છે અને તે પણ ભારતના પ્રથમ અને સૌથી વધુ ભીડભાડવાળા રેલવે માર્ગ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-થાણે વિભાગ પર લોકલ ટ્રેનો ચલાવે છે.
જોકે, તેમની આ સફર આસાન નહોતી. આપણે વાત કરી રહ્યા છે 1989-90ના જમાનાની, જ્યારે અમુક ક્ષેત્રો મહિલાઓ માટે પહોંચની બહાર ગણાતા હતા. જ્યારે તેમણે 1989માં રેલ્વેની નોકરી માટે અરજી કરી ત્યારે તેમને ઘરમાંથી જ પિતાના સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા રેલવેમાં જ કામ કરતા હતા. મુમતાઝની પ્રબળ ઇચ્છા શક્તિ સામે પિતાનું હૃદય પરિવર્તન થયું અને તેમણે મુમતાઝને તેના સપનાને અનુસરવાની છૂટ આપી હતી. નંદુરબારના ઈલેક્ટ્રિકલ એન્જિનિયર મકસૂદ કાઝી સાથે પરણેલા મુમતાઝ કાઝીને બે સંતાન છે. 1995 માં LIMCA બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રથમ મહિલા ડીઝલ લોકોમોટિવ ડ્રાઇવર તરીકે તેમનું નામ નોંધાયેલું છે. 2015માં તેમને વધુ એક સન્માન મળ્યું. તેમને રેલ્વે જનરલ મેનેજર એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. મુમતાઝ એ ભારતની એવી હજારો મહિલાઓ માટે પ્રેરણા છે જેઓ સ્ટીરિયોટાઇપ્સ તોડવા માંગે છે કે અમુક નોકરીઓ માત્ર પુરુષો જ કરી શકે છે.