(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૨૮થી ૩૦ માર્ચ દરમિયાન જી-૨૦ પરિષદની બેઠક યોજાઈ ગઈ હતી, તે માટે મુંબઈના જુદા જુદા વિસ્તારોને ખાસ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. મુંબઈમાં જી-૨૦ પરિષદની બેઠકને ધ્યાનમાં રાખીને મુંબઈના સુશોભીકરણનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ મોટા પાયા પર હાથ ધર્યો છે. હવે આગામી બેઠક મે મહિનામાં થવાની છે, તે અગાઉ સુશોભિકરણના તમામ કામ પૂરા કરીને પૂરી મુંબઈને ઝગમગતી કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે.
મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં ૫૦૦ તો બીજા તબક્કાના ૩૨૦ અને અન્ય કામ સહિત કુલ ૧,૦૭૭ કામ હાથમાં લેવામાં આવ્યા છે. તેમાંથી ૬૧૩ કામ પૂરા થઈ ગયા છે અને બાકીના ૫૦ ટકા કામ નક્કી કરેલી મુદત પ્રમાણે માર્ચ અંત સુધીમાં પૂરા થયા હોવાનો દાવા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે.
સુશોભિકરણના બાકીના કામ પ્રગતિ પર હોઈ તે કામ પણ નિયમિત સમયે ખાસ કરીને ચોમાસું ચાલુ થાય તે પહેલા પૂરા કરવાનો તેમ જ મુંબઈમાં જુદા જુદા સ્થળે વિદ્યુત રોશની સંબંધીત કામ આગામી મહિનામાં પૂરા કરવાની સૂચના પણ કમિશનરે અધિકારીઓને આપી છે.
મુંબઈ મહાનગરપાલિકાનો સ્પેશિયલ પ્રોજક્ટ રહેલા મુંબઈ સુશોભિકરણ પ્રોજેક્ટ આ વર્ષે ચોમાસા પહેલાં પૂરા કરવાના કામ તેમ જ જી-૨૦ પરિષદની આગામી બેઠક એ તમામ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા પ્રશાસન તરફથી પ્રગતી પર રહેલા તેમ જ નિયોજિત કામ આ સંદર્ભમાં પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે શુક્રવારે, ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ એક બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન જી-૨૦ પરિષદના સુશોભિકરણના કામમાં વાપરવામાં આવેલા સામનન પુન:ઉપયોગ કરીને ખર્ચાનું પુનરાવર્તન ટાળવાની સલાહ પણ કમિશનરે આપી હતી. આગામી જી-૨૦ પરિષદની બેઠક મે, ૨૦૨૩માં થવાની છે.
ચોમાસા પહેલા નાળાસફાઈનો દાવોઃ
મુંબઈમાં નાળાસફાઈના કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ૩૦ મે સુધીમાં નાના-મોટા તમામ નાળાના સફાઈના કામ પૂરા થઈ જશે એવો દાવો કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે. તેમણે કહ્યું હતું કે માર્ચ મહિનામાં થયેલો વરસાદ છેલ્લા આઠ મહિનામાં થયેલો સૌથી વધુ વરસાદ છે. વાતાવરણમાં થયેલા ફેરફારનો ફટકો પૂરી દુનિયાને પડી રહ્યો છે અને મુંબઈને પણ તેની અસર થઈ રહી છે.
મુંબઈની સફાઈ પર નજર રાખશે ‘સ્વચ્છતા દૂત’:
મુંબઈ મહાનગરપાલિકાના સાર્વજનિક ઠેકાણે ખાસ કરીને પ્રસાધનગૃહની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાની સૂચના મુખ્ય પ્રધાને આપી હતી. તેને ધ્યાનમાં રાખીને સમગ્ર મુંબઈમાં નવા પ્રસાધનગૃહ ઊભા કરવાના, આવશ્યક પ્રસાધનગૃહના સમારકામ અને દેખરેખ તેમ જ નિયમિત સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું હોવાનું જણાવતા કમિશનરે કહ્યું હતું કે મુંબઈની સ્વચ્છતા પર ધ્યાન આપવા માટે પાંચ હજાર ‘સ્વચ્છતાદૂત’ નિમવામાં આવવાના છે, તે માટે નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એપ્રિલ અંત સુધીમાં તમામ ‘સ્વચ્છતા દૂત’ નીમાઈ જશે.