મુંબઈ… દેશનું અને રાજ્યનું એક એવું શહેર કે જે ક્યારેય ઊંઘતું નથી કે ન તો થાકે છે. આ શહેર તેની નાઈટ લાઈફ માટે જાણીયું છે. એક તરફ રોજે લાખો-કરોડો રૂપિયાની ઉથલ પાથલનું સાક્ષી બનતું આ શહેર બીજી બાજું એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. શહેરના રસ્તાઓ પર જ્યાં પૈસા પાણીની જેમ વહે છે. લોકોની સપનાની નગરી સમાન આ શહેર કમાઠીપુરા જેવા રેડ લાઈટ એરિયાને કારણે બદનામ પણ છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં કેવી રીતે જોડાયું, મહારાષ્ટ્રની રાજધાની કેવી રીતે બની એ વિશે તો બધા જ જાણે છે. પણ શું તમે જાણો છો કે માયાનગરી મુંબઈ સેંકડો વર્ષ પહેલાં અંગ્રેજોને દહેજમાં મળ્યું હતું. આજે દેશમાં ભલે દહેજ વિરોધી કાયદો છે પણ વર્ષો પહેલાં પોર્ટુગીઝોએ અંગ્રેજોને મુંબઈ શહેર દહેજમાં આપ્યું હતું અને એ પાછળ રસપ્રદ કિસ્સો છે આવો જોઈએ શું છે આ રસપ્રદ કિસ્સો અને આખરે કેમ પોર્ટુગીઝોએ મુંબઈ જેવું શહેર અંગ્રેજોને દહેજમાં આપી દીધું…
આ એ સમયગાળો હતો કે જ્યારે ભારતમાં ડચ વેપારીઓ તેમજ પોર્ટુગીઝોની ચળવળ શરૂ થઈ હતી. દરિયા કિનારાથી ઘેરાયેલું હોવાથી મુંબઈ વેપાર માટે શ્રેષ્ઠ સ્થળ હતું. 1507ની આસપાસ, પોર્ટુગીઝોએ પણ મુંબઈ પર કબજો કરવાના હેતુથી હુમલો કર્યો હતો. પરંતુ તેઓ તેમની યોજનામાં સફળ થયા નહીં. પોર્ટુગીઝ સિવાય મુંબઈ શહેર પર પણ મુઘલ સમ્રાટ હુમાયુની નજર હતી. આ સમયગાળા દરમિયાન મુંબઈ પર ગુજરાતના શાસક બહાદુર શાહનું શાસન હતું, પરંતુ તે પોર્ટુગીઝોના હુમલાને કારણે એ ખૂબ જ નારાજ હતા. હાર્યા બાદ તેમણે પોર્ટુગીઝ સાથે સંધિ કરી હતી. 1534 પછી, પોર્ટુગીઝોએ મુંબઈમાં વેપાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.
ભલે પોર્ટુગીઝોએ ગુજરાતના શાસક પાસેથી મુંબઈ આંચકી લીધું હોય પણ પરંતુ અંગ્રેજો તેમના માટે મુશ્કેલી બની રહ્યા હતા. બ્રિટિશ સામ્રાજ્ય મુંબઈને કબજે કરવા માટેના દરેક સંભવિત પ્રયાસમાં વ્યસ્ત હતું. અંગ્રેજોની બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ 1652માં સુરત કાઉન્સિલ દરમિયાન તત્કાલિન બોમ્બેને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. દરમિયાન, પોર્ટુગીઝ માટે અંગ્રેજો સામે લડવું ધીમે ધીમે મુશ્કેલ બની રહ્યું હતું. આવી સ્થિતિમાં, પોર્ટુગલના રાજાએ વિવાદનો અંત લાવવાનો વિચાર આવ્યો. તેણે તેની પુત્રી કેથરીનના લગ્ન ઈંગ્લેન્ડના રાજા સાથે કરવાનું નક્કી કર્યું. સામેથી આવેલા આ પ્રસ્તાવને બ્રિટિશ રાજાએ પણ સ્વીકારી લીધો અને આ રીતે 1661માં પોર્ટુગલના રાજાએ પોતાની પુત્રી કેથરીનના લગ્ન ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ બીજા સાથે કર્યા.
મજાની વાત એ છે કે આ લગ્ન માટે પોર્ટુગલે બ્રિટિશ શાસનને ઘણું બધું આપ્યું. તેમણે ઈંગ્લેન્ડના રાજાને દહેજની ભેટ તરીકે તત્કાલીન મુંબઈ શહેર પણ આપી દીધું હતું. આ રીતે પછીથી મુંબઈ પર અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો. અને 200 વર્ષ સુધી આખા દેશ પર તેમણે રાજ કર્યું.