ઘર ખરીદદારો સાથે ઠગાઈ: ઈડીએ બિલ્ડરની મિલકતોને ટાંચ મારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘર ખરીદદારો અને રોકાણકારો સાથે કથિત ઠગાઈ પ્રકરણે નોંધાયેલા અનેક એફઆઈઆર સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા બિલ્ડર જયેશ તન્ના અને તેના પરિવારના સ્ભ્યો તેમ જ સહયોગી કંપનીઓની 33.89 કરોડ રૂપિયાની મિલકતોને મંગળવારે ટાંચ મારવામાં આવી હતી. તન્ના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ઠગાઈ મામલે અનેક એફઆઈઆર નોંધાયેલા છે.
ટાંચ મારવામાં આવેલી મિલકતોમાં મુંબઈ અને અહમદનગરના વિવિધ વિસ્તારોમાં આવેલી કૃષિ જમીન, ફ્લૅટ્સ, દુકાનો અને બંગલોનો સમાવેશ થાય છે, એમ ઈડીએ બુધવારે જણાવ્યું હતું.
તન્ના અને તેના પરિવારના સભ્યો તેમ જ અન્યો વિરુદ્ધ ઘર ખરીદદારો સાથે ઠગાઈ કરવા પ્રકરણે મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 13 એફઆઈઆર નોંધાયા છે. આ બધા કેસમાં આરોપનામું દાખલ થઈ ચૂક્યું છે. અમુક મોટા કેસની તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા કરી રહી છે.
આર્થિક ગુના શાખાની તપાસમાં જણાયું હતું કે ઘર ખરીદવા ઇચ્છુકોનાં નાણાં ખોટી રીતે લાભો મેળવવા માટે પોતાના અંગત બૅન્ક ખાતાંમાં વાળવામાં તન્ના સંડોવાયેલો હતો. આ એફઆઈઆરને આધારે ઈડીએ તન્ના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી.
તપાસમાં એવું પણ જણાયું હતું કે સંબંધિત કંપનીએ પ્રસ્તાવિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ફ્લૅટ અને દુકાન ખરીદવા ઇચ્છુકોનું ભંડોળ અન્યત્ર વાળીને કથિત ગેરરીતિઓ આચરી હતી, જેને પગલે પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો નહોતો. આ રીતે ડી. એન. નગર, અંધેરી, કાંદિવલી અને ગોરેગામના વિવિધ પ્રોજેક્ટમાં રોકાણકારોના 85.75 કરોડ રૂપિયા અટવાઈ ગયા હતા, એવું ઈડીએ જણાવ્યું હતું.
મની લોન્ડરિંગની તપાસ દરમિયાન માર્ચમાં એજન્સી દ્વારા મુંબઈમાં નવ સ્થળે રેઇડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને મિલકતો સંબંધી વિગતો મળી હતી.