(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે નવા વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ઠંડીની લહેર ફરી વળે એવી શક્યતા છે. તો હવાની ગુણવત્તા પણ કથળવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં આવતા અઠવાડિયામાં ઠંડીનું મોજું ફરી વળવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. ઉત્તર ભારતમાં પડનારી ઠંડીની અસર મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોને પણ થઈ શકે છે. એટલે કે નવા વર્ષમાં મુંબઈગરાને કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
નવા વર્ષમાં મુંબઈના લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. શુક્રવારે મુંબઈમાં કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૦ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૮.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૫ ડિગ્રી નોંધાયું હતું.
આગામી દિવસોમાં ઠંડી વધવાની સાથે જ મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ પણ કથળે એવી પણ શક્યતા છે. શુક્રવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૨૭૬ જેટલો ઊંચો હતો. મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ અંધેરીમાં નોંધાયું હતું. દિવસ દરમિયાન અંધેરીમાં એક્યુઆઈ ૩૪૧, કોલાબામાં એક્યુઆઈ ૨૬૬, મઝગાંવમાં ૨૧૫, વરલીમાં ૨૬૯, ચેંબુરમાં ૩૩૪, બીકેસીમાં ૩૨૫, મલાડમાં ૩૦૪ અને નવી મુંબઈમાં ૩૨૭ જેટલો ઊંચો રહ્યો હતો.
મુંબઈગરા ઠંડી માટે તૈયાર રહેજો નવા વર્ષમાં વધશે ઠંડી
RELATED ARTICLES