(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાલુ મહિનાના અંતમાં એટલે સોમવારથી મંગળવાર સુધીના 24 કલાક માટે મુંબઈમાં પાણીપુરવઠો બંધ રહેવાનો છે. તેથી મુંબઈગરાને આ દરમિયાન પાણીને સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.
પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ ભાંડુપ કૉમ્પ્લેક્સમાં જળ શુદ્ધીકરણ કેન્દ્રમાં વધારાની 4,000 મિલિમીટર વ્યાસની પાઈપલાઈન જોડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેમ જ ભાંડુપ કૉમ્પ્લેક્સથી સંબંધિત રહેલી જુદી જુદી પાઈપલાઈન પર બે ઠેકાણે વાલ્વ બેસાડવાનું, નવી પાઈપલાઈન જોડવાનું અને બે ઠેકાણે થઈ રહેલાં ગળતરનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી 30થી 31 જાન્યુઆરી સુધી 24 કલાક માટે પશ્ચિમ તથા પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠો ખંડિત થશે.
પાણીપુરવઠો વધુ સુદ્દઢ રીતે થાય તે માટે પાલિકાએ વિવિધ કામ હાથ લીધા છે. આ કામ 30 જાન્યુઆરીના સવારના 10 વાગ્યાથી ચાલુ થશે, જે બીજા દિવસે 31 જાન્યુઆરીના સવારના 10 વાગ્યા સુધી ચાલશે. તેથી આ કામ ચાલુ હશે એ દરમિયાન મુંબઈના 24 વોર્ડમાંથી 12 વોર્ડમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહશે. તો બે વોર્ડમાં પાણીપુરવઠામાં 25 ટકા કાપ હશે.
પશ્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ચિમ, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહીસર, બાંદ્રા પૂર્વ અને પશ્ચિમ આ નવ વોર્ડના અનેક પરિસરમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે ખંડિત થશે. તો પૂર્વ ઉપનગરમા ભાંડુપ, ઘાટકોપર, કુર્લા વોર્ડના અનેક વિસ્તારમાં પણ સંપૂર્ણપણે પાણીપુરવઠો ખંડિત રહેશે.
જ્યારે દાદર, માહિમ (પશ્ચિમ), પ્રભાદેવી અને માટુંગા (પશ્ચિમ) પરિસરમાં પાણીપુરવઠામાં 30 અને 31 જાન્યુઆરી, 2023ના રોજ 25 ટકા કાપ રહેશે. તો ધારાવી પરિસરમાં જે વિસ્તારમાં ચારથી સાંજના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે તે વિસ્તારમાં 30 જાન્યુઆરી, 2023ના રોજ પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
મુંબઈગરાને કરવામાં આવતો પાણીપુરવઠો વધુ સક્ષમ રીતે કરી શકાય તે માટે આ કામ કરવામાં આવી રહ્યા છે. આ કામને કારણે 29 જાન્યુઆરી, 2023 તો 31 જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી, 2023 દરમિયાન આ વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ પાલિકાએ કરી છે.
મુંબઈમાં 24 કલાક માટે પાણીપુરવઠો રહેશે બંધ ચાર ફેબ્રુઆરી સુધી ઓછા દબાણે થશે પાણીપુરવઠો
RELATED ARTICLES