(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડમાં એસ.વી. રોડ પર કાયમી ટ્રાફિક જામની સમસ્યા રહી છે, પાલિકાએ આ સમસ્યાને દૂર કરવા અહીં રામચંદ્ર લેન નાળા પાસે રેલા ૧૬ બાંધકામને તોડી પાડ્યા હતા. તેથી બહુ જલદી હવે પાલિકા દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે.
મલાડ (પશ્ર્ચિમ)માં સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.) પર કાયમ ટ્રાફિક રહેતો હોવાથી વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેતા હોય છે. તેથી પાલિકાએ ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે આ રોડ પર રહેલા રામચંદ્ર લેન નાળા પાસેના દારૂવાલા કમ્પાઉન્ડ પરના રસ્તાને પહોળો કરવાને આડે આવતી ૧૬ દુકાન હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
રામચંદ્ર લેન નાળા પાસે દારૂવાલા કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી રહી હતી. નાળા પાસે ૧૬ કમર્શિયલ દુકાનોના બાંધકામ આડે આવી રહ્યા હતા. તેથી ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ૧૬ દુકાનો તોડી પાડીને રસ્તો પહોળો કરવાનું પ્રસ્તાવિત હતું. આ ૧૬ દુકાનદારોને જગ્યા માટે આર્થિક વળતર ચૂકવવામાં આવ્યા બાદ પાલિકાએ આ બાંધકામ હટાવવામાં આવ્યા છે.
બુધવારે ૨૯ માર્ચના પી-ઉત્તર વોર્ડ દ્વારા ૮ ઍન્જિનિયર, ૧૫ કામગાર અને જેસીબી મશીનની મદદથી ૧૬ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. સંબંધિત દુકાનદારોને બહુ જલદી આર્થિક વળતર આપવામાં આવશે, તેની લગતી કાર્યવાહી ચાલુ કરવામાં આવી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.