મુંબઈગરા સાવધાન

આમચી મુંબઈ

આગામી પાંચ દિવસ મોટી ભરતીના હોવાથી સાવચેતી રાખવાની પાલિકાની અપીલ

મુંબઈ: મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુંબઈ શહેરમાં પણ અનેક દિવસથી વરસાદનું જોર વધી ગયું છે ત્યારે આગામી પાંચ દિવસ મુંબઈગરા માટે મુશ્કેલીભર્યા બની શકે છે. બુધવારથી સોમવાર સુધી સમુદ્રમાં ભરતી આવવાની છે અને એની સાથે ધોધમાર વરસાદ પડશે તો મુંબઈ ફરી એક વાર ૨૬મી જુલાઈની જેમ જળબંબાકાર થઇ જશે. દરમિયાન બે દિવસ મધ્યમ વરસાદ વરસ્યા બાદ સોમવાર રાતથી ભારે વરસાદ પડ્યો હતો, જેને પગલે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.
મુંબઈમાં વરસાદનાં પાણીને નિકાલ સમુદ્રમાં થતો હોય છે, પણ આગામી પાંચ દિવસ ભરતીના છે અને જો મુંબઈમાં ભારે વરસાદ પડશે તો પાણીનો નિકાલ નહીં થાય. જુલાઈમાં ભરતી દરમિયાન સમુદ્રમાં ૪.૬૮થી ૪.૮૭ મીટરનાં મોજાં ઉછળી શકે એમ છે. એમાં પણ શુક્રવારનો દિવસ સૌથી ભયાનક એટલે કે ૪.૮૭ મીટરનાં મોજાં સાથે સૌથી ઊંચી ભરતીનો દિન છે. આ દિવસે મુંબઈગરાએ સાવધ રહેવાની જરૂર છે.
જૂન મહિનામાં સૌથી મોટી ભરતી ૧૬મી જૂને ૪.૮૭ મીટરની હતી. જોકે જૂન મહિનામાં જોઇએ એટલો વરસાદ ન પડવાને કારણે મુંબઈગરાને માથેથી ઘાત ટળી હતી. જોકે ૧૩મીથી ૧૮મી જુલાઈ દરમિયાન મોટી ભરતીના દિવસો હોવાનું પાલિકાએ જાહેર કર્યું હોઇ આ દિવસોમાં વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે.
દરમિયાન મંગળવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ૧૦ મિનિટ ટ્રેનો મોડી પડી હતી, તેના સિવાય રેલવેવ્યવહાર પણ સરળ રહ્યો હતો. જોકે દાદર સ્ટેશને મંગળવારે એક એસી લોકલ ટ્રેનના દરવાજા ન ખૂલવાને કારણે પ્રવાસીઓને પરેશાની વેઠવી પડી હતી. બે દિવસ મધ્યમ વરસાદ પડ્યા બાદ સોમવાર રાતથી મુંબઈમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આને કારણે પાલિકા દ્વારા મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
સોમવાર રાતથી પડેલા વરસાદને કારણે ટ્રાફિકવ્યવહારને ભારે અસર થઇ હતી. મંગળવારે સવારે બે કલાક પડેલા વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. હાર્બર લાઈનમાં ડોક્યાર્ડ રેલવે સ્ટેશનથી પેટ્રોલ પમ્પ સુધીના રસ્તા પર પાણી ભરાવાને કારણે ટ્રાફિકને ભારે પ્રમાણમાં અસર થઇ હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમના ઉપનગરમાં અનેક વિસ્તારમાં બે ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે ટ્રાફિકવ્યવહારને ઘણો ફટકો પડ્યો હતો.
———-
સમુદ્રકિનારા નજીક ન જવાની પાલિકાની ચેતવણી

મુંબઈ સહિત ઉપનગરમાં વરસાદનું જોર વધ્યું છે. મંગળવારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયું હતું. એક બાજુ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મુંબઈમાં રેડ અને ઓરેન્જ એલર્ટના દિવસે ઘરની બહાર નીકળતાં પહેલાં સાવચેતી રાખવાનું મુંબઈગરાને જણાવવામાં આવ્યું છે. તો બીજી બાજુ સમુદ્રમાં પણ ભરતીને કારણે ૪.૪૭ મીટર સુધીનાં ઊંચાં મોજાં જોવા મળ્યાં હતાં. આથી મુંબઈગરાને સમુદ્રકિનારા નજીક ન જવાની અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી હતી. મંગળવારે ભરતી શમી ગઇ હતી, પણ આગામી પાંચથી છ દિવસ ભરતીને કારણે ૪.૮૭ મીટર સુધીનાં મોજાં ઉછળતાં જોવા મળી શકે છે. ઊંચાં મોજાંને કારણે સમુદ્રનાં પાણી બહાર આવી શકે એમ હોવાથી પાલિકા દ્વારા ઉક્ત અપીલ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને આગામી પાંચ દિવસ ભરતીને કારણે વરસાદનાં પાણીનો નિકાલ કરવાની મુશ્કેલી થવાની હોવાથી શહેરમાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાય એવી શક્યતા હોવાથી મુંબઈગરાએ વરસાદની સ્થિતિનો અંદાજ મેળવીને જ ઘરની બહાર નીકળવું.

 

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.