(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હવા દિવસે દિવસે વધુ ઝેરી બની રહી છે. ગુરુવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહેવાની સાથે જ હવાની ગુણવત્તા એકદમ કથળી ગઈ હતી અને ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૬ જેટલો ઊંચ નોંધાયો હતો. તો રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદનાં ઝાપટાં પણ પડ્યાં હતાં, તેને કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મુંબઈમાં ગુરુવારે સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૬ અને નવી મુંબઈનો એક્યુઆઈ સરેરાશ ૩૪૭ નોંધાયો હતો. મુંબઈમાં સૌથી ઊંચો એક્યુઆઈ મઝગાંવ ૩૫૮ જેટલો નોંધાયો હતો. ચેંબુર ૩૪૩, મલાડ ૩૧૧, અંધેરી ૩૦૬, કોલાબામાં ૨૯૭ અને ભાંડુપ એક્યુઆઈ ૨૧૧ જેટલો નોંધાયો હતો.
વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે ત્યારે હવામાનના નિષ્ણાતોના કહેવા મુજબ પવનની ગતિ ધીમી પડી ગઈ છે. તેમાં પણ મુંબઈમાં હાલ મેટ્રો રેલ સહિતનાં અનેક બાંધકામ ચાલી રહ્યાં છે. તેથી વાતાવરણ અને પવનની મંદગતિને કારણે પ્રદૂષણનાં સુક્ષ્મ રજકરણો વાતાવરણના નીચેના પટ્ટામાં સતત તરતા રહે છે. પવનની ગતિ વધુ હોય તો પ્રદૂષિત રજકરણો દૂર સુધી ફેંકાઈ જાય છે. જોકે પવનની ગતિ ધીમી હોવાથી હાલ ધૂળ અને રજકરણો વાતાવરણમાં નીચલા પટ્ટામાં જ રહેતા હોવાથી પ્રદૂષણનું સ્તર વધી ગયું છે.
આ દરમિયાન એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં શિયાળાની ઠંડી જામી છે. તો બીજી તરફ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડાના અમુક જિલ્લામાં ગુરુવારે કમોસમી વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. તેથી પાકને નુકસાન થવાની શક્યતા છે.