(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટના કાફલામાં દેશની પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનો સોમવારે સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આરટીઓનું ક્લિયરન્સ હજી મળ્યું ન હોવાથી રસ્તા પર બસને દોડવામાં હજી અઠવાડિયાનો સમય લાગે એવી શક્યતા છે.
રવિવારે સાંજે મુંબઈ આવેલી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસની ઓપરેશન ક્ષમતા ૧૮૦ કિલોમીટર સુધીની હશે. ૪૫ મિનિટના ચાર્જિંગમાં બસ ૧૦૦ કિલોમીટર સુધી દોડી શકશે. તો પૂરી બસ ચાર્જ થવા માટે ૮૦ મિનિટનો સમય લાગશે. એક બસની કિંમત લગભગ બે કરોડ રૂપિયાની આસપાસ છે. તેમાં લગભગ ૮૦ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે.
અશોક લેયલેન્ડની સ્વિચ કંપનીને બેસ્ટ તરફથી ૨૦૦ એસી ડબલડેકર બસ તૈયાર કરવાનો આદેશ મળ્યો છે. કંપની આ ઓર્ડર એકથી દોઢ વર્ષમાં પૂરો કરશે. હાલ બેસ્ટના કાફલામાં ડીઝલ પર ચાલનારી ૪૫ જૂની ડબલડેકર બસ છે, જે જૂન ૨૦૨૩ સુધી સર્વિસમાંથી બહાર જશે.
બેસ્ટના કાફલામાં ૨૦૦ એસી ડબલડેકર બસ આવ્યા બાદ લગભગ ૪૧ ટકા કાર્બન ફૂટપ્રિંટ ઓછી કરવા માટે અને વર્ષના ૨૬ મિલિયન લિટર ડીઝલ બચાવવામાં મદદ મળશે. બેસ્ટની પહેલી એસી ડબલડેકર બસને હજી અમુક મંજૂરી મળવાની બાકી છે. આગામી ૮ દિવસમાં વધુ ચાર ડબલડેકર બસના કાફલામાં જોડાવાની છે.
બેસ્ટમાં હાલ ૩,૬૦૦ બસ છે. આગામી વર્ષમાં સાત હજાર સુધી કરવાનો લક્ષ્યાંક છે. બેસ્ટમાં હાલ ૧૩૬ મહિલા માટે બસ છે, તેને વધારીને ૫૦૦ સુધી કરવામાં આવવાની છે. ૨૦૨૬ સુધી બેસ્ટના કાફલામાં તમામ ઈલેક્ટ્રિક બસ હશે. તેથી શહેરના પ્રદૂષણમાં ઘટાડો થવામાં મદદ મળશે.
પ્રારંભિક તબક્કામાં આ બસસેવા બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સથી બાંદ્રા સ્ટેશન વચ્ચે દોડશે. એસી ડબલડેકર બસનું મિનિમમ ભાડુ પાંચ કિલોમીટર સુધી છ રૂપિયા હશે. બસમાં સીસીટીવી કૅમેરા, ડ્રાઈવર સાથે સંપર્ક કરવા ખાસ વ્યવસ્થા હશે અને બંને બાજુએ ઓટોમેટિક દરવાજા હશે.