(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ સ્યુએજ ટ્રિટમન્ટ અને મેઈન્ટેનન્સના કામ માટે મોટું ભંડોળ ફાળવ્યું છે, છતાં હજી સુધી આ પ્રોજેક્ટને લગતા કામ ચાલુ થયા ન હોવાથી ચાલુ વર્ષમાં જોગવાઈ કરેલી રકમ વપરાયા વગરની પડી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના કામનું ભૂમિપૂજન ગયા મહિને કરવામાં આવ્યું હતું. મહિના બાદ પણ પ્રત્યક્ષમાં કામ ચાલુ થયું ન હોવાથી તે કામ માટે ફાળવવામાં આવેલા લગભગ ૧૦૦ કરોડ રૂપિયા વપરાયા વગરના છે. ચાલુ આર્થિક વર્ષ માર્ચ ૨૦૨૩માં પૂરું થઈ જશે, તેથી તેની માટે ફાળવેલી રકમ વપરાયા વગર લેપ્સ થઈ જવાની શક્યતા હોવાનું સંબંધિત અધિકારીએ કહ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાના મુંબઈ સ્યુએજ ડિપાર્ટમેન્ટ દ્વારા મુંબઈમાં સાત જગ્યાએ સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવામાં આવવાના છે, જેમાં વરલી, બાંદ્રા, ધારાવી, વર્સોવા, મલાડ, ભાંડુપ અને ઘાટકોપરનો સમાવેશ થાય છે. આ સાતેય સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા દરરોજની ૨૪૬.૬૦ કરોડ લિટર એટલે કે ૨,૪૬૪ મિલિયન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવાની છે. આ પ્રોજેક્ટમાં ત્રણ સ્તરે પાણી પર પ્રક્રિયા કરવામાં આવવાની છે. એ સાથે જ તેમાંથી બહાર નીકળનારા બાયોગૅસમાંથી વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવવાનું છે, તો બહાર નીકળનારા ગાળ (કચરા) પર પણ પ્રક્રિયા કરવામાં આવવાની છે.
પાલિકા દ્વારા વરલીમાંં ૫૦૦ મિલિયન લિટર, બાંદરામાં ૩૬૦ મિલિયન લિટર, મલાડમાં ૪૫૪ મિલિયન લિટર, ઘાટકોપરમાં ૩૩૭ મિલિયન લિટર, ધારાવીમાં ૪૧૮ મિલિયન લિટર, ભાંડુપમાં ૨૧૫ મિલિયન લિટર અને વર્સોવામાં ૧૮૦ મિલિયન લિટર પ્રમાણે કુલ સાત ટ્રિટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાશે. તે માટે લગભગ ૨૬,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવ્યા બાદ ગયા મહિને વડા પ્રધાને ભૂમિપૂજન કર્યા બાદ કામ ચાલુ થયું હતું. આ સાતેય ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે ચાલુ આર્થિક વર્ષમાં ૧૩૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ઑગસ્ટ ૨૦૨૦માં પહેલાં ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. ત્યારથી પ્રોજેક્ટ માટે મોટા પ્રમાણમાં ભંડોળ ફાળવવામાં આવે છે. ચાલુ આર્થિક વર્ષમાં કામ ચાલુ થયું ન હોવાથી ફાળવવામાં આવેલી રકમ એટલા પ્રમાણમાં ખર્ચાશે નહીં.