આમચી મુંબઈ
મરાઠાને કુણબી પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે
જરાંગેની રવિવારથી પાણી અને ઔષધ નહીં લેવાની ધમકી
જાલના: અન્ય પછાત જાતિના વિભાગ હેઠળ મહારાષ્ટ્રના મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે એવું કડક વલણ આંદોલનકાર મનોજ જરાંગેએ શનિવારે અપનાવ્યું હતું અને રવિવારથી પાણી અને ઔષધ નહીં લેવાની ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હતી. જાલના જિલ્લાના અંતરવલી સરાટી ગામમાં જરાંગે મરાઠાને સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અનામત મળે એ માટે ભૂખ હડતાલ પર ઉતર્યા એને ૧૨ દિવસ થયા છે. મુંબઈમાં શુક્રવારે મોડી રાત્રે મરાઠા નેતાગણ અને સરકાર વચ્ચે થયેલી ચર્ચાના નિષ્કર્ષને સ્વીકારવાની તેમણે ના પાડી હતી.