(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર (પશ્ચિમ)માં ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા પાઈપલાઈનમાં ગળતર શરૂ થતા મધ્ય મુંબઈના લોઅર પરેલ, વરલીથી માહિમ અને ધારાવી સુધીના વિસ્તારમાં શનિવારથી રવિવાર સુધી ૨૬ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
દાદરમાં સેનાપતિ બાપટ માર્ગ અને કાકાસાહેબ ગાડગીલ માર્ગ આ જંકશન પર રહેલી ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા પૂર્વ અને પશ્ચિમ મેઈન પાઈપલાઈન પર રહેલા ગળતરનું સમારકામ પાણીપુરવઠા ખાતા દ્વારા કરવામાં આવવાનું છે. ગળતરનું સમારકામ શનિવારે ૨૭ મે, ૨૦૨૩ના સવારના ૮ થી રવિવાર ૨૮ મે, ૨૦૨૩ના સવારના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી ૨૬ કલાક સુધીના સમયગાળા દરમિયાન લોઅર પરેલ, વરલીથી માહિમ, ધારાવી સુધીના વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો જતનપૂર્વક ઉપયોગ કરવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
આ કામ શનિવારે સવારના ૮ વાગ્યાથી ચાલુ થશે અને રવિવારે સવારના ૧૦ વાગે આ કામ પૂરું થશે. આ દરમિયાન ગળતર શોધવા માટે સંપૂર્ણ પાઈપલાઈનનો પુરવઠો બંધ કરવો પડશે. તેથી પાણીકાપ મૂકીને ત્યારબાદ ચોક્કસ કયાં ગળતર છે તે શોધીને પૅચ વર્ક અથવા રિબેટ બદલીને સમારકામ કરવામાં આવશે. હાલ ગળતર શોધવા માટે પ્રાથમિક કામ ચાલુ કરવામાં આવ્યું હોવાનું પાણીપુરવઠા ખાતાએ જણાવ્યું હતું. તેથી સમારકામ જ્યારે ચાલુ કરવામાં આવશે ત્યારે જી-દક્ષિણ અને જી-ઉત્તર વોર્ડમાં પાણીપુરવઠો ખંડિત રહેશે.
જી-ઉત્તર વોર્ડમાં આ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે
સંપૂર્ણ માહિમ (પશ્ચિમ), માટુંગા (પશ્ચિમ), દાદર (પશ્ચિમ), સેનાપતિ બાપટ માર્ગ, વીર સાવરકર માર્ગ, ગોખલે રોડ, કાકાસાહેબ ગાડગીળ માર્ગ, એલ.જે.માર્ગ, સયાની માર્ગ, ભવાની શંકર માર્ગ, મોરી માર્ગ, સેનાભવન પરિસર, ટી. એચ. કટારિયા માર્ગ, કાપડ બજાર પરિસરમાં શનિવારે ૨૭ના રોજ સાંજે ચારથી રાતના ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.
જી-દક્ષિણ વોર્ડમાં આ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે
ડિલાઈલ રોડ બીડીડી, સંપૂર્ણ પ્રભાદેવી પરિસર, જનતા કોલોની, સંપૂણ લોઅર પરેલ, પાંડુરંગ બુધકર માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, ગણપતરાવ કદમ, એન.એમ.જોશી માર્ગ, વીર સાવરકર માર્ગ, એસ.એસ. અમૃતવાર પરિસરમાં શનિવાર ૨૭ મેના બપોરના ૨.૩૦ થી સાંજના સાત વાગ્યા સુધીના સમયમાં પાણીપુરવઠો બંધ રહેશે. એન.એમ.જોશી માર્ગ, ડિલાઈલ રોડ બીડીડી, સખારામ બાળા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, ધોબીઘાટ, સાત રસ્તા પરિસરમાં રવિવાર ૨૮ મેના વહેલી સવારના ચાર વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.