આમચી મુંબઈ

ટ્રેનમાંથી પડી જતાં કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સાંજના સમયે પ્રવાસીઓની ભીડને કારણે આ ટ્રેનમાંથી પડી ગયેલી કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના રામમંદિર સ્ટેશન નજીક બની હતી.

બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારી જાધવે જણાવ્યું હતું કે ઘટનાની જાણ અમને મંગળવારની સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ થઈ હતી. જોગેશ્વરી-રામમંદિર સ્ટેશન દરમિયાન પાટા પર એક યુવતી જખમી અવસ્થામાં પડી હોવાની માહિતી સ્ટેશન માસ્તર દ્વારા કન્ટ્રોલ રૂમને કરાઈ હતી.

કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બેભાન યુવતીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. તેની પાસેથી મળેલા દસ્તાવેજો અને મોબાઈલ ફોનની મદદથી પરિવારજનોનો સંપર્ક કરાયો હતો.

આપણ વાંચો: રેલવેના કર્મચારીએ ચાલતી ટ્રેનમાંથી પડનારા પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાઈરલ

મૃતકની ઓળખ નમ્રતા હસમુખ ગડા (૩૦) તરીકે થઈ હતી. આ પ્રકરણે એડીઆર નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાધવે જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર કચ્છના સામખિયાળી ગામની વતની નમ્રતા પરિવાર સાથે અંધેરીમાં રહેતી હતી. સી.એ.ની. તૈયારી કરતા નમ્રતા કામ નિમિત્તે બોરીવલી જવા નીકળી હતી. સાંજના સમયે બોરીવલી જતી ટ્રેનમાં ભીડ વધુ હોવાથી તે ટ્રેનમાંથી પડી ગઈ હોવાનું માનવામાં આવે છે.

પોલીસના કહેવા મુજબ યુવતીને ટ્રેનમાંથી પડતી જોનોરું કોઈ પોલીસ સમક્ષ હાજર થયું નહોતું. જોકે, સ્ટેશન માસ્ટરને કોણે જાણ કરી તેની તપાસ અમે કરી રહ્યા છીએ. યુવતી ખરેખર ટ્રેનના ક્યા ડબ્બામાંથી અને કેવી રીતે પડી તેની માહિતી મળી શકી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button