સાવચેતી: ઈન્ફલુએન્ઝાના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ મનપા દ્વારા ફ્યુમીગેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. (અમેય ખરાડે)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોવિડે માથું ઊંચક્યું છે, એ સાથે જ ‘ઈન્ફ્લુએન્ઝા’ના કેસમાં પણ વધારો થવાને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. શનિવારે રાજ્યમાં કોરોનાના ૨૪૯ નવા કેસ નોંધાયા હતા. તો શનિવારે ‘ઈન્ફ્લુએન્ઝા’ના ત્રણ શંકાસ્પદ મૃત્યુ નોંધાયા હતા.
‘ઈન્ફ્લુએન્ઝા’એ વાઈરસથી ફેલાતી બીમારી છે. ‘ઈન્ફ્લુએન્ઝા ટાઈપ એ’ના સબ વેરિયન્ટ ‘એચ૧ એન૧’, ‘એચ૨ એન૨’ અને ‘એચ૩ એન૨’ છે. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી ૧૭ માર્ચ, ૨૦૨૩ સુધીમાં ‘ઈન્ફ્લુએન્ઝા’ના શંકાસ્પદ દર્દીનો આંકડો ૩,૦૪,૬૮૬ પર પહોંચી ગયો છે. ઑસેલટૅમીવીર (ટેમીફ્લુ) આપેલા શંકાસ્પદ ફલુ દર્દીનો આંકડો ૧,૬૪૩, ‘એચ૧ એન૧’ના ૪૦૫, ‘એચ૩ એન૨’ના ૧૮૪ દર્દી નોંધાયા છે. હાલ હૉસ્પિટલમાં ૧૯૬ દર્દી સારવાર લઈ રહ્યા છે.
રાજ્યમાં ‘એચ૧ એન૧’ને કારણે ત્રણ તો ‘એચ૩ એન૨’ ને કારણે એક મૃત્યુ એમ કુલ ચાર મૃત્યુ નોંધાયા છે. એ સિવાય શનિવારે રાજ્યમાં ત્રણ શંકાસ્પદ મૃત્યુ નોંધાયા હતા, જેમાં એક વાશીમમાં, એક ખડકી કૅન્ટોન્મેટ બોર્ડમાં અને એક મૃત્યુ પૂણે મહાનગરપાલિકાની હદમાં નોંધાયું હતું. રિપોર્ટ આવ્યા બાદ તમામના મૃત્યુ ચોક્કસ કારણ જાણી શકાશે.
રાજ્યમાં દિવસેને દિવસે ‘ઈન્ફ્લુએન્ઝા’નું જોખમ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રએ નિયમાવલી જાહેર કરી છે, જેમાં કોરોના અને ‘ઈન્ફ્લુએન્ઝા’ વાયરસને કારણે ફેલાતી બંને બીમારીમાં દર્દીએ રાખવાની સાવચેતી સરખી છે. કોરોના દરમિયાન ક્વોરન્ટાઈન થવાનો નિયમ પાળવાને કારણે મહામારીને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. હવે ‘ઈન્ફ્લુએન્ઝા’માં એ જ નિયમ અમલમાં મૂકવો પડવાનો છે. જો ફ્લુ જેવા લક્ષણો જણાય તો હાથ મિલાવવાનું ટાળવાનું, ભીડમાં જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે.
કોને જોખમ વધુ?
ગર્ભવતી મહિલા, નાના બાળકો, જયેષ્ઠ નાગરિકની સાથે જ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, બીમાર હો, લાંબા સમયથી કોઈ બીમારી માટે દવા ચાલુ હોય એવા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે, કારણકે તેમને તુરંત ચેપ લાગી શકે છે.
પરિવારે શું તકેદારી રાખવી?
ઘરમાં જો કોઈ વધુ બીમાર દર્દી હોય તો તેના સંપર્કમાં જવું નહીં, દર્દીના સ્પર્શમાં રહેલા ટેબલ, ખુરશી તેમ જ અન્ય વસ્તુઓને સાફ કરવા માટે બ્લિચ લિક્વિડનો ઉપયોગ કરવો. દર્દીએ વાપરેલા ટિશ્યૂ પેપર, માસ્ક ગમે ત્યાં ફેંકવા નહીં, દર્દીની સેવા એક જ વ્યક્તિએ કરવી, દર્દીના કપડાં ગરમ પાણીમાં બ્લિચ લિક્વિડમાં અડધા કલાક ભીંજાવીને જ ધોવા.
‘ઈન્ફ્લુએન્ઝા’ના લક્ષણો જણાય તો શું કરવું?
તાવ, માથામાં દુખાવો, ગળામાં દુખાવો, ગળામાં ખરાશ, ઉધરસ અને નાક ગળતું જણાય તો દર્દીએ છીંકતા સમયે નાક અને મોઢું ઢાંકી રાખવું, હાથ સાબુથી ધોવા, નાક, આંખ અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળવું, ભરપૂર પાણી પીવાનું, પોતાની જાતને તુરંત ક્વોરન્ટાઈન કરી નાખવું જોઈએ. તેમ જ જાતે દવા નહીં લેતા ડૉકટરની સલાહ લેવી. તેમ જ ૪૮ કલાકની અંદર તુરંત તપાસ કરાવી લેવી.
શું કાળજી લેવી?
ફ્લુ જેવા લક્ષણો જણાય તો ભીડના ઠેકાણે જવું નહીં, ધૂમ્રપાન ટાળવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, લિંબુ, આંબળા, મોસંબી, સંતરા તેમ જ લીલા પત્તાવાળી ભાજીનો આહારમાં સમાવેશ કરવો. હાથ મિલાવવાનું ટાળવું, સાર્વજનિક જગ્યાએ થુંકવું નહીં, ભરપૂર પાણી પીવું અને લક્ષણો જણાય તો તુરંત ડૉકટરની સલાહ લેવી.
દર્દીએ શું કાળજી લેવી?
દર્દીએ તુરંત પોતાની જાતને અન્યથી અલગ કરીને ક્વોરન્ટાઈન થઈ જવું, દિવસમાં ઓછામાં ઓછું બે વખત ગરમ પાણીની વરાળ લેવી, તાવ અને ફ્લુનો લક્ષણો ગયા બાદ ઓછામાં ઓછું ૨૪ કલાક ઘરે રહેવું. લિક્વિડ પર્દાથ વધુ લેવા, ભરપૂર આરામ કરવો, ધૂમ્રપાન કરવું નહીં, ડૉકટરની સલાહ પ્રમાણે દવા લેવી.
મુંબઈગરા સાવધાન! ‘ઈન્ફ્લુએન્ઝા’નું જોખમ વધ્યું રાજ્યમાં શનિવારે ત્રણ શંકાસ્પદ મોત
RELATED ARTICLES