મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મંત્રાલયમાં મુંબઈ મેટ્રો રૂટ-3 માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી)નું અનાવરણ કર્યું હતું. આ નવી પહેલ દ્વારા સંચાલિત મેટ્રોમાં સીમલેસ મુસાફરી માટે એકીકૃત, સંપર્ક રહિત વિકલ્પ રજૂ કરે છે. આ કાર્યક્રમ મંત્રાલય ખાતે યોજાયો હતો અને એનપીસીઆઈ અને એસબીઆઈના સહયોગથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ કાર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આની માહિતી મુંબઈ મેટ્રો-3 દ્વારા 10 જૂને તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આપવામાં આવી હતી.
મુંબઈ મેટ્રો લાઈન-3, જેને એક્વા લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે કફ પરેડને આરે કોલોની સાથે જોડે છે. આ લાઇનની લંબાઈ 33.5 કિલોમીટર છે અને તેમાં 27 સ્ટેશનો છે. મુખ્યત્વે ભૂગર્ભ લાઇન છે અને તે ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - શિવસેના (યુબીટી)એ ખેતીના મુદ્દાઓ અને અધૂરા વચનોના વિરોધમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કર્યું
અત્યારના તબક્કે આ કાર્ડ પર મેટ્રો-1 (ઘાટકોપરથી વર્સોવા), મેટ્રો-2એ (દહિસર-પૂર્વથી અંધેરી પશ્ર્ચિમ) અને મેટ્રો-7 (દહિસર-પૂર્વથી ગુંદીવલી) સાથે સાંકળવામાં આવ્યું હોવાથી પ્રવાસી આ બધી જ મેટ્રોમાં એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ કાર્ડને બેસ્ટ બસની ચલો બસ એપ પર ઉપયોગ કરી શકાશે.
મોનોરેલ અને ઉપનગરી રેલવે હજી પણ આ કાર્ડના ઉપયોગથી વંચિત છે અને ટૂંક સમયમાં તેના કાર્યક્ષેત્રમાં આવે એવી શક્યતા ઓછી છે. આ કાર્ડ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં રૂ. 100નું લઘુતમ અને રૂ. 2000નું મહત્તમ રિચાર્જ કરાવી શકાશે.